Two Akbar Birbal Story Gujarati | 2. સવાશેર માંસ

Two Akbar Birbal Story Gujarati
Two Akbar Birbal Story Gujarati

Two Akbar Birbal Story Gujarati | 2. સવાશેર માંસ

દિલ્હીમાં કૃષ્ણચંદ નામનો એક વેપારી રહેતો હતો. એની પેઢી ઘણાયે વરસોથી એકસરખી રીતે ચાલતી હતી. એ પેઢીની આડતો દેશદેશમાં હતી. એક વખત એવું બન્યું કે એકસાથે શેઠને ત્યાં પાંચ લાખ રૂપિયાની તરત મુદતની હૂંડીનો દેખાડ થતાં તુરત જ એનાં નાણાં રોકડાં ગણી આપવાં જોઈએ.

વેપારીઓ જો કે લાખો અને કરોડોનો વેપાર ખેડતા હોય પરંતુ એ કોઈ દિવસ ઘરમાં કે પેઢીમાં રોકડ નાણું રાખતા નથી. ઘણાંખરાં નાણાં તો વેપારમાં જ રોકાયેલાં હોય છે. કારણ, અવારનવાર આ નાણાં એકબીજાને ત્યાંથી આવતાં જાય એટલે વેપાર તો ચાલ્યા જ કરે.

હવે એવું બન્યું કે જે દિવસે કૃષ્ણચંદ શેઠને ત્યાં પાંચ લાખની હૂંડી આવી પડી તે દિવસે પુરાંતમાં માત્ર પાંચ જ હજાર રૂપિયા હતા. આથી શેઠે ઓળખીતા વેપારીઓને ત્યાં પોતાના મુનીમને મોકલી સગવડ કરાવવા માંડી. પણ સમયની બલિહારીને લીધે કોઈએ એક પાઈ પણ આપી નહિ. આથી મુનીમ રખડી રખડીને પાછો આવ્યો ને શેઠને બધી વાત કરી. શેઠ તો ચિંતામાં પડ્યા કે હવે કરવું શું ?

પોતાને ઘરે લાખોનું ઝવેરાત હતું. પણ જો એ બજારમાં મૂકે તો તો આબરૂ જ જાયને ? આ પ્રમાણે શેઠ હવે શું કરવું એના વિચારમાં પડ્યા. છેવટે શેઠ એક વિચાર પર આવ્યા કે માત્ર હવે એક પ્રેમચંદ શેઠને ત્યાં જવાનું બાકી રહ્યું છે, માટે જો હું ત્યાં જાઉ તો રૂપિયા મળે ખરા.

હવે આ પ્રેમચંદ શેઠ મહા બદમાશ હતો. કોઈની પાસે લખાવે કાંઈ અને આપે પણ કાંઈ. પણ કહેવત છે ને કે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે એટલે કૃષ્ણચંદ શેઠને અત્યારે ખાસ ગરજ હોવાથી પ્રેમચંદ શેઠને ઘેર ગયા.

એકબીજાએ વેપારધંધાની વાતો કર્યા પછી કૃષ્ણચંદ શેઠે પોતાની વાત ધીમે રહીને મૂકી. કૃષ્ણચંદ શેઠે એક માસની મુદત માટે ગમે તે વ્યાજે પાંચ લાખ રૂપિયાની માગણી કરી. પણ પ્રેમચંદ શેઠે કહ્યું, “મારે વ્યાજની જરા પણ પડી નથી. આપ કોઈ દિવસ નહિ અને આજે જ મારે ત્યાં જાતે પધાર્યા છો તો પછી આપથી મારે મન રૂપિયા વધારે નથી. જોઈએ એટલા લઈ જાઓ. પણ એક શરત છે, જો એ આપને કબૂલ હોય તો ખુશીથી લઈ જાઓ.”

કૃષ્ણચંદ શેઠ બોલ્યા, “શી શરત છે ?” પ્રેમચંદ શેઠે કહ્યું, “જુઓ, જો મુદત મુજબ એક મહિનામાં રૂપિયા પાછા નહિ ફરે તો તે રૂપિયાના બદલામાં આપના શરીરમાંથી સવાશેર માંસ મારા હાથે કાપી લઈશ. જો આ શરત આપને મંજૂર હોય તો ખુશીથી અત્યારે ને અત્યારે પાંચ લાખ રૂપિયા ગણી લો.”

આ પ્રમાણે પ્રેમચંદ શેઠની શરત સાંભળી કૃષ્ણચંદ શેઠે વિચાર કર્યો કે, “મારા બેટે મારું કાસળ કાઢવા બરાબર લાગ સાધ્યો છે પણ એની એ ધારણા પાર પડશે તો નહિ. કારણ મુદત પહેલાં તો હું પાંચ શું પણ પચીસ લાખ રૂપિયા જોઈશે તો લાવી ખડા કરી દઈશ.

માટે તેની શરત કબૂલ કરવામાં જરા પણ વાંધો નથી. વ્યાજ પણ બચશે અને આબરૂ પણ જળવાશે.” આમ વિચાર કરી કૃષ્ણચંદ શેઠે કહ્યું, “ભલે શેઠ, જો હું મુદત પૂરી થતાં નાણાં ન ભરી શકું તો આપ આપની શરત મુજબ મારા દેહમાંથી સવાશેર માંસ કાપી લેજો.”

પ્રેમચંદ શેઠે કહ્યું, “ઠીક ત્યારે શેઠ, એ સંબંધના એટલા અક્ષરો લખી આપો અને નીચે સહી કરી આપો એટલે પત્યું.” કૃષ્ણચંદ શેઠે એ મુજબ લખી આપ્યું અને રૂપિયા લઈ, પોતાની આબરૂ હવે જળવાશે એમ વિચાર કરી, આનંદથી હસતાં હસતાં પોતાની પેઢીએ ગયા. બંને હૂંડીઓ ભરપાઈ કરી, અહા ! જોયું કે વેપાર-ધંધામાં કેટલી કેટલી આવી મુશ્કેલીઓ આવતી હશે?

હવે એવું બન્યું કે કૃષ્ણચંદ શેઠની જે ધારણા હતી કે એક મહિનામાં તો હું પાંચ શું પણ પચીસ લાખ રૂપિયા લાવી ખડા કરી શકીશ એ પાર પડી નહિ. કોણ જાણે માણસ શું આશા રાખે છે અને એની આશા ભાગ્યે જ પાર પડે છે અને આશા પાર પડે તો પણ પરિણામ બીજું જ આવે છે.

આ મુજે કુષ્ણચંદ શેઠે પ્રેમચંદ શેઠનાં નાણાં એક મહિનામાં જ પાછાં આપવાની શરત કરી હતી. અને એ મુજબ મહિનો પણ પૂરો થવા આવ્યો હતો ! મુદત પણ વીતી ગઈ અને બદમાશ પ્રેમચંદ શેઠનો નાણાં વસૂલ કરવાનો તગાદો શરૂ થયો.

એટલે કૃષ્ણચંદ શેઠે તો પોતાનાં સગાંવહાલાંઓને કહી પાંચ લાખ રૂપિયા ભેગા કરી વ્યાજ સહિત પ્રેમચંદ શેઠને ત્યાં પહોંચતા કરાવ્યા. પણ એણે તો એ રૂપિયા પાછા લેવાની ના પાડી અને પાછા મોકલાવ્યા.

પ્રેમચંદ શેઠે કહેવડાવ્યું કે, “મારે પાંચ લાખ રૂપિયાની જરૂર નથી પણ મારે તો આપના વચન મુજબ સવાશેર માંસ આપના શરીરમાંથી મારે હાથે કાપી લેવું છે.” આ પ્રમાણે સાંભળી કૃષ્ણચંદ શેઠનો માણસ એ રૂપિયા લઈને પાછો ફર્યો અને કૃષ્ણચંદ શેઠને બધી વાત કરી.

આ સાંભળી શેઠ તો એકદમ ગભરાયા અને માંદા પડી ગયા. કૃષ્ણચંદ શેઠ શરતથી બંધાઈ ગયા હતા. એટલે લાચાર હતા. વેપારીઓ માત્ર પોતાની જબાન પર જ કરોડોનો વેપાર ખેડે છે અને એ પાળે છે એટલે શરત મુજબ વચન પાળવું એ તેઓની મુખ્ય ફરજ છે.

ત્યાર પછી ઘણીયે વખત પ્રેમચંદ શેઠે પોતાની શરત પૂરી કરવા માટે કૃષ્ણચંદ શેઠને કહેવડાવ્યું. કૃષ્ણચંદ શેઠ તો સાવ માંદા પડી ગયા હતા અને એમાં વારંવાર પ્રેમચંદ શેઠના તેડાથી એમની તબિયત સાવ ખાટલાવશ બની ગઈ.

આખરે બદમાશ પ્રેમચંદ શેઠે પોતાની શરત ગમે તે હિસાબે પૂરી કરવા માટે કૃષ્ણચંદ શેઠ પર ફરિયાદ માંડી. કૃષ્ણચંદ શેઠ સાવ અશક્ત હોવા છતાં પણ કાજીના તેડાથી કચેરીમાં ગયા. કાજીએ કૃષ્ણચંદ શેઠને પૂછ્યું, “શું તમે શેઠ પ્રેમચંદ પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા કે ?”

કૃષ્ણચંદ શેઠે જવાબ આપ્યો, “જી હા.”

એ રૂપિયા લેતી વખતે કોઈ શરત કરી હતી કે ?”

જી હા.”

તમે આવી શરતે પાંચ લાખ રૂપિયા લીધા હતા કે જો એક મહિનામાં હું એ રૂપિયા ન આપી શકું તો મારા શરીરમાંથી સવાશેર માંસ તમારા હાથે કાપી લેવું ?”

જી હા. પણ મેં વ્યાજ સાથે રૂપિયા મોકલાવ્યા છતાં એમણે એ લીધા નહિ. ફક્ત એ તો સવાશેર માંસ મારા શરીરમાંથી લેવા માંગે છે. માટે આપને જે યોગ્ય લાગે તે ન્યાય આપો.”

કૃષ્ણચંદ શેઠનો જવાબ સાંભળી કાજીએ કહ્યું, “તમારી શરત મુજબ તમે બંધાઈ ચૂકયા છો એટલે હવે તમને બીજી તો શી મદદ કરી શકું? માટે ફરિયાદી જે જગાએથી સવાશેર માંસ કાપી લેવા માગે તે જગાએથી કાપી લેવા દો.”

આ પ્રમાણે કાજીનો ફેંસલો સાંભળી કૃષ્ણચંદ શેઠના તો હોશ જ ઊડી ગયા. પરંતુ એમણે ધીરજ રાખી વિચાર કરી કહ્યું, “કાજી સાહેબ, આ ફરિયાદ સામે યોગ્ય ન્યાય મેળવવા માટે મારે બાદશાહ સલામતના દરબારમાં ફરિયાદ હાજર કરાવવી છે. માટે હમણાં આપ આપનો હુકમ અમલમાં ન લાવશો એવી મારી અરજ છે.”

કૃષ્ણચંદ શેઠની આ અરજને કાયદા પ્રમાણે માન આપી કાજીસાહેબે પોતાનો હુકમ બંધ રાખ્યો. એટલે કૃષ્ણચંદ શેઠે તુરત જ બાદશાહના દરબારમાં અરજ કરી. બાદશાહ દિલ્હીના આ બંને આબરૂદાર વેપારીઓને ઓળખતા હતા અને એમાંય આવી નવાઈ પમાડે તેવી શરત જોઈ વિચારમાં જ પડી ગયા. બાજુમાં જ બેઠેલા બીરબલને બાદશાહે કહ્યું, “બીરબલ, ન્યાય અને ધર્મ કાયમ રહેતાં કોઈ પણ ઉપાયે આ વેપારીનો જાન બચે તેવો કોઈ રસ્તો તું શોધી કાઢ અને તે મુજબ તે ન્યાય આપ.”

બીરબલે બન્ને જણાઓને કહ્યું, “જાઓ શેઠ, તમારા બન્નેના સંબંધમાં ઘટતો ઇન્સાફ મળશે. માટે કાલે તમે બન્ને જણા પધારજો.

આથી આ બન્ને જણા વિનયપૂર્વક સલામ કરી ઘરભણી વળ્યા.

બીજે દિવસે વાદી અને પ્રતિવાદી બન્ને જણા એકબીજાની સામે ઊભા રહ્યા. બીરબલે પ્રેમચંદ શેઠને પૂછયું, “કેમ શેઠ, તમારે રૂપિયા તો પાછા જોઈતા નથી ને ?

પ્રેમચંદ શેઠે કહ્યું, “જી ના. મારે તો કરાર મુજબ એના શરીરનું સવાશેર માંસ જોઈએ છીએ.”

બીરબલે કહ્યું, “ભલે ત્યારે, એમ જ કરો, પરંતુ તમારી શરત મુજબ સવાશેર કરતાં ઓછું કે વધતું માંસ કાપશો તો તેટલા જ પ્રમાણમાં તમારા શરીરમાંથી પાછું એટલું જ માંસ કાપી લેવામાં આવશે.” આ પ્રમાણે બીરબલનો ન્યાય સાંભળતાં પ્રેમચંદ શેઠ તો ગભરાયા અને વિચારમાં પડયા કે હવે શું કરવું?

બીરબલે ફરી હુકમ કર્યો, “જલદી કરો, કોની વાટ જુઓ છો ? તમારી શરત મુજબ માંસ કાપી લો.”

પ્રેમચંદ શેઠે થોથરાતી જીભે કહ્યું, “નામવર, મારે માંસ જોઈતું નથી. મારે તો મારા પાંચ લાખ રૂપિયા જોઈએ છીએ.”

આ સાંભળી બીરબલે કહ્યું, “શું કહ્યું ? પાંચ લાખ રૂપિયા ? હવે એક પાઈ પણ નહિ મળે. બસ માંસ જ લેવું પડશે અને ખબરદાર, માંસ કાઢતાં લોહીનું એક પણ ટીપુંય ન પડવું જોઈએ. કારણ કે શરતમાં લોહી લેવાનું નથી. માંસ જ લેવાનું છે અને એમ જો નહિ કરો તો ઈન્સાફનું અપમાન કર્યું ગણાશે. માટે કહો, હવે શું કરવા માંગો છો?

આથી પ્રેમચંદ શેઠે એકદમ નિરાશ થઈ કહ્યું, “મહેરબાન સાહેબ, હવે તો મારે કશું પણ જોઈતું નથી. મને અહીંથી હેમખેમ જવા દો તો ઠીક.”

આ બધું બાદશાહ સાંભળતા હતા. એમણે કહ્યું : “જુઓ, તમે બન્ને દિલ્હીના જાણીતા એક ધંધાવાળા વેપારીભાઈઓ છો. છતાં કેવા પ્રપંચો રચી બીજાનો જાન લેવા માગો છો? તમારા જેવા વેપારીઓને આ શોભતું નથી. માટે શેઠ, હવે તમે મૂંગામૂંગા ચાલ્યા જાવ અને કૃષ્ણચંદ શેઠની દરબાર સમક્ષ માફી માગો.

બાદશાહના હુકમને માન આપી પ્રેમચંદ શેઠે કૃષ્ણચંદ શેઠની માફી માગી અને ચાલ્યા ગયા. ત્યાર બાદ કૃષ્ણચંદ શેઠે કહ્યું, “નામવર, બીરબલની ન્યાયબુદ્ધિથી મારો જાન બચી ગયો છે. માટે પ્રેમચંદ શેઠ પાસેથી લીધેલા રૂપિયા હું બીરબલને ઇનામ તરીકે આપું છું.” આમ કહી કૃષ્ણચંદ શેઠે રૂપિયા મંગાવી બીરબલને આપ્યા.

બિરાદરો ! જોયું કે વેપારીઓ પોતાની આબરૂ જાળવવા કેવા કેવાં જોખમ વહોરી લે છે !

Also Read :

3. જેનું કામ જે કરે

Leave a Reply