Three Akbar Birbal Story Gujarati | 3. જેનું કામ જે કરે

Three Akbar Birbal Story Gujarati
Three Akbar Birbal Story Gujarati

Three Akbar Birbal Story Gujarati | 3. જેનું કામ જે કરે

અકબર બાદશાહના દરબારમાં તાનસેન કરીને મોટો ગવૈયો હતો. તાનસેનના દોસ્તો એને બીરબલ કરતાં વધારે માન આપતા. તાનસેનને પોતાને જરા પણ અભિમાન ન હતું. પરંતુ એના દોસ્તો તો તેને માટે મગરૂબ હતા. આથી એક દિવસ તેઓએ બાદશાહ આગળ તાનસેનનાં જોઈએ તે કરતાં વધારે વખાણ કરવા માંડ્યાં. બાદશાહ આ લોકોની મતલબ સમજી ગયા.

આથી તેમણે વિચાર કર્યો કે આ લોકોને બીરબલની ચતુરાઈ અને બુદ્ધિબળની પ્રતીતિ થવી જોઈએ તો જ તેઓ “તાનસેન’ “તાનસેન’ કરતા અટકે. આથી બાદશાહે રૂસ દેશના બાદશાહ પર એક પત્ર લખ્યો કે, “આ પત્ર લાવનાર મારા બે દરબારીઓ બીરબલ અને તાનસેનનો આ પત્ર મળતાં તુરત જ શિરચ્છેદ કરજો.”

બાદશાહે તો ઉપર મુજબ પત્ર લખી કવર સીલબંધ કરી બીરબલ અને તાનસેનને બોલાવી કહ્યું કે, “એક જરૂરનું કામ છે માટે બન્ને જણા આ પત્ર લઈ રૂસ દેશના બાદશાહ પાસે જાઓ, અને એ જે જવાબ આપે તે લઈ આવો. આ કામ બીજા કોઈથી બની શકે તેમ નથી. માટે જો તમે જશો તો જલદી નિવેડો આવી જશે.”

આ પ્રમાણે એ લોકોએ તૈયારી કરી. બીજે દિવસે બીરબલ અને તાનસેન રવાના થઈ ગયા. થોડા દિવસ પછી તેઓ રૂસ દેશ પહોંચ્યા. અકબર બાદશાહની આજ્ઞા મુજબ તે બન્ને જણા રૂસના બાદશાહના દરબારમાં ગયા અને તેને અકબરશાહનો પત્ર આપ્યો. પત્ર વાંચતાં જ બાદશાહે કહ્યું, “આ બન્ને જણાનો શિરચ્છેદ કરવાનો છે, માટે તૈયારી કરો.”

આ નવાઈ પમાડે તેવો બાદશાહનો હુકમ સાંભળી બીરબલ અને તાનસેન તો નવાઈ પામ્યા. તાનસેન તો ગભરાઈ ગયો. આથી એણે બીરબલને કહ્યું : “બિરાદર બીરબલ, તું ગમે તે યુક્તિ શોધી કાઢ, નહિતર અહીંયાં, તો જીવતાં મરી જઈશું.”

બીરબલ પણ આ જ વિચારમાં હતો. કારણ એનો પણ જાન જોખમમાં હતો. તેણે ધીમે રહી તાનસેનને આશ્વાસન આપ્યું અને પોતાની યુક્તિ બતાવી.

જેમ તેમ કરીને આખી રાત તો નીકળી ગઈ.

બીજે દિવસે સવારે સિપાઈઓ તેમને ગરદન મારવાની જગાએ લઈ ગયા. તાનસેન બીરબલના શીખવ્યા મુજબ બહારથી તો ખુશ દેખાતો હતો, પણ અંદરથી તો એની છાતી ધબધબ ધબકારા કરતી હતી.

જ્યારે ગરદન મારવાની જગાએ તેમને લઈ જઈ ઊભા કરવામાં આવ્યા એટલે બીરબલ “મને પહેલા મારો” “મને પહેલાં મારો” કહી આગળ વધ્યો અને તે મુજબ તાનસેન પણ બીરબલને પાછળ હઠાવી પોતે આગળ આવ્યો અને બોલ્યો, “મને પહેલાં મારો” “મને પહેલાં મારો.”

આ પ્રમાણે બન્ને જણાને એકબીજાની પહેલાં મરવાની ઈચ્છા બતાવતા જોઈ સિપાઈઓ પણ નવાઈ પામ્યા કે આ લોકો ગાંડા છે કે શું?

આ પ્રમાણે આ બન્ને જણાની ચડઊતર થતી જોઈ સિપાઈઓ આ બંને જણાને બાદશાહ પાસે લઈ ગયા અને બાદશાહને બધી વાત કરી.

બાદશાહે પૂછયું, “તમે બન્ને એકબીજાની પહેલાં મરવાનું કેમ પસંદ કરો છો ?”

બીરબલે કહ્યું, “તમને એ વાતનો ખુલાસો કહેવાથી અમને ગેરલાભ થવાનો સંભવ છે, માટે આપ એ સવાલ ન કરો તો સારું !”

બીરબલનો આ પ્રમાણે જવાબ સાંભળી બાદશાહને કાંઈક શંકા આવી કે નક્કી આમાં કાંઈ છે. એટલે બાદશાહે કહ્યું : “જો તમે આ ભેદનો ખુલાસો નહીં કરો તો તમને જન્મભર બંદીખાનામાં રાખીશું માટે જે કંઈ વાત હોય તે સાચેસાચી કહી સંભળાવો.”

બીરબલ જાણે આ વાત કહેવાથી દિલગીર થતો હોય એવો ડોળ બતાવી બોલ્યો, “જ્યારે આપ એ વાત કહેવા માટે અમને ફરજ પાડો છો તો મારે કહ્યા વગર છૂટકો નથી. પણ હું તમને સાચેસાચું કહું છું કે આ વાત કહેવાથી ખરેખર અમને ઘણું નુકસાન થશે.”

આ સાંભળી બાદશાહની શંકા વધુ મજબૂત બની એટલે એણે કહ્યું, “જે હોય તે સાચી બીના કહી દો.”

આ સાંભળી બીરબલે કહ્યું, “ખેર, જે બનવા કાળ હશે તે બનશે જ. જુઓ, સાંભળો. અમારા બાદશાહ અકબરશાહ ઘણો કાળ થયાં આપનું રાજ્ય પડાવી લેવાનો વિચાર કરે છે. પણ આપ તેમના કરતાં બળવાન રહ્યા એટલે રણમેદાનમાં ઝઝૂમવાની તેમની હિંમત નથી. માટે એક દિવસ તેમણે એક પંડિતને બોલાવી પોતાની આ ઇચ્છા કહી સંભળાવી.

એટલે પંડિતે કહ્યું કે “જો આ દરબારમાંના બે માણસોનો જીવ તે બાદશાહ લે તો તે નિરપરાધી માણસોને મરવાની હત્યા તેને લાગશે અને આથી એનું રાજ્ય ખેદાનમેદાન થઈ જશે અને જે સૌના પહેલાં મરશે તે બીજા જન્મમાં રાજા થશે અને તેને રાજ્ય મળશે. અમે બને બાદશાહના જ માણસો હોવાથી રાજ્ય બાદશાહના હાથમાં વગર મહેનતે આવી જાય. બસ, આમાં ભેદ છે.”

બીરબલનો આ ખુલાસી સાંભળી બાદશાહ ચમક્યો અને તે બોલી ઊઠ્યો, “પ્રધાનજી, આ લોકોના માંહોમાંહેના કજિયા ઉપરથી આ વાત ખરી લાગે છે અને આથી આપણને નુકસાન થવાનો સંભવ છે. માટે જાઓ અને અકબરશાહને લખી નાખો કે તમે જે કામ લખ્યું તે કરવા માટે અમે તૈયાર નથી.”

આ પ્રમાણે બાદશાહ પાસેથી જવાબનો પત્ર લઈ બન્ને જણા દિલ્હી પહોંચ્યા અને અકબર બાદશાહના દરબારમાં હાજર થયા. બાદશાહે બધા દરબારીઓને ભેગા કરી બધી જ હકીકત પૂછી. તાનસેને કહ્યું, “નામવર, જો બીરબલ ન હોત અને કોઈ બીજા સાથે હોત તો આજે અહીં પાછો આપની સેવામાં આવી શક્યો ન હોત.”

આ પ્રમાણે તાનસેનનો જવાબ સાંભળી બાદશાહે કહ્યું, “મેં તમને બીરબલની ચતુરાઈ અને બુદ્ધિની પરીક્ષાની ખાતરી કરાવવા માટે વિચાર કર્યો હતો. અને તે મુજબ આ બન્ને જણાને રૂસ દેશ મોકલાવ્યા હતા. જ્યાંથી બીરબલે પોતાના બુદ્ધિબળથી પોતાનો અને તાનસેનનો જાન કેવી રીતે બચાવ્યો તે આપ સૌએ તાનસેનના મોઢેથી જ સાંભળ્યું. આથી હવે પછી કોઈએ બીરબલની અને તાનસેનની સરખામણી ન કરવી. એ બન્નેનાં કામો જુદાં જ છે.”

આ પ્રમાણે બાદશાહનું બોલવું સાંભળી તાનસેનના દોસ્તોનું અભિમાન ઊતરી ગયું.

Also Read :

4. પુત્રપ્રેમ

Leave a Reply