Seven Akbar Birbal Story Gujarati | 7. બેટા રોતા થા

Seven Akbar Birbal Story Gujarati
Seven Akbar Birbal Story Gujarati

Seven Akbar Birbal Story Gujarati | 7. બેટા રોતા થા

એક દિવસ બીરબલ દરબારમાં વખતસર હાજર ન થઈ શક્યો એટલે બાદશાહે તેને બોલાવી લાવવા સિપાઈ મોકલ્યા. સિપાઈએ બીરબલ પાસે જઈ કહ્યું, “બાદશાહ સલામત આપને બોલાવે છે.”

બીરબલે તેને જવાબ આપ્યો, “જા, નામવરને જઈને કહે કે હમણાં હું હાજર થાઉં છું.”

સિપાઈએ તો જઈને બીરબલે આપેલો જવાબ બાદશાહને કહી સંભળાવ્યો.

બાદશાહે વળી પાછી ઘણી વાર સુધી એની રાહ જોઈ પણ બીરબલનો પત્તો જ નહીં. આથી વળી પાછો સિપાઈને તેડવા મોકલ્યો. બીજી વખત પણ બીરબલે ઉપલો જ જવાબ આપી તેને પાછો કાઢયો. ફરી પાછો બાદશાહે ત્રીજી વાર સિપાઈ મોકલ્યો અને બીરબલે પણ તેને અગાઉની જેમ જ જવાબ આપી પાછો કાઢયો.

બીરબલે વિચાર કર્યો કે જો હવે વધારે વાર લાગશે તો બાદશાહ પોતે જ અહીં આવશે, માટે હવે તો હું જાઉં. આથી તે ઝટપટ તૈયાર થઈ બાદશાહના દરબારમાં હાજર થયો. તેણે સલામ કરી, પરંતુ આજે બાદશાહ ગુસ્સામાં હોવાને લીધે તેનો જવાબ ન આપ્યો. બાદશાહે ગુસ્સે થઈ પૂછયું, “કેમ બીરબલ ! આજે તને બોલાવવા માટે ત્રણ-ત્રણ વાર માણસો મોકલવા પડ્યા, છતાં તારું “હમણાં આવું છું” એ પૂરું ન થયું ? આટલી બધી વાર તું શું કરતો હતો ?”

હાજરજવાબી બીરબલે તરત જ હાથ જોડીને અરજ કરતાં કહ્યું : “નામવર, બેટા રોતા થા એટલે તેને સમજાવતાં આટલી બધી વાર લાગી.”

બાદશાહે વધુ ગુસ્સે થઈ કહ્યું : “બીરબલ, તું દરેક વખતે આવા જ હાજરજવાબો આપી વાતન ઉડાવી દે છે. શું બાળકને તે સમજાવતાં શી વાર લાગે ? તેને મનગમતી ચીજ આપીએ કે તરત છાનું થઈ જાય.”

બીરબલે કહ્યું, “જહાંપનાહ, બાળકને કેવી રીતે સમજાવવો એનો અનુભવ હજુ આપને થયો નથી એટલે બાળહઠ વિષે આપ શું જાણો ?”

બાદશાહ બોલ્યા, “તારા જેવો ચતુર માણસ બાળકને ન સમજાવી શકે એ નવાઈની વાત છે. જો તારી જગાએ હું હોત તો તરત સમજાવી દેત.”

બીરબલે કહ્યું, “ત્યારે નામવર, આપ રાજા એટલે માબાપ તરીકે ગણાવ. રૈયત આપના બાળક બરોબર છે. માટે હું બાળક બનું અને આપ મને સમજાવો અને પછી જુઓ કે બાળહઠ કેવા પ્રકારની હોય છે !”

બાદશાહે તે વાત કબૂલ કરી એટલે બીરબલે નાના બાળકની જેમ જમીન પર બેસી ધીમે ધીમે રડવા માંડ્યું. બાદશાહ સિંહાસન પરથી ઊતરી તેને સમજાવવા લાગ્યા. બાદશાહે બીરબલના શરીર પર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું, “બેટા, તું કેમ રડે છે ?”

એટલે બીરબલે વધુ જોરથી રડવા માંડ્યું. બાદશાહે તેને મમતાથી પૂછયું, “બેટા, તું કેમ રડે છે ? તને શું જોઈએ ? ચાલ જલદી કહે, હું હમણાં જ તને તે અપાવું.”

બીરબલે થોડીવાર સુધી રડ્યા કર્યું પછી તે બોલ્યો, “મને શેરડી જોઈએ છે. તો મંગાવી આપો.”

બાદશાહે તુરત જ શેરડીનો એક ભારો મંગાવ્યો અને તેમાંથી પસંદ પડે તે કાઢી લેવા કહ્યું. બીરબલે તો રડતાં રડતાં કહ્યું, “તમે કાઢી આપો.”

બાદશાહે ભારામાંથી એક સારી શેરડીનો કકડો કાઢી આપ્યો. પરંતુ બીરબલે તો તે હાથમાં લઈ પાછું રડવા માંડયું.

ત્યારે બાદશાહે પૂછયું, “બેટા, હવે શા માટે રડે છે ? પાછું વળી શું જોઈએ ?”

એટલે બીરબલે રોતાં રોતાં જવાબ આપ્યો, “આને છોલી આપો.”

એટલે બાદશાહે શેરડી છોલીને તેના હાથમાં આપી. તે લઈને વળી પાછો તે રોવા લાગ્યો. બાદશાહ પૂછયું, “હવે શા માટે રડો છો ?”

તેણે કહ્યું, “એના કકડા કરી આપો.”

બાદશાહે કકડા કરી આપ્યા અને બીરબલની આગળ મૂક્યા. બીરબલે તે કકડા ફેંકી દીધા અને રોવા લાગ્યો. બાદશાહ ઊઠીને તે વીણવા લાગ્યા અને બીરબલ આગળ ભેગા કરી પૂછયું, “બેટા, છાનો રહે. જો તે કહ્યું તેમ મેં કર્યું ને ?”

બીરબલે તો રોવાનું બંધ કર્યું જ નહિ અને પગ પછાડવા લાગ્યો. આ જોઈ બાદશાહે પૂછયું, “બેટા, આમ શા માટે કરે છે ?”

બીરબલે કહ્યું, “આને કાપી કેમ નાખી? પાછી આને આખી કરી આપો.”

બાદશાહે કહ્યું, “બેટા ! હવે આને આખી કેવી રીતે કરી શકાય ?”

બીરબલે હાથ જોડી અરજ કરી, “તો પછી નામવર, હું રડવાનું કેવી રીતે બંધ કરું ?”

બાદશાહે કહ્યું, “બીરબલ, ધન્ય છે તને ! તું જે બોલ્યો તે ખરું છે. ખરેખર, બાળહઠ તે બાળહઠ જ છે.”

આ પ્રમાણે બાદશાહનો ગુસ્સો ઊતરી ગયો અને સૌ પોતપોતાના આસને જઈ બેઠા અને રાજકાજમાં પરોવાયા.

Also Read :

8. અદલ ઇન્સાફ

Leave a Reply