Class 7 Science Chapter 8 Swadhyay
Class 7 Science Chapter 8 Swadhyay. Std 7 Science Chapter 8 Swadhyay. ધોરણ 7 વિજ્ઞાન વિષયના એકમ 8 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 8 સ્વાધ્યાય.
ધોરણ : | 7 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 8 | વનસ્પતિમાં પ્રજનન |
સ્વાધ્યાય
પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો :
(1) વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને………….કહે છે.
જવાબ : વાનસ્પતિક પ્રજનન
(2) પુષ્ય કાં તો નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે છે. આવા પુષ્પને………….કહે છે.
જવાબ : એકલિંગી પુષ્પ
(3) પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનની ક્રિયાને………….કહે છે.
જવાબ : પરાગનયન
(4) નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનની ક્રિયાને……………..કહે છે.
જવાબ : ફલન
(5) બીજ ફેલાવાની પ્રક્રિયા…………….. , …………………..અને………….. દ્વારા થઈ શકે છે.
જવાબ : પવન, પાણી, પ્રાણીઓ
પ્રશ્ન 2. અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણો દ્વારા સમજાવો.
ઉત્તર : અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણસહિત નીચે મુજબ છે :
(1) કલમ કરવી : ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે. ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે અને આ રીતને ‘કલમ કરવી’ કહે છે. ગુલાબ, ચંપો, મેંદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે.
(2) કલિકા વડે વાનસ્પતિક પ્રજનન : મૂળ, પ્રકાંડ અને પર્ણ પરની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે.
મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન : દા.ત. શક્કરિયાં, ગાજર, ડહાલિયા.
પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન : દા.ત. બટાકા, આદું, હળદર, સૂરણ.
પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન : દા.ત. પાનફુટી.
(3) કલિકાસર્જન : યીસ્ટ એકકોષી સજીવ છે. તે કલિકાસર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા કહે છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે. નવો કોષ વૃદ્ધિ પામી, પુખ્ત બની બીજા યીસ્ટના કોષો સર્જે છે.
(4) અવખંડન : તળાવના પાણી પર લીલા રંગનો જથ્થો જોવા મળે છે. તે સ્પાયરોગાયરા લીલ છે. પાણી અને પોષક તત્ત્વો મળી રહેતા લીલ ઊગે છે. તે સ્વાવલંબી વનસ્પતિ છે. તે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. લીલનો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. આ નવા તંતુ તરીકે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે. સ્પાયરોગાયરા(એક પ્રકારની લીલ)માં અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે.
(5) બીજાણુ સર્જન : ફૂગની બીજાણુધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે. તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતાં તે સ્થાને અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે. મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ (નેફ્રોલેપિસ) બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે.
પ્રશ્ન 3. તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજ્યા તે વર્ણવો.
ઉત્તર : લિંગી પ્રજનનમાં નરજન્યુઓ અને માદાજન્યુઓ વચ્ચે સંમિલન થવું જરૂરી છે. પુષ્પમાં નર પ્રજનન અંગ પુંકેસર છે અને માદા પ્રજનન અંગ સ્ત્રીકેસર છે. પુંકેસરમાં પરાગાશયમાં ઉત્પન્ન થતી પરાગરજ નરજન્યુઓ પેદા કરે છે અને સ્ત્રીકેસરમાં અંડાશયમાં અંડક માદાજન્યુઓ છે. પુંકેસરની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર પડે છે ત્યારે નરજન્યુઓ અને માદાજન્યુઓ જોડાઈ ફલિતાંડ બનાવે છે. આ સપુષ્પી વનસ્પતિઓમાં થતું લિંગી પ્રજનન છે.
પ્રશ્ન 4. અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત આપો.
ઉત્તર :
અલિંગી પ્રજનન
(1) આમાં એક જ સજીવના દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે.
(2) આ પ્રકારનું પ્રજનન એકકોષી કે નિમ્નકક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે.
(3) તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી.
(4) આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવાં જ લક્ષણો હોય છે.
લિંગી પ્રજનન
(1) આમાં નરજન્યું અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય છે.
(2) આ પ્રકારનું પ્રજનન ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે.
(3) તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે.
(4) આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવાં બધાં જ લક્ષણો રહેતાં નથી.
પ્રશ્ન 5. પુષ્પનાં પ્રજનન અંગોની આકૃતિ દોરો.
ઉત્તર : પુષ્પનું નર પ્રજનન અંગ પુંકેસર અને માદા પ્રજનન અંગ સ્ત્રીકેસર છે.
પ્રશ્ન 6. સ્વપરાગનયન અને પરંપરાગનયન વચ્ચેનો તફાવત આપો.
ઉત્તર :
સ્વપરાગનયન
(1) આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે.
(2) આ ક્રિયામાં ભમરા, પતંગિયાં જેવા કીટકોની જરૂર પડતી નથી.
(3) તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજ સાધારણ કક્ષાનાં હોય છે.
પરપરાગનયન
(1) આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે.
(2) આ ક્રિયામાં ભમરા, પતંગિયાં જેવા કીટકોની જરૂર પડે છે.
(3) તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજ સારી જાતનાં હોય છે.
પ્રશ્ન 7. પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે?
ઉત્તર : પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે. તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે. તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે. પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે. પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુઓ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યુઓ સાથે સંયુગ્મન પામી ફલિતાંડ બને છે. આ ક્રિયાને ફલન કહે છે. ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામી બીજ બને છે.
પ્રશ્ન 8. વિવિધ રીતે થતા બીજ વિકિરણ સમજાવો.
ઉત્તર : પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિમાં બીજવિકિરણ થાય છે.
(1) પવન દ્વારા બીજ વિકિરણ : કેટલીક વનસ્પતિનાં બીજ નાનાં, હલકાં અને પાંખોવાળાં હોય છે. દા.ત. સરગવો અને મેપલ.
કેટલીક વનસ્પતિનાં ફળ તથા બીજ હલકાં અને રોમમય હોય છે. દા.ત. સૂર્યમુખીનું ફળ, મદાર (ઑક) નું બીજ. આવાં બીજ પવન સાથે હવામાં ઊડે છે અને દૂર સુધી ફેલાય છે. આમ, બીજને ફેલાવામાં પવન મદદ કરે છે.
(2) પાણી દ્વારા બીજ વિકિરણ : કમળ, પોયણું અને નાળિયેરીનાં બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. આમ, તેમનામાં બીજવિકિરણ પાણી દ્વારા થાય છે.
(3) પ્રાણીઓ દ્વારા બીજ વિકિરણ : કેટલીક વનસ્પતિનાં બીજ કાંટાવાળા હોય છે. આથી તે
વનસ્પતિની નજીકથી પસાર થતાં પ્રાણીઓનાં શરીરે કાંટાવાળા બીજ ચોંટી જાય છે અને દૂરના સ્થળે પહોંચે છે. દા.ત. ગોખરું અને ગાડરિયું.
(4) શિંગ ફાટવાથી બીજ વિકિરણ : કેટલીક વનસ્પતિનાં બીજ સુકાઈને ફાટે છે અને દૂર વેરાય છે. આ રીતે બીજવિકિરણ થાય છે. દા.ત. વટાણા, બાલસમ અને એરંડા.
પ્રશ્ન 9. કૉલમ 1માં આપેલી વિગતોને કૉલમ 2 સાથે જોડો :
કૉલમ – 1 | કૉલમ – 2 |
(1) કલિકા | (A) મેપલ(Maple) |
(2) આંખ | (b) સ્પાયરોગાયરા |
(3) અવખંડન | (c) યીસ્ટ |
(4) પાંખો | (d) મ્યુકર (બ્રેડ મોલ્ડ) |
(5) બીજાણુ | (e) બટાકા |
(f) ગુલાબ |
જવાબ :
(1) કલિકા – (c) યીસ્ટ
(2) આંખ – (e) બટાકા
(3) અવખંડન – (b) સ્પાયરોગાયરા
(4) પાંખો – (A) મેપલ (Maple)
(5) બીજાણુ – (d) મ્યુકર (બ્રેડ મોલ્ડ)
પ્રશ્ન 10. સાચો વિકલ્પ પસંદ કરો :
(1) વનસ્પતિનું પ્રજનન અંગ…………..છે.
(A) પર્ણ
(B) પ્રકાંડ
(C) મૂળ
(D) પુષ્પ
જવાબ : (D) પુષ્પ
(2) નર અને માદાજન્યુઓનું સંયુગ્મન……………કહેવાય છે.
(A) ફલન
(B) પરાગનયન
(C) પ્રજનન
(D) બીજ નિર્માણ
જવાબ : (A) ફલન
(3) પરિપક્વ અંડાશય (બીજાશય)……………બનાવે છે.
(A) બીજ
(B) પુંકેસર
(C) સ્ત્રીકેસર
(D) ફળ
જવાબ : (D) ફળ
(4) બીજાણુ સર્જન કરતી વનસ્પતિ……………છે.
(A) ગુલાબ
(B) બ્રેડ મોલ્ડ (મ્યુકર)
(C) બટાટા
(D) આદું
જવાબ : (B) બ્રેડ મોલ્ડ (મ્યુકર)
(5) પાનફુટીમાં પ્રજનન……………..દ્વારા થાય છે.
(A) પ્રકાંડ
(B) પર્ણ
(C) મૂળ
(D) પુષ્પ
જવાબ : (B) પર્ણ
Also Read :
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 9 સ્વાધ્યાય