Eight Akbar Birbal Story Gujarati | 8. અદલ ઇન્સાફ

Eight Akbar Birbal Story Gujarati
Eight Akbar Birbal Story Gujarati

Eight Akbar Birbal Story Gujarati | 8. અદલ ઇન્સાફ

એક વખત બાદશાહ દરબાર ભરી બેઠા હતાં. એવામાં એક પઠાણે આવીને ફરિયાદ કરી કે “સરકાર! આપના નગરમાં ઠઠામલ નામનો એક મુલતાની વેપારી રહે છે. તે વેપારીને મેં ગઈ કાલે મોતીના પચીસ દાણાનો એક હાર દસ હજાર રૂપિયાની કિંમતનો આપ્યો છે. ગઈ કાલે મારી પાસેથી હાર લેતી વખતે એ શાહુકારે કહ્યું હતું કે તમે આવતી કાલે સવારના બાર વાગે આવજો.

જો તમારો હાર મને પસંદ પડશે તો તમને તેની કિંમતના દસ હજાર રૂપિયા આપીશ, અને જો પસંદ નહીં પડે તો તમારો હાર તમને પાછો આપીશ. અમારી બંને વચ્ચે થયેલી શરત મુજબ હું આજ તે શેઠ પાસે ઉઘરાણી કરવા ગયો. મને ઉઘરાણી કરવા આવેલો જોઈ તે શાહુકારે એકદમ મારા પર ગુસ્સે થઈ મને ધમકાવતાં કહ્યું, “જા, જા. કોને ગળે પડે છે ? કેવો માલ અને કેવી વાત ! કોણ જાણે છે ?” આમ ધમકાવીને શાહુકારે મને આંગણેથી હાંકી કાઢયો.”

બીરબલે પઠાણની બધી હકીકત સાંભળી લઈને પછી પઠાણને પૂછયું, “જે વખતે તમે તે શાહુકારને મોતીનો હાર દીધો તે વખતે તેના ઘરમાં બીજા કોઈ હતા ખરા ?”

પઠાણે કહ્યું, “રાજાસાહેબ, મોતીનો હાર આપતી વખતે તે શેઠની શેઠાણી સિવાય બીજું કોઈ જ ન હતું.”

બીરબલે પૂછયું, “તે મોતીનો હાર લઈને શેઠે કઈ જગાએ મૂક્યો છે?”

પઠાણે જવાબ આપ્યો, “શેઠ શેઠાણીના હાથમાં મોતીનો હાર એક સાચા મોતીની પેટીમાં મૂકવાને આપ્યો હતો. શેઠાણીએ શેઠની પાસેથી કુંચીઓનો ઝૂડો લઈ તે પેટી ઉઘાડી પેટીમાં મૂકયો અને મને કહ્યું કે કાલે આવજો.”

આ સાંભળી બીરબલે પેલા પઠાણને કહ્યું, “જે પેટીમાં તમારો હાર મૂકયો છે તેના જ જેવી બીજી એક પેટી મને બજારમાંથી લાવી આપો.”

પઠાણ તુરત બજારમાં ગયો અને એના જ જેવી પેટી બીરબલને લાવી આપી.

બીરબલે તે પેટી લઈને પઠાણને એક બાજુએ સંતાઈ જવા કહ્યું. પછી બીરબલે પેલા શાહુકાર મુલતાની ઠઠામલને બોલાવ્યો. પેલી પઠાણ પાસે મંગાવેલી પેટી પોતાના ટેબલ પર મૂકી અને કચેરીના પટાવાળાને કહ્યું, “જે વખતે હું તને કહું કે જો પેટી તોડવા માટે લુહારને બોલાવી લાવ ત્યારે તું કહેજે કે તેમ કરવાથી પેટી બગડી જશે, માટે કાલે આવી પેટી જેની પાસે હશે તેની પાસેથી ચાવી લઈ આવીશ.”

એટલામાં ઠઠામલ શેઠ દરબારમાં દાખલ થયા. બીરબલે તેને માન આપી આડીઅવળી વાતો કર્યા પછી નોકરને કહ્યું, “આ પેટીની ચાવી મારી પાસેથી ખોવાઈ ગઈ છે. તેમાં આ શેઠના કામના કેટલાક કાગળો છે તે મારે તેમને આપવા છે. માટે જા લુહારને તેડી લાવ.”

પટાવાળાએ કહ્યું, “એમ કરવાથી આ પેટી ઊલટાની બગડી જશે, માટે કાલે હું જેની પાસે આવી પેટી હશે તેની પાસેથી ચાવી લઈ આવીશ.”

બીરબલે પટાવાળાને કહ્યું, “અરે મૂરખા ! તને કંઈ ખબર પડે છે. આજનો દિવસ ઢીલમાં નાખવાથી શેઠને કેટલું બધું નુકસાન થાય એમ છે?” બીરબલના આ શબ્દો સાંભળતા જ શેઠે વિચાર કરીને કહ્યું, મને નુકસાન થાય એમ જરી પણ કરશો નહિ. આના જેવી જ મારી પાસે પેટી છે એટલે તેની ચાવી આ પેટીને લાગુ થશે.”

શેઠની આ વાત સાંભળી બીરબલે કહ્યું, “ત્યારે તો ઘણું જ સારું. ચાવી આપો તો હમણાં જ પેટી ઉઘાડી નાખીએ.”

શેઠે કહ્યું, “ચાવી તો ઘરે રહી ગઈ છે. માટે હું હમણાં જઈને લઈ આવું.”

બીરબલે કહ્યું, “અરે શેઠ, તમારે શા માટે નકામા તકલીફમાં ઊતરવું જોઈએ ? નોકરને નિશાની આપો તો તે તરત લઈ આવશે.” શેઠે પટાવાળાને કહ્યું, “મારે ઘેર જઈ શેઠાણીને કહેજે કે મારા કબાટના ખાનામાં ચાવીઓનો ઝૂડો છે તે આપો.” એટલે પટાવાળો ચાવીઓનો ઝૂડો લેવા ચાલ્યો.

તરત બીરબલે બહાર આવી પટાવાળાને કહ્યું, “શેઠાણીને જઈને કહેજે કે જે પેટીમાં તમે પચીસ મોતીનો હાર મૂક્યો છે તે ઘરાકને દેખાડવા માટે શેઠે મંગાવ્યો છે માટે તે આપો અને નિશાની તરીકે એ હારની પેટીની ચાવી શેઠના કબાટના ખાનામાં છે. તે હાર તું લઈ ગુપચુપ મને આપજે.”

બીરબલની આ વાત ધ્યાનમાં રાખી પટાવાળો દોડતો દોડતો શેઠાણી પાસે ગયો અને ચાવીના ઝૂમખાની નિશાની આપી મોતીનો હાર માગ્યો.

શેઠાણીએ તરત હાર કાઢી પટાવાળાને આપ્યો તે લઈને પટાવાળાએ ગુપચુપ આવીને બીરબલને આપ્યો.

બીરબલે તરત એક ઝવેરીને બોલાવી તેની પાસે તે મોતી જેવડાં જ બીજાં સો મોતી મંગાવ્યાં. ઝવેરી મોતી લાવ્યો તે ભેગાં પઠાણના હારનાં પચીસ મોતી ભેગાં કરી ફરી પાછાં મોતી બધાં એક હારમાં ગૂંથાવ્યાં.

પછી પઠાણને બોલાવીને કહ્યું, “આ હારમાં તમારાં જે મોતી હોય તે ઓળખી કાઢો.”

પઠાણે તે હાર પોતાના હાથમાં લઈ બહુ બારીકીથી તપાસીને પોતાના જે પચીસ મોતીના દાણા હતા તે દેખાડીને કહ્યું : “આ મોતી મારાં છે.”

આ સાંભળી બીરબલે વિચાર કર્યો કે મોતી તો પઠાણનાં છે ખરાં. બાદ બીરબલે મોતીના પચીસ દાણા લઈને પોતાની પાસે રાખીને પઠાણને કહ્યું, “જો, શેઠ દરબારમાં બેઠા છે. હું જાઉં છું. ત્યાં આવી તમારે ફરિયાદ કરવાની છે.” આ પ્રમાણે પઠાણને કહીને બીરબલ દરબારમાં ગયો.

ઉપલી હકીકતથી ઠઠામલ શેઠ અજાણ હતા. તે તો એમ જ સમજતા હતા કે પટાવાળો હજી સુધી ચાવી લઈને આવ્યો નથી.

એટલે બીરબલ આવી ન્યાયાસન પર બેઠો એટલામાં પઠાણે આવી ફરિયાદ કરી. તે સાંભળી બીરબલે મોતીના હારને માટે ઠઠામલ શેઠને પૂછયું. પણ શેઠે તો ચોખી ના જ પાડી દીધી. આખરે બીરબલે સાક્ષી લેવા માટે શેઠાણીને અદાલતમાં બોલાવ્યો અને પૂછયું, “ગઈ કાલે શેઠે તમને મોતીના ત્રીસ દાણા આપ્યા હતા અને આજે મંગાવ્યા તો પચીસ કેમ મોકલ્યા ?”

શેઠાણીએ કહ્યું, “શેઠ આપની પાસે હાજર છે. તેમ જ પઠાણ પણ હાજર છે. માટે તેમને પૂછો કે મને પચીસ કે ત્રીસ મોતી આપ્યાં હતાં ?”

એટલામાં શેઠ બોલવા જતા હતા પણ બીરબલે વચમાં અટકાવીને પૂછ્યું :

“શેઠે ગઈ કાલે મોતીના દાણા તમને આપેલા તે આ જ કે બીજા ?”

શેઠાણીએ કહ્યું, “હા જી. તે આ જ છે. આ સાંભળી બીરબલે શેઠાણીને જવાની રજા આપી તેમ જ શેઠના પર પારકો માલ હજમ કરી જવાનો ગુનો મૂકી દંડ કર્યો અને પઠાણને એના મોતીના દાણા પાછા સોંપી દીધા.

બીરબલનો આ ન્યાય જોઈ બાદશાહ અને દરબારીઓ છક થઈ ગયા.

Also Read :

9. ન્યાયી બીરબલ

Leave a Reply