Batris Putli Ni Varta Gujarati One | 1.હરણની વાર્તા

Batris Putli Ni Varta Gujarati One
Batris Putli Ni Varta Gujarati One

Batris Putli Ni Varta Gujarati One | 1.હરણની વાર્તા

ક્ષિપ્રા નદીને કિનારે ઉજ્જયિની નગરીમાં રાજા વિક્રમ રાજ કરતા હતા. આ નદીને કિનારે સિદ્ધ નામનો વડ હતો. ત્યાં બાવન વીર, ચોસઠ જોગણીઓ, વીર વૈતાળ અને અસંખ્ય સિદ્ધોનો વાસ હતો. હરસિદ્ધ માતાની કૃપાથી અને વીર વૈતાળની સહાયથી રાજા વિક્રમ ગમે તેવાં કપરાં કામો પણ સહેલાઈથી કરી શકતા.

આ નગરમાં નરપતિયો નામનો એક શિકારી પોતાના કુટુંબ સાથે એક ઝૂંપડીમાં રહેતો હતો. તે લોકો આગળ જાત જાતના ખેલ-તમાશા કરીને તેમજ શિકાર કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતો હતો.

એક દિવસ આ નરપતિયો શિકારી શિકાર માટે આખા જંગલમાં ભમ્યો, પણ કોઈ પશુ-પંખી તેને હાથ લાગ્યું નહિ. સંધ્યાકાળનો સમય થતાં તેણે વિચાર્યું કે ખાલી હાથે ઘેર જઈશ તો બધાં દુખી થશે, માટે આજની રાત હું આ જંગલમાં પસાર કરી દઉં અને સવાર પડતાં તો કાંઈક જરૂર હાથ લાગશે.”

આવા વિચાર સાથે તે જંગલમાં આવેલા મોટા વડના ઝાડ ઉપર રાત પસાર કરવાનું વિચારી, તે ઝાડ ઉપર ચઢીને બેઠો. મધરાત થતાં આ વડ આગળ સાત માણસો મશાલો લઈને આવ્યા. તેમની સાથે બીજા માણસો પણ હતા. થોડી વારમાં તો મશાલના પ્રકાશથી બધે ઝગમગાટ થઈ ગયો. પછી ત્યાં એક સુંદર સોનાનું સિંહાસન દેખાયું. જાણે ત્યાં રાજદરબાર ભરાવાનો હોય તેવી રચના થવા લાગી.

સિંહાસનની બંને બાજુએ બીજાં નાનાં નાનાં આસનો પણ ગોઠવાતાં ગયાં. છેવટે સોનાના સિંહાસન ઉપર એક દેવતાઈ સોનેરી હરણ આવીને બિરાજયું  આ સોનેરી હરણના કપાળમાં મોતીની ફૂલ અને પગે સોનાના ઘૂઘરા બાંધેલા હતા. તેની સમક્ષ નાચગાન થવા લાગ્યા. આમ આખી રાત ચાલ્યું. નરપતિયો પણ મુગ્ધ બનીને ઝાડ ઉપર ડોલવા લાગ્યો. સવાર થતાં હરણ સિંહાસન ઉપરથી ઊતરી ગાયબ થઈ ગયું અને બધા માણસો પણ અદશ્ય થઈ ગયા.

નરપતિયો ઝાડ પરથી નીચે ઊતરી પોતાની ઝુંપડીએ આવ્યો અને પોતાની પત્નીને રાતે જંગલમાં બનેલ બનાવની વિગતે વાત કરી, પતિની વાત સાંભળીને તેની પત્ની ગુસ્સામાં બોલી : “કંઈ ખાવાનું લાવ્યા નહિ, એટલે કેવી વાતો ઉપજાવો છો ?

નરપતિયો બોલ્યો : “હું કાંઈ ગપાટા હાંકતો નથી કે વાત ઉપજાવતો નથી. તને નજરે બતાવું તો ખબર પડે. આજે તને તે બતાવવા માટે જંગલમાં લઈ જઈશ”

સાંજ પડતાં નરપતિયો પોતાની પત્નીને લઈને જંગલમાં ગયો અને બંને જણા વડ ઉપર ચડી ગયાં. મધરાત થતાં ફરી પાછી. જે ઘટના ગઈ રાતે બની હતી, તે જ ઘટના આજે પણ જોવા મળી.

સવાર થતાં બંને જણા પોતાની ઝૂંપડી પાછા ફર્યા. ઘેર આવી નરપતિયાની પત્નીએ કહ્યું : “આ વાત આપણે રાજાને કાને નાખીએ તો? જેથી કંઈ બક્ષિસ મળે.”

નરપતિયાને પોતાની પત્નીની વાત ઠીક લાગી. તે તરત વિક્રમ રાજાના દરબારમાં ગયો અને રાજાને જંગલમાં બનેલ ઘટનાની વિગતે વાત કરી. નરપતિયાની વાત સાંભળીને રાજાને ખૂબ નવાઈ લાગી. તેમને પણ તે જોવાની ઇચ્છા થઈ. રાજાએ કહ્યું : “હે નરપતિયા! આજે રાત્રે હું તારી સાથે આવીશ. તું મને આ દૃશ્ય બતાવજે.

રાત થતાં નરપતિયો અને રાજા વિક્રમ ફરી પાછા જંગલમાં એ જ વડ પાસે આવ્યા. પછી તેની ઉપર બંને જણા સંતાઈને બેસી ગયા મધરાત થતાં ફરી પાછી બે રાતોની જેમ ત્યાં લીલા શરૂ થઈ.

Batris Putli Varta Gujarati One
Batris Putli Varta Gujarati One

વિક્રમ રાજાએ આ બધું પોતાની સગી આંખે જોયું. સવાર થતાં પેલું દેવતાઈ સોનેરી હરણ સિંહાસન ઉપરથી ઊઠીને ચાલવા માંડ્યું કે તરત જ રાજા વિક્રમે સાવધ બનીને હરણને તીર મારીને મારી નાખ્યું. બાણ વાગતાંની સાથે જ હરણ નીચે પડી ગયું. ત્યાં તો તરત આકાશમાંથી ખરરર કરતું એક વિમાન નીચે ઊતરી આવ્યું અને તેમાંથી દેવદૂતો નીચે ઊતરી હરણને માનપૂર્વક વિમાનમાં બેસાડ્યું. વિમાન જેવું ઊપડે તે પહેલાં જ રાજાએ વડ ઉપરથી છલાંગ મારી વિમાનની પાંખ પકડી લીધી અને દેવદૂતોને પૂછ્યું:

“આપ કોણ છો ? અને આ હરણને તમે ક્યાં લઈ જાવ છો ?”

દેવદૂતોએ કહ્યું : “હે રાજન! આ હરણ કોઈ સામાન્ય હરણ નથી, તે તો ઈન્દ્ર રાજાનો પુત્ર છે. પિતાના વચનનો ભંગ કરવાથી તેમણે પુત્રને શાપ આપ્યો અને તેને કારણે તેની આ અવસ્થા થઈ છે. તે શાપ સાંભળી ખૂબ જ દુખી થઈ ગયો અને ખૂબ આજીજી કરતાં ઈન્દ્ર રાજાએ કહેલ કે, જ્યારે  ઉજ્જયિનીનગરીના રાજા વિક્રમના હાથે તું હણાશે ત્યાર પછી તને સ્વર્ગમાં પ્રવેશ મળશે. આજે તેમ બન્યું હોવાથી અમે તેને વિમાનમાં સ્વર્ગમાં લઈ જઈએ છીએ.” આમ કહી દેવદૂતોએ વિક્મ રાજાને વંદન કરી વિમાનને આકાશમાં ઉડાડી મૂક્યું.

પેલી નગરી, સિહાસન અને સંપત્તિ તો સદાને માટે એમને એમ રહ્યા. રાજા વિક્રમે સિંહાસન ઉપર બેસતાં નરપતિયા શિકારીને કહ્યું : “નરપતિયા ! હું તારા ઉપર પ્રસન્ન છું. આમાંથી તારે જેટલું ઘન જોઈતું હોય તેટલું ઘન લઈ જા. તારા કુટુંબનો નિર્વાહ સુખેથી ચાલશે.”

રાજા વિક્રમની વાત સાંભળી શિકારી નિરાશ થઈ ગયો. તે ઉદાસ ચહેરે ઊભો રહ્યો. રાજાએ તેના નિરાશ થવાનું કારણ પૂછ્યું ત્યારે નરપતિયો બોલ્યો :

“હે રાજન ! મેં તમને આ બધું બતાવ્યું અને તમે હરણને બાણ મારી આ બધી સંપત્તિના માલિક બન્યા. પણ જો હિંમત કરીને તે હરણને મેં જ મારી નાખ્યું હોત તો આજે હું આ અઢળક સંપત્તિનો માલિક થાત”

વિક્રમ રાજા દયાળુ, પરોપકારી અને પરદુખભંજક હતા. તેમણે નરપતિયાને હસીને કહ્યું : “ઓહો ! આટલી નાની વાતમાં તું નિરાશ થાય છે? લે, તું આ સિંહાસન ઉપર બેસી જા.”

નરપતિયો ખુશ થઈ સિંહાસન ઉપર બેસી ગયો. રાજાએ નગરી અને સંપત્તિ પણ તેને સુપરત કર્યા.

થોડી વારમાં પાછો તે નિરાશ થઈ ગયો. રાજાએ તેને પૂછયું : “હે નરપતિયા ! તને આ નગરીનો માલિક બનાવીને સિંહાસન પર બેસાડ્યો, અઢળક સંપત્તિ પણ તને સુપરત કરી, છતાં હજી તું કેમ નિરાશ છે ?”

નરપતિયો બોલ્યો : “હે રાજન ! હું રાજા થયો ખરો, પણ હું શિકારી જાતનો હોવાને કારણે મને બીજા રાજાઓ માન નહિ આપે. હું રાજકુળનો રાજવંશી નહિ ગણાઉં. જો આપ મને આપની કુંવરી પરણાવો તો જ હું ખરો રાજા થાઉં.

વિક્રમ રાજાએ મન મોટું રાખીને પોતાની વહાલી કુંવરીને તેની સાથે ધામધૂમથી વાજતેગાજતે પરણાવી. પછી રાજા બનેલ નરપતિયો શિકારી પોતાને મળેલા દેવતાઈ રાજ્યમાં સુખરૂપ દિવસો વિતાવવા લાગ્યો.”

નંદા નામની પૂતળીએ વાર્તા પૂરી કરતા બોલી : “હે રાજન! આવો પરોપકારી, ઉદાર અને પરગજુ રાજા હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકે, અને તે વિક્રમ રાજા હતા, માટે તમે આ સિંહાસન ઉપર બેસી શકો નહિ.”

આમ કહી તે પૂતળી સરરર કરતી ઊડી ગઈ અને બધા સ્તબ્ધ બની તેને જતી જોઈ રહ્યા.

Also Read :

2. ગર્દભસેનની વાર્તા

Leave a Reply