Class 7 Gujarati Chapter 9 Swadhyay
Class 7 Gujarati Chapter 9 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના પાઠ 9 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 9 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 7
વિષય : ગુજરાતી
એકમ : 9. બાનો વાડો
સત્ર : પ્રથમ
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો.
(1) લેખકની દૃષ્ટિએ ‘બા’ એટલે……..
(ક) બેઠી દડીની, નીચી
(ખ) મજબૂત બાંધાની
(ગ) પંચોતેર વર્ષની
(ઘ) નિરંતર ઉદ્યોગ
ઉત્તર : (ઘ) નિરંતર ઉદ્યોગ
(2) બા વીતી ગયેલા દિવસોના રસ્તે ઝડપથી નીકળી પણ જાય છે, એ વાક્યનો અર્થ છે….
(ક) બા ઝડપથી ચાલવા માંડે છે.
(ખ) બા દુઃખને ભૂલી જાય છે.
(ગ) બા ગામડે જતી રહે છે.
(ઘ) બા યાદ કરે છે.
ઉત્તર : (ખ) બા દુઃખને ભૂલી જાય છે.
(3) બાનું એક સ્વજન એટલે…….
(ક) પિતાજી
(ખ) ફળ-ફૂલ
(ગ) લેખક
(ઘ) વાડો
ઉત્તર : (ઘ) વાડો
(4) બા ક્યારે વાડા વિના ઝુરાપો અનુભવે છે?
(ક) બા પરદેશ જાય ત્યારે
(ખ) પતિની યાદ આવે ત્યારે
(ગ) પડોશીને ત્યાં જાય ત્યારે
(ઘ) દીકરાને ઘેર જાય છે ત્યારે
ઉત્તર : (ઘ) દીકરાને ઘેર જાય છે ત્યારે
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) બા દેખાવે કેવાં હતાં?
ઉત્તર : બા દેખાવે નીચી-બેઠી દડીનાં અને મજબૂત બાંધાનાં હતાં.
(2) ભદ્ર કે નોકરિયાતો લીંબુ લેવા કેવાં બહાનાં કાઢતાં?
ઉત્તર : ભદ્ર કે નોકરિયાતો લીંબું લેવા એવાં બહાનાં કાઢતા : ‘પેટમાં વીતે છે’, ‘તાવ આવે છે’.
(૩) બાના વાડામાં ક્યા કયા ઔષધીય છોડ હતા?
ઉત્તર : બાના વાડામાં તુલસી, કરિયાતું, અરડૂસી અને ખરસાંડી જેવા ઔષધીય છોડ હતા.
(4) બાનું જીવનસૂત્ર શું હતું?
ઉત્તર : ‘ખાયા સો ખોયા; ખિલાયા સો પાયા’ – એ બાનું જીવનસૂત્ર હતું.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) પિતાજીની વાત નીકળતાં લેખકની બા તરડાયેલા અવાજે શું કહેતાં?
ઉત્તર : પિતાજીની વાત નીકળતાં લેખકની બા તરડાયેલા અવાજે કહેતાં : ‘‘આ બધું તારા બાપા હોત અને નજરોનજર જોત તો! કેટલા ખુશ થાત! દુઃખિયારો જીવ સુખ જોવા ન જ પામ્યો, મને મૂઈને શું કામ જિવાડી?’’
(2) લેખકની બા ‘સમયને જીરવી ગયાં’ તેમ શાથી કહી શકાય?
ઉત્તર : લેખકના બાપુજીનું અવસાન થતાં ઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો. ત્યારે લેખકને લાગતું હતું કે તેમનાં બા આ આઘાત જીરવી નહિ શકે. હવે બા પાંચેક વર્ષ સુધી જ ટકી શકશે, કારણ કે તે અંદરથી તૂટી ગયાં છે, એ સૂકા ધાસની પત્તીની જેમ આમતેમ ફંગોળાતાં રહેશે. પણ લેખકની ધારણા મુજબ કાંઈ બન્યું નહિ, તેથી એમ કહી શકાય કે લેખકનાં બા સમયને જીરવી ગયાં.
(૩) બા બહારગામ જાય ત્યારે તેમને વાડા અંગે શી ચિંતા રહેતી?
ઉત્તર : બા બહારગામ જાય ત્યારે ભાગ્યે જ બે-ત્રણ દિવસ રોકાતાં. વાડા વિના તેઓ ઝુરાપો અનુભવતાં. એમને વાડાની આ ચિંતા થતી : વાડામાં ભૂંડ પેસી ગયાં હશે, વાંદરાંએ વાડો ખેદાનમેદાન કરી નાખ્યો હશે, લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધાં હશે, કોઈ કાચાં ને કાચાં લીંબુ તોડી ગયું હશે ! આવા વિચારોથી બેચેન થઈ જતાં. તેઓ બહારગામથી પોતાના ઘેર આવીને જ જંપતાં.
(4) લેખકે આ પાઠનું શીર્ષક ‘બાનો વાડો’ એવું શા માટે પસંદ કર્યું હશે?
ઉત્તર : બાને પોતાનો વાડો ખૂબ જ પ્રિય હતો. તેમાં બાએ અનેક પ્રકારની ઔષધિઓ, જાતજાતનાં ફૂલોના છોડ અને ફળનાં વૃક્ષો ઉગાડ્યાં હતાં. તે જીવની પેઠે વાડાનું જતન કરતી હતી. વાડા વિના તે ઝુરાપો અનુભવતી હતી. વાડાની દેખરેખ અને ઉછેરમાં જ તેનાં દિવસરાત વીતતાં હતાં. વાડો એમના જીવનનું એક સ્વજન હતું. એમણે વાડાને જેટલો પ્રેમ કર્યો હતો એટલો કદાચ સંતાનોને નહોતો કર્યો. આમ લેખકે બાના વાડા નિમિત્તે જીવનની કથા અને વ્યથા આલેખી છે. બાના જીવનની તમામ વાતોમાં વાડો કેન્દ્રસ્થાને છે, માટે લેખકે આ પાઠને માટે ‘બાનો વાડો’ એવું શીર્ષક પસંદ કર્યું છે.
પ્રશ્ન 4. નીચેનાં વિધાનો માટે કારણ આપો :
(1) સુખનો અતિરેક થતાં બાનો અવાજ તરડાઈ જતો.
ઉત્તર : સુખનો અતિરેક થતાં બા તેમના દીકરાને કહેતાં, ‘આ બધું સુખ જોવા તારા બાપા જીવતા રહ્યા હોત તો કેવું સારું થાત!’ આટલું બોલવા જતાં બાનો અવાજ તરડાઈ જતો.
(2) બા પોતાના દીકરાને ઘેર બે-ત્રણ દિવસથી વધારે ન રહેતી.
ઉત્તર : બાને પોતાના વાડાની સતત ચિંતા રહેતી. એમાં પણ અવિચારી લોકો કે પશુઓ વાડામાં પેસી જઈ તેને ખેદાનમેદાન કરી નાખશે એવો ડર તેમને રહ્યા કરતો હતો. આ ચિંતાને કારણે બા પોતાના દીકરાને ઘેર બે-ત્રણ દિવસથી વધારે ન રહેતી.
(૩) બા વહેલી સવારે થાળીમાં ફલ એકઠાં કરી રાખતી.
ઉત્તર : રોજ સવારે વાડાનાં સુગંધીદાર ફૂલો મંદિરમાં પૂજા માટે મોક્લવાનો બાનો નિયમ હતો. એટલા માટે તે વહેલી સવારે થાળીમાં ફૂલ એકઠાં કરી રાખતી.
(4) લેખકના મતે બા ભોળી નહિ, ભલી ખરી.
ઉત્તર : બા સમજદાર, ચાલાક અને વ્યવહારકુશળ હતી. કેટલાક લોકો બીમારીને બહાનું કાઢી લીંબુ લેવા આવે, બા એમના મનને કળી જતી. બીમારી માત્ર બહાનું છે એ જાણતી, છતાં પોતાની ભલાઈ એવી કે કોઈનેય લીંબુ આપવાની ના ન પાડતી, તેથી લેખકના મતે બા ભોળી નહિ, ભલી ખરી.
પ્રશ્ન 5. બાનો પરિચય કરાવતાં પાંચ-સાત વાક્યો બોલો.
ઉત્તર : બા બેઠી દડીનાં, મજબૂત બાંધાનાં, દમામદાર ને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતાં હતાં. એમને પંચોતેર વર્ષ થયાં હતાં, છતાં પંચોતેર વર્ષનાં લાગતાં નહોતાં. બાએ જીવનની અનેક તડકી-છાંયડી જોઈ હતી, પણ સતત ઉદ્યમી અને પ્રસન્ન રહ્યાં. એમણે પોતાનાં સંતાનોને ઉછેર્યાં, તેમને આર્થિક રીતે સમૃદ્ધ કર્યાં અને તેમનામાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું. સંતાનોને તેમણે પિતાની ખોટ સાલવા ન દીધી. બા સમયને જીરવી ગયાં. કોઈ વાર સુખના અતિરેનો વિચાર આવતાં થોડી વાર માટે તે અસ્વસ્થ બની જતાં, પણ પછી મન હળવું ફૂલ કરી લેતાં. બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યાં હતાં. ‘ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા’ એ એમનું જીવનસૂત્ર હતું.
પ્રશ્ન 6. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બોલો :
(1) જાજરમાન (2) નિરંતર (3) જીવનસ્રોત (4) સમૃદ્ધિ
ઉત્તર :
(1) જાજરમાન – ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇદિરા ગાંધીનું વ્યક્તિત્વ જાજરમાન હતું.
(2) નિરંતર – મીરાંબાઈ નિરંતર ઈશ્વરભક્તિમાં લીન રહેતાં.
(૩) જીવનસ્રોત – બાનો વાડો એ એમનો જીવનસ્રોત હતો.
(4) સમૃદ્ધિ – આપણા રાષ્ટ્રમાં સમૃદ્ધિ વધી છે, પણ સુખશાંતિ વધ્યાં નથી.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) ‘નિરંતર ઉદ્યોગ એટલે બા’ – એમ લેખક શા માટે કહે છે?
ઉત્તર : બા જીવ્યાં ત્યાં સુધી ઉંમર કે નિરાશાને તેમણે પોતાની નજીક આવવા દીધાં નહોતાં. તેમણે કર્મ અને ધર્મને એક જ કરી મૂક્યાં હતાં. તે કામઢાં હતાં અને સતત પ્રવૃત્તિશીલ રહેતાં હતાં. ઘરનાં નાનાંમોટાં તમામ કામકાજ કરવાં અને બાળકોને ઉછેરવાં, દિવસરાત તેમની આ જ પ્રવૃત્તિ રહી હતી. માટે લેખક કહે છે, ‘નિરંતર ઉદ્યોગ એટલે બા.’
(2) ‘બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યાં છે.’ – તેવું લેખક શા માટે કહે છે?
ઉત્તર : બા અતીતની કેડી પર આવીને, ક્ષણભર ઊભી રહીને, ત્યાંથી આગળ નીકળી જાય છે. તે નિરંતર નવી કેડીની શોધમાં જ રહે છે. તે પોતાના જીવનની ક્ષણેક્ષણનો હિસાબ પોતાની પાસેથી લે છે. કોઈ વાર ઊધડો પણ લે. બીજાં કરે કે ન કરે, એ પોતાનું કામ કર્યે જ જાય. આથી લેખક કહે છે કે, બાએ કર્મ અને ધર્મને એક કરી મૂક્યાં છે.
(૩) તમારા દાદા કે દાદીની ગમતી પ્રવૃત્તિ વિશે લખો.
ઉત્તર : દાદાની ગમતી પ્રવૃત્તિ
આમ તો દાદા નિવૃત્ત છે, પણ મેં એમને નવરા બેસી રહેલા જોયા નથી. સવારથી સાંજ સુધી દાદા પ્રવૃત્તિશીલ રહે છે. મંદિર ને ધર્મશાળાના વહીવટમાં રસ લે છે. સમાજના મંડળમાં સેવાઓ આપે છે. જો કે એમની ગમતી પ્રવૃત્તિ તો છે : ‘કીડિયારું પૂરવાની’. કીડિયારું એટલે કીડીનું દર. ગામ બહાર કીડીઓનાં દર શોધીને, ગોળનો ભૂકો કે લોટ ત્યાં વેરે છે. આમ, દાદા અબોલા જીવોની સેવા કરે છે અને એને પોતાનો જીવનમંત્ર સમજે છે.
પ્રશ્ન 2. નીચે આપેલી પંક્તિનો વિચારવિસ્તાર કરો.
(1) ‘ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા.’
ઉત્તર : આપણે જે ખાઈએ છીએ, પીએ છીએ, ભોગવીએ છીએ, તે સઘળું નાશવંત છે, નકામું જાય છે. આપણે આપણા માટે, આપણા અંગત સ્વાર્થ માટે જે બધું માણ્યું કે ભોગવ્યું એમાં બીજાને શો લાભ થયો? મેળવવા કે પ્રાપ્ત કરવાનો ખરો માર્ગ ખરચવામાં કે ખવડાવવામાં છે. આપણે બીજાને સુખી કરીએ, બીજાની આંતરડી ઠારીએ અથવા આપણો કોળિયો બીજાને ખવડાવીએ તો જ આત્મસંતોષ થાય. ઉમાશંકર જોશીએ લખ્યું છે : ‘રામનો આલ્યો બટકું રોટલો ખાધા કરતાં ખવડાવ્યો મીઠો લાગે.’ આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ ‘तेन त्यकतेन भुन्जीथा:’ (ત્યાગીને ભોગવી જાણો) નો જ મહિમા કરવામાં આવ્યો છે.
પ્રશ્ન 3. આ પાઠમાં ક્રિયાપદ વગરનાં વાક્યો શોધીને લખો :
ઉદાહરણ : બાને પ્રકૃતિમાં, ઝાડપાન અને ફળફૂલમાં ભારે રસ.
ઉત્તર :
(1) બાનું જીવન એટલે ઉદ્યોગ!
(2) નિરંતર બાને નવીનવી કેડીની શોધ!
(3) બધો નકશો બાની જીભને ટેરવે!
(4) આપણે પામી શકીએ બાના અતીત અને વૈભવને!
પ્રશ્ન 4. શબ્દની આગળ ‘અ’ લગાડવાથી કેટલાક શબ્દો વિરુદ્ધાર્થી બને છે.
દા. ત. : સ્વચ્છ – અસ્વચ્છ
આવા બીજા શબ્દો પાઠમાંથી શોધીને લખો.
ઉત્તર :
(1) તૃપ્ત x અતૃપ્ત
(2) સ્વસ્થ x અસ્વસ્થ
(3) પવિત્ર x અપવિત્ર
(4) સ્વીકાર x અસ્વીકાર
પ્રશ્ન 5. નુકસાન, ખેરાત, શરબત, નજર વગેરે અન્ય ભાષાના શબ્દો ગુજરાતી ભાષામાં પ્રયોજાય છે. આ શબ્દોનો વાક્યપ્રયોગ કરો :
ઉત્તર :
વાક્યપ્રયોગો : (1) તમાકુથી શરીરને નુકસાન થાય છે.
(2) અકબરે ગરીબો માટે ઘણી ખેરાત કરી હતી.
(3) મને શરબત ખુબ ભાવે છે.
(4) જમ્યા પછી પોતાની થાળી સામે કોઈ નજર સુધ્ધાં નાખતું નથી.
Also Read :
ધોરણ 7 ગુજરાતી પાઠ 10 અભ્યાસ અને સ્વાધ્યાય