Twenty eight Batris Putli Ni Varta Gujarati । 28. સ્ત્રીચરિત્રની વાર્તા

Twenty eight Batris Putli Ni Varta Gujarati
Twenty eight Batris Putli Ni Varta Gujarati

Twenty eight Batris Putli Ni Varta Gujarati । 28. સ્ત્રીચરિત્રની વાર્તા

અઠ્ઠાવીસમે દિવસે અઠ્ઠાવીસમી પૂતળી પદ્માસના એ સિંહાસન પર બેસવા જતાં ભોજ રાજાને અટકાવી બોલી : “હે રાજન ! થોભો. આ સિંહાસન પર પગ મૂકશો નહિ. આ તો રાજા વિક્રમનું સિંહાસન છે અને એમના જેવાં પરોપકારનાં કામ કર્યા હોય, તેને એના પર બેસવાનો અધિકાર છે.” આમ કહી તેણે વિક્રમ રાજાના બુદ્ધિશાળી ને પારખુપણાની વાર્તા કહેવી શરૂ કરી:

વિક્રમ રાજાને વિક્રમચરિત્ર નામનો બુદ્ધિશાળી અને પરાક્રમી પુત્ર હતો. તે રૂપે ગુણે પૂરો હતો. તે બુદ્ધિમાં વિક્રમ રાજા કરતાં પણ ચડિયાતો હતો.

એક દિવસ રાજદરબારમાં સ્ત્રીચરિત્ર વિશે વાત નીકળી. બધાએ કહ્યું “સ્ત્રીઓમાં પુરુષો કરતાં સવાઈ બુદ્ધિ હોય છે, માટે જ સ્ત્રીચરિત્ર એ સૌથી મોટું ચરિત્ર છે.” આ સાંભળી વિક્રમ રાજાને સ્ત્રીચરિત્ર વિશે પરીક્ષા કરવાનું વિચાર્યું. તેમણે આ કામ માટે પોતાના કરતાં ચડિયાતા પુત્ર વિક્રમચરિત્રને સોંપવાનું નક્કી કર્યું.

તેમણે પોતાના પુત્રને કહ્યું : “બેટા ! આપણા નગરમાં સ્ત્રીઓની ચતુરાઈની ખૂબ જ ચર્ચા થાય છે, પરંતુ મને પૂરેપૂરી ખાતરી છે કે તારી આગળ સ્ત્રીચરિત્રની કાંઈ વિસાત નથી. હું તારી હોશિયારી જાણવા માટે જ નગરમાં ઢંઢેરો પિટાવું છું કે વિક્રમચરિત્ર વધે કે સ્ત્રીચરિત્ર વધે? નગરની જે ચતુર સ્ત્રી મારું આ ભાવભીનું આમંત્રણ સ્વીકારીને મારા પુત્ર વિક્રમચરિત્ર સાથે લગ્ન કરી પોતાનું સ્ત્રીચરિત્ર બતાવીને તેને હરાવે તો તે મહાન ગણાય.”

દાંડીવાળો ફળિયે ફળિયે દાંડી પીટતો ફરવા લાગ્યો. તે ફરતો ફરતો નગરના માણેકચંદ શેઠના ઘર આગળ આવ્યો. આ શેઠને હીરા નામે એક પુત્રી હતી. તે એટલી ચાલાક હતી કે ભલ ભલાની બોલતી બંધ કરી દે, તેને તળિયા ચાટતો કરી દે તે પોતાના ઝરૂખામાં બેઠી હતી. તેણે વિક્રમ રાજાનો ઢઢેરો સાભળ્યો.

નારીચરિત્ર નિર્બળ ઠર્યું, પુરુષચરિત્ર પ્રમાણ,

આજ થકી સહુ કો કરો, વિક્રમચરિત્ર વખાણ.

તે આ સાંભળી ઢોલ વગાડનાર પાસે આવીને બોલી : “ભાઈ ! તું રાજાને કહેજે કે સ્ત્રીચરિત્ર આગળ વિક્રમચરિત્રની કાંઈ વિસાત નથી. જગતને સ્ત્રીચરિત્રની ખાતરી આપવા માટે હું વિક્રમચરિત્ર સાથે પરણવા તૈયાર છું.”

ઢંઢેરો પીટનાર ત્યાંથી સીધો મહેલે આવ્યો, ને વિક્રમ રાજાને માણેકચંદ શેઠની દીકરી હીરાની વાત કરી. રાજા તો આ સાંભળી ખુશ થઈ ગયા. હવે તેમને વિક્રમચરિત્ર મહાન બતાવવાનો મોકો આવી ગયો. રાજાએ તો તરત માણેકચંદ શેઠને મહેલે તેડાવ્યા. શેઠ તો રાજાનું તેડું આવેલું જાણી ફફડી ગયા. તેઓ ગભરાતા ગભરાતા રાજમહેલમાં ગયા.

વિક્રમ રાજાએ શેઠનો આદરસત્કાર કરી તેમને એક આસને બેસાડ્યા ને તેમની પુત્રી હીરાના લગ્ન પોતાના પુત્ર વિક્રમચરિત્ર સાથે થાય તેવી વાત કરી. શેઠ તો પોતાની પુત્રીના લગ્નની વાત સાંભળી ખૂબ ખુશ થઈ ગયા, છતા તેમણે કહ્યું: “મહારાજ ! અમે વાણિયા અને તમે ક્ષત્રિય, આમાં કાંઈ મેળ ન ખાય.

રાજાએ કહ્યું : “મને આમાં કશો વાંધો નથી.”

વાણિયાએ ઘણી આનાકાની કરી છતાં રાજા ન માન્યા. છેવટે રાજાએ શેઠને ઘેર જઈ પોતાની દીકરીની સંમતિ પૂછવાનું કહ્યું.

શેઠ ઘેર આવ્યા ને દીકરીને કહ્યું : “રાજા તને વિક્રમચરિત્ર સાથે પરણાવવાનું કહે છે.

દીકરી હીરાએ કહ્યું : “પિતાજી, મેં જ ખુશીથી વિક્રમચરિત્ર સાથે લગ્ન કરવા માટેની તૈયારી બતાવી છે.”

દીકરીના નિર્ણયથી શેઠે લગ્નની તિથિ નક્કી કરી, વિક્રમચરિત્રે કન્યાનું મોઢું પણ જોયું ન હતું છતાં પિતાજી જે કરશે તે પોતાના માટે સારું જ કરશે એમ માની તેણે પણ લગ્નની હા પાડી દીધી.

વિક્રમ રાજાએ કંઈક યુક્તિ વિચારીને શેઠને કહ્યું : “વિક્રમ ચરિત્ર જાતે પરણવા નહિ આવે, તેનું ખાડું મોકલાવીશ, તેની સાથે હીરાના લગ્ન કરી મારા મહેલે મોકલજો.”

હીરા ખાંડા સાથે લગ્ન કરીને મહેલે આવી, પરંતુ વિક્રમચરિત્રનું મોઢું પણ તેને જોવા મળ્યું નહિ. કારણ રાજાએ હીરાને મહેલના એક ભોંયરામાં એકલી જ રાખી હતી. તેની સેવા કરવા માટે દાસીઓ રાખી. દાસીઓ દરરોજ તેને ખાવાનું આપી જાય અને સુખ-સગવડનાં તમામ સાધનો પણ ત્યાં રાખ્યાં, પરંતુ તેને પતિનું મોં સરખું પણ જોવા ન મળે.

ચાલાક હીરા સમજી ગઈ કે વિક્રમ રાજા આ બધું તેના સ્ત્રીચરિત્રનું પારખું કરવા માટે જ કરે છે. તે એકલી ભોંયરામાં આનંદથી રહેવા લાગી.

એક દિવસ એક દાસી હીરાને ખાવાનું આપવા આવી, ત્યારે લાગ જોઈને હીરાએ તે દાસીને એક કાગળ લખીને આપ્યો અને તે પોતાના પિતા માણેકચંદ શેઠને આપવાનું કહ્યું.

તે દાસી ખૂબ જ હોશિયારીપૂર્વક તે કાગળ લઈને માણેકચંદ શેઠને ત્યાં ગઈ. શેઠ હીંડોળા પર બેઠા બેઠા વિચાર કરતા હતા. હવે શું કરવું ? એટલામાં એક દાસી આવી. તેમને એક કાગળ આપી ગઈ. શેઠે તે કાગળ લીધો અને દાસીને પોતાની સોનાની વીંટી ભેટ આપી. શેઠે કાગળ ખોલીને જોયું તો તે કાગળ પોતાની દીકરી હીરાનો હતો. તેમાં લખ્યું હતું:  પૂજ્ય પિતાજીને માલૂમ થાય કે રાજાએ સ્ત્રીચરિત્રનું પારખું કરવા માટે મને એક ભોંયરામાં એકલી રાખી છે. મને મારું સ્ત્રીચરિત્ર બતાવવા માટે તમે મારા ભોંયરા સુધી એક સુરંગ ખોદાવી આપો. આ વાત ગુપ્ત રાખજો. પિતાજી, દીકરીની લાજ તમારા હાથમાં છે.”

પોતાની દીકરીનો કાગળ વાંચી શેઠે વિશ્વાસુ કારીગરો મારફતે  ઝડપથી સુરંગ ખોદવા માંડી, થોડા સમયમાં તો સુરંગ તૈયાર થઈ ગઈ. એટલે શેઠે સુરંગ વાટે દીકરીની મુલાકાત લીધી. ચતુર હીરાએ પોતાનાં કપડાં અને ઘરેણાં એક વિશ્વાસુ દાસીને પહેરાવી. તેની જગ્યાએ બેસાડીને પિતા સાથે સુરંગ વાટે પિતાને ઘેર આવી ગઈ.

હીરાએ ઘેર આવી વિક્રમચરિત્રની તપાસ કરાવી. ત્યારે માલુમ પડ્યું કે વિક્રમચરિત્ર કંઈ કામકાજ માટે બીજે નગર ગયો છે. હીરાએ તરત તે નગરનું નામ જાણી લીધું અને તે પોતે રબારણનો વેશ ધારણ કરી તે નગરમાં ગઈ. નગરમાં તપાસ કરી તો ખબર પડી કે વિક્રમચરિત્ર તે નગરના રાજાના મહેલે રોકાયો હતો. હીરા પણ તે જ નગરમાં રહેવા લાગી. તે દરરોજ રબારણના વેશમાં કેસર, કસ્તૂરી નાખેલું કઢેલું દૂધ વેચવા લાગી. મીઠા ટહુકે તે લોકોને દૂધ લેવા આકર્ષતી. બીજી બાજુ તેણે યાચકો માટે સદાવ્રત ખોલ્યું.

થોડા સમયમાં તો આખા નગરમાં આ રબારણની ચર્ચા થવા લાગી. તેના રૂપ અને દૂધનાં વખાણ થવા લાગ્યા. આ વાત વિક્રમચરિત્રના કાને પણ પહોંચી. તેને પણ રબારણને જોવાની અને તેનું દૂધ પીવાનું મન થયું. એક દિવસ રબારણ દૂધ વેચતી વેચતી વિક્રમચરિત્રના મહેલ આગળ ગઈ.

ઝરૂખામાં ઊભેલા વિક્રમચરિત્રે તે ગોવાલણને જોઈ. તેણે તરત જ આ ગોવાલણને પોતાના મહેલમાં બોલાવી. વિક્રમચરિત્ર આ ગોવાલણનાં રૂપ અને જોબન જોઈને તેના પર મુગ્ધ થઈ ગયો. તેણે ગોવાલણને કહ્યું “હે ગોવાલણ! આખા નગરમાં તારા દૂધની સાથે તારા રૂપના પણ વખાણ થાય છે. તારો આવો સુંદર દેહ શ્રમ કરવા સર્જાયો નથી. હું તારી સાથે ગાંધર્વ લગ્ન કરવા તૈયાર છું.” આમ કહી તેણે પોતાની કીમતી વીંટી ગોવાલણને આપી. ગોવાલણ રોજ દૂધને બહાને વિક્રમચરિત્ર પાસે જવા લાગી ને બંને આનંદવિનોદ કરતા.

રોજની મુલાકાતોથી રબારણ ગર્ભવતી બની. તેણે દરરોજ વિક્રમચરિત્ર પાસેથી મળતી ભેટોને સાચવીને રાખી હતી.

એક રાતે આ રબારણ તે નગર છોડી પોતાના ઘેર માતા-પિતા પાસે આવી ગઈ ને બધી હકીકત જણાવી ઉપરાંત વિક્રમચરિત્ર પાસેથી બધી મળેલ ભેટો તેણે સાચવીને મૂકી દીધી.

બીજે દિવસે રબારણ મહેલે ન આવી, આથી વિક્રમચરિત્ર બેચેન બની ગયો. હવે તેને રોજ રબારણને મળવાની આદત પડી ગઈ હતી. તેણે તરત પોતાના એક નોકરને મોકલી તપાસ કરાવી તો માલુમ પડ્યું કે રબારણ ઓચિંતા રાતોરાત નગર છોડી જતી રહી છે. વિક્રમચરિત્રને હવે પોતાના કુકર્મ બદલ ખૂબ પસ્તાવો થવા લાગ્યો, પણ હવે શું કરે?

આ બાજુ હીરા પોતાના પિતાના ઘેર કોઈને ખબર ન પડે તે રીતે રહેવા લાગી. એ સગર્ભા હતી. વખત જતાં તેણે પૂરા માસે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. કુંવર અઢી વરસનો થયો, એટલે હીરાએ ફરી વિક્રમચરિત્રને સ્ત્રીચરિત્રનો પરચો બતાવવા એક બીજી યોજના ઘડી. આ વખતે તેણે જોગણનો વેશ લેવાનું વિચાર્યું.

એક દિવસ હીરા જોગણનો વેશ ધારણ કરી નગર બહાર આવેલા ઝાડ નીચે પડવ નાખ્યો. સાથે ચેલા-ચેલીનો કાફ્લો રાખ્યો. ચેલાએલીએ જોગણના દિવ્ય ચમત્કારોની અદ્ભુત વિદ્યાની વાતો ગામના ખૂણે ખૂણામાં પહોંચાડી દીધી. આ ચમત્કારિક જોગણની વાત વાયુવેગે આખા નગરમાં પ્રસરી ગઈ અને હજારો લોકો તેના દર્શને આવવા લાગ્યા. લોકો જાતજાતની બાધા-આખડી રાખી જોગણ પાસે આવવા લાગ્યા. જોગણ સૌને આશીર્વાદ આપી વિદાય કરતી.

એવામાં એક ચમત્કાર થયો. ગામમાં એક બ્રાહ્મણપુત્રને સાપે દંશ માર્યો. સાપના દંશથી એ બ્રાહ્મણપુત્ર મરણ પામ્યો. તેની પત્ની એની પાછળ સતી થવા નીકળી. તેણે મરતા પહેલાં જોગણનાં દર્શન કરવા આવી, ત્યારે જોગણે કહ્યું : “સૌભાગ્યવતી બહેન !

આ સાંભળી પેલી બ્રાહ્મણી હસવા લાગી ને બોલી : “મારા પતિ તો મરણ પામ્યાં છે ને હું તો તેમની પાછળ સતી થવા જાઉં છું. તમારા આશીર્વાદ ક્યાંથી ફળવાના ?” પેલી જોગણે તેને આશ્વાસન આપી કહ્યું: “તમારા પતિને બચાવવા હું તમારી સાથે આવું છું.”

આમ કહી તેણે પોતાની સાથે રહેલ એક ચેલીને પોતાને ઘેર એક જડીબુટ્ટી લેવા મોકલી, જે હીરાને રબારણના વેશમાં એક જોગીએ આપી હતી. તે ચેલીએ શેઠના ઘેરથી જડીબુટ્ટી લાવીને જોગણને આપી. એ જડીબુટ્ટી ઝેર ચૂસી લેનાર હતી. જોગણ એ જડીબુટ્ટી લઈને પેલી સ્ત્રી સાથે સ્મશાને ગઈ ને જડીબુટ્ટીના દ્વારા જોગણે બ્રાહ્મણપુત્રને સજીવન કર્યો. બધા જોગણનો જય જયકાર બોલાવવા લાગ્યા.

જોગણના આ ચમત્કારની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. આખું નગર તેમનાં દર્શન કરવા માટે પડાપડી કરવા લાગ્યું. આ વાત વિક્રમચરિત્રના કાને પડી. તેણે આ જોગણ પાસેથી સંજીવની વિદ્યા શીખવાનું નક્કી કર્યું. તે જોગણ પાસે આવ્યો અને બોલ્યો: હે જોગમાયા ! તમારા ચમત્કારની વાત સાંભળી મને ખૂબ આનંદ થયો છે, જો કપા કરીને આપ મને આ સંજીવની વિદ્યા શીખવો તો હું પણ મારા પિતા વિક્રમ રાજા જેવું જ નામ કાઢું.

જોગણના સ્વરૂપમાં રહેલી હીરાએ લાગ જોઈ કહ્યું : રાજકુમાર ! આ વિદ્યા શીખવી એ કામ સહેલું નથી.”

વિક્રમચરિત્ર બોલ્યો : હે જોગમાયા ! આ વિદ્યા શીખવા માટે મારે ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો પણ હું કરીશ. તમે જે કહેશો તે કરવા હું તૈયાર છું.

જોગણ બોલી : “પહેલાં તો એ કે આ વિદ્યા ક્યાં તો મારા પતિને શિખવાડાય અથવા જે મારી સાથે લગ્ન કરે તેને શિખવાડાય. લગ્ન માટે હીરા, માણેક અને મોતીનો ચોક પુરાવવો પડશે. જો તમને તે વિદ્યા શીખવાની બહુ જ ઇચ્છા હોય તો તમારે મારી સાથે લગ્ન કરવાં પડે.”

આ સાંભળી વિક્રમચરિત્ર પહેલાં તો થોડો મૂંઝયો, પછી તે વિદ્યા શીખવાની લાલચે તેણે લગ્ન માટે સંમતિ આપી. જોગણે લગ્ન માટે કીમતી વસ્ત્રો, આભૂષણો અને બીજી અનેક સામગ્રી લઈ આવવાનું કહ્યું.

બીજે દિવસે વિક્રમચરિત્ર બધી વસ્તુઓ લઈને જોગણ પાસે ગયો. આટલા બધા હીરા, માણેક, ઝવેરાત જોઈને હીરા તો અચરજ પામી ગઈ. તેણે સાદાં વસ્ત્રો ઉતારી કીમતી વસ્ત્રો પહેર્યા, જાતજાતના અલંકારો પહેર્યા, હીરા, માણેક અને મોતીનો ચોક પુરાવી વિક્રમચરિત્ર સાથે ગાંધર્વ લગ્ન કર્યા. આખી રાત બંને જણે મઢૂલીમાં રહી આનંદનવિનોદ કર્યો. સવાર થતાં જોગણે કહ્યું : “હવે તમે અહીંથી જતા રહો. આવતી કાલે મધરાતે હું તમને સંજીવની વિદ્યા શીખવીશ.

વિક્રમચરિત્ર તો જોગણની વાતમાં ભોળવાઈ ગયો. તે તો તેના કહ્યા મુજબ ત્યાંથી જતો રહ્યો, ને હીરાએ ફરી જોગણનો વેશ લઈ લીધો. વિક્રમચરિત્રના ગયા પછી થોડી વારમાં હીરાએ ત્યાંથી મઢૂલી ઉઠાવી લીધી અને બધું ધન-ઝવેરાતનું પોટલું વાળી ફરી પિતાને ઘેર આવી ગઈ.

મધરાત થતાં વિક્રમચરિત્ર ફરી તે જગ્યાએ આવ્યો તો ત્યાં કશું હતું નહિ, મઢૂલી પણ તૂટેલી હાલતમાં પડી હતી. હવે વિક્રમચરિત્ર ફરીથી પરનારી પ્રીતમાં બેવકૂફ બન્યો.

હીરા જોગણના વેશમાં વિક્રમચરિત્ર સાથે આનંદ-વિનોદ કરતાં ફરી ગર્ભવતી બની અને તેણે પૂરા માસે પોતાના પિતાને ઘેર એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આ બંને પુત્રો વિક્રમચરિત્ર જેવા લાગતા હતા. !

હવે હીરાએ પોતાનું કામ પૂરું થતાં પિતાની રજા લીધી ને પોતાનાં બંને બાળકો સાથે વિક્રમચરિત્રની બધી નિશાનીઓ લઈને સુરંગ દ્વારા મહેલના ભોંયરામાં પાછી આવી ગઈ. પછી પિતાએ હીરાના કહ્યા મુજબ સુરંગ પુરાવી દીધી.

સવાર થયું. હીરા ભોંયરામાં પોતાના બંને પુત્રોને રમાડતી હતી. રોજના નિયમ પ્રમાણે એક દાસી બપોરના ભોજનની થાળી લઈને અહીં આવી તો તેણે ભોંયરામાં બે બાળકોને જોયાં. તે તો આ જોઈ ચકિત થઈ ગઈ. કારણ ભોંયરામાં હીરા સિવાય બીજું કોઈ હતું નહિ અને બહાર સખત ચોકી પહેરો હતો.

તે તો તરત જ વિક્રમ રાજા પાસે ગઈ અને આ વાત કરી. દાસીની આ વાત સાંભળી વિક્રમ રાજા વિચારમાં પડ્યા કે હીરાને બાળક ક્યાંથી જન્મે? તેમને થયું કે, મારી બીકથી વિક્રમચરિત્ર મને કહી શક્યો નથી, પણ તે જરૂર હીરાને મળતો હશે. તેમણે તરત વિક્રમચરિત્રને બોલાવ્યો અને આ બાબતે પૂછ્યું. ત્યારે વિક્રમચરિત્ર કહ્યું : “પિતાજી! આ બાબતે હું કશું જ જાણતો નથી. હું તો એકેય વાર મારી પત્નીને મળ્યો પણ નથી કે તેને જોઈ પણ નથી.”

રાજા વિચારમાં પડ્યા. રાજા-રાણી બંને ભોંયરામાં ગયાં. તેમણે બંને બાળકોને રમતાં જોયાં. તે તદ્દન વિક્રમચરિત્ર જેવાં જ દેખાતાં હતાં. રાજા-રાણી આશ્ચર્યમાં મુકાઈ ગયાં. વિક્રમ રાજાને જોઈને હીરા બોલી : “સસરાજી! હવે હું આ ભોંયરામાં બહુ અકળાઈ ગઈ છું. કૃપા કરી મને બહાર કાઢો તો હું તમને જણાવું કે સ્ત્રીચરિત્ર વધે કે વિક્રમચરિત્ર.

વિક્રમ રાજાએ ભોંયરાનું બારણું ઉઘાડ્યું, તો હીરા પોતાના બે પુત્રોને લઈને ભોંયરામાંથી બહાર નીકળી. આ જોઈ રાણીબા ગુસ્સે થઈને તેના પર ખોટા ચારિત્ર્યનો આરોપ મૂકવા લાગ્યા. હીરાએ આ સમયે વિક્રમચરિત્રને બોલાવવા કહ્યું. રાજાએ તાબડતોબ વિક્રમચરિત્રને તેડાવ્યો. વિક્રમચરિત્રને હીરાએ કહ્યું : “સ્વામી! આ બંને બાળકો તમારાં છે, તેનો તમે સ્વીકાર કરો.”

આ સાંભળી વિક્રમચરિત્ર ગુસ્સે થઈ ગયો ને બોલ્યો : “આ બાઈ તદ્દન જૂઠી છે. હું તેને ક્યારેય પણ મળ્યો નથી, તો પછી બાળકો થાય ક્યાંથી ?

હીરાએ તેમને વધુ બોલતા અટકાવી તેમણે આપેલ વીંટી અને કીમતી વસ્ત્રો, આભૂષણો અને બીજી અનેક ભેટો બતાવી. વિક્રમચરિત્ર આ બધી વસ્તુઓ જોઈને સમજી ગયો. તેણે આ બધી વસ્તુઓ રબારણને અને જોગણને ભેટ આપી હતી તે કબૂલ્યું. એટલે તરત હીરાએ રબારણનો વેશ ધારણ કરીને બનેલ બધી વાત કરી અને કહ્યું: “તે સમયે થયેલા દેહસંબંધને લીધે આ મોટો પુત્ર જન્મ્યો.

પછી તમારી સમક્ષ જોગણના સ્વરૂપમાં આવી, તે સમયે થયેલા ગાંધર્વલગ્ન અને દેહસંબંધને કારણે આ બીજો પુત્ર જન્મ્યો, તેની વાત કરી. પછી હીરા બોલી : “હવે બોલો રાજન! સ્ત્રીચરિત્ર વધે કે વિક્રમચરિત્ર વધે ?” વિક્રમ રાજાએ કબૂલ કર્યું કે, જગતમાં સ્ત્રીચરિત્ર મહાન છે.

રાજા-રાણીએ પોતાની પુત્રવધૂની ચતુરાઈ બદલ ધન્યવાદ આપ્યા અને પોતાની પુત્રવધૂ અને બંને બાળકોને પોતાના મહેલે લઈ ગયાં અને બધાં આનંદથી દિવસો પસાર કરવા લાગ્યાં.

પદ્માસના પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું : “હે ભોજ રાજા! વિક્રમ રાજા જેવા કસોટી કરનાર અને પારખુ રાજા જ આ સિહાસન પર બેસી શકે.”

આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.

આ વાર્તા પણ વાંચો :

29. બ્રાહ્મણ-બ્રાહ્મણીની વાર્તા

Leave a Reply