Class 8 Social Science Chapter 9 Swadhyay (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 9 સ્વાધ્યાય)

Class 8 Social Science Chapter 9 Swadhyay
Class 8 Social Science Chapter 9 Swadhyay

Class 8 Social Science Chapter 9 Swadhyay

Class 8 Social Science Chapter 9 Swadhyay, Std 8 Social Science Chapter 9 Swadhyay, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 9 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 9 સ્વાધ્યાય.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 9સંસાધન
સત્ર :પ્રથમ
Class 8 Social Science Chapter 9 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો :

(1) કુદરતી વનસ્પતિ કોને કહેવાય?

ઉત્તર : જે વનસ્પતિ માનવીની મદદ વિના, પોતાની મેળે જાતે જ ઊગે છે તેને કુદરતી વનસ્પતિ કહેવાય.

(2) વન્ય જીવમાં કોનો સમાવેશ થાય છે?

ઉત્તર : વન્ય જીવમાં વિવિધ પ્રાણીઓ, પશુ-પક્ષીઓ અને કીટકો(જીવજંતુઓ)નો સમાવેશ થાય છે.

(3) વનસ્પતિનું વર્ગીકરણ કોના આધારે થાય છે?

ઉત્તર : વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્રસપાટીથી જે-તે સ્થળની ઊંચાઈ અને તેની આબોહવાની વિવિધતા – આ બે બાબતોના આધારે થાય છે.

(4) તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ?

ઉત્તર : તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા તેમાં જમા થયેલ કાંપ અને કાદવ-કચરો દૂર કરવાં જોઈએ.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) પ્રાપ્તિસ્થાનોના આધારે સંસાધનોના પ્રકાર ટૂંકમાં વર્ણવો.

ઉત્તર : પ્રાપ્તિસ્થાનો કે વિતરણ ક્ષેત્રોના આધારે સંસાધનોના પ્રકારો નીચે પ્રમાણે છે :

(A) સર્વસુલભ સંસાધનો (Obligities) : આ પ્રકારનાં સંસાધનો આપણને સર્વત્ર મળી રહે છે. દા. ત., વાતાવરણમાં ફેલાયેલા જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ જેમ કે, ઑક્સિજન અને નાઇટ્રોજન.

(B) સામાન્ય સુલભ સંસાધનો (Commonalities) : આ પ્રકારનાં સંસાધનો આપણને સામાન્ય રીતે સહેલાઈથી મળી રહે છે. દા. ત., જળ, ગોચર ભૂમિ વગેરે.

(C) વિરલ સંસાધનો (Rareties) : આ પ્રકારનાં સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ મળતાં હોય છે. દા.ત. કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, વિવિધ ખનીજો વગેરે.

(D) એકલ સંસાધન (Uniquelities) : સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળી આવતાં ખનીજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. દા. ત., ક્રાયોલાઇટ ખનીજ, તે માત્ર યુરોપના ગ્રીનલૅન્ડમાંથી જ મળી આવે છે.

(2) તફાવત આપો : નવીનીકરણીય સંસાધનો અને બિનનવીનીકરણીય સંસાધનો

ઉત્તર :

નવીનીકરણીય સંસાધનોબિનનવીનીકરણીય સંસાધનો
(1) તે પોતાની મેળે જ ચોક્કસ સમયગાળામાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત્ અખૂટ હોય છે.(1) તે એકવાર વપરાઈ ગયાપછી નજીકના સમયમાંતેનું પુનઃનિર્માણ અશક્યહોય છે.
(2) ઝાડ-પાન, પશુ-પક્ષીઓ, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે નવીનીકરણીય સંસાધનો છે.(2) ખનીજ કોલસો, ખનીજતેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનીજો વગેરેબિનનવીનીકરણીયસંસાધનો છે.
Class 8 Social Science Chapter 9 Swadhyay

(3) માનવ સંસાધન વિશે ટૂંક નોંધ લખો.

ઉત્તર : માનવે જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. તેથી માનવી પોતે જ એક શક્તિશાળી સંસાધન છે. તે પોતાનાં જ્ઞાન અને કૌશલ વડે કુદરતનાં વિવિધ તત્ત્વોને સંસાધનોના સ્વરૂપે વાપરે છે. આમ, માનવી સંસાધનોનો બનાવનાર અને વાપરનાર બંને છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે કુદરતમાંથી મળતાં તત્ત્વોમાંથી ઉત્તમ તત્ત્વો પોતે પસંદ કરે છે. માનવી કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકે કે જ્યારે તેની પાસે તે માટેના આવશ્યક કૌશલો, આવડત, જાણકારી કે ટેક્નોલૉજી હોય. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માનવીને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનાવવાની એ પ્રક્રિયાને “માનવ સંસાધન વિકાસ’ કહેવામાં આવે છે.

(4) જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયાં કયાં છે?

ઉત્તર : (1) ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે મુખ્યત્વે ઓછા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે. (2) ભારતમાં છેલ્લા પાંચ દાયકામાં સ્ફોટક વસ્તીવધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, વધતું જતું શહેરીકરણ, આધુનિક જીવનશૈલી, નિર્વનીકરણ – જંગલોનો વિનાશ વગેરે પરિબળોને પરિણામે ભારતમાં જળતંગી (પાણીની અછત) નિરંતર વધતી જાય છે.

(5) પરિસરતંત્ર કોને કહેવાય? સવિસ્તાર સમજાવો.

ઉત્તર : જીવાવરણ(Biosphere)માં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓ વગેરે સજીવોનો સમાવેશ થાય છે. તેમાં એક સજીવ બીજા સજીવ સાથે જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, જેને પરિસરતંત્ર (Ecosystem) તરીકે ઓળખવામાં આવે છે.

વનસ્પતિ આપણને અનેકવિધ જરૂરિયાતો પૂરી પાડે છે. તે પ્રાણીસૃષ્ટિને કુદરતી આવાસ – રહેઠાણ અને ખોરાક પૂરાં પાડે છે. વનસ્પતિ વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડનું સંતુલન જાળવે છે. વનસ્પતિ – જંગલો ઇમારતી અને બળતણનું લાકડું, ઓષધિઓ તેમજ કાગળ અને દીવાસળી જેવા ઉદ્યોગો માટે કાચો માલ આપે છે. તે કેટલાક ગૃહઉદ્યોગો માટે વાંસ જેવી સામગ્રી આપે છે. આ ઉપરાંત, ગુંદર, લાખ, રાળ, મધ, નેતર, રબર, વિવિધ ફળો વગેરે તેની ગૌણ પેદાશો છે.

જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. જંગલો જમીનમાં ભેજ સંઘરી રાખે છે અને ભૂગર્ભજળને જાળવી રાખે છે. નદીઓમાં આવતાં પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે.

વન્ય જીવોમાં વિવિધ પ્રાણીઓ, પશુ-પક્ષીઓ અને કીટકો (જીવજંતુઓ)નો સમાવેશ થાય છે. તે આપણને માંસ, ચામડાં, રુંવાટીવાળી ખાલ, ઊન વગેરે આપે છે. મધમાખી એક કીટક છે. તે ફૂલોનાં પરાગનયનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યાને નિયંત્રિત કરે છે. આમ, પરિતંત્રમાં દરેક નાના-મોટા સજીવની અનન્ય – આગવી ભૂમિકા હોય છે.

(6) જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. – વિધાન સમજાવો.

ઉત્તર : (1) જંગલો વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડનું સંતુલન જાળવે છે. (2) જંગલોમાંથી મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડાં મળે છે. (૩) જંગલોનાં કેટલાંક વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. ( 4 ) જંગલો કેટલીક ઔષધિઓ તેમજ કાગળ, દીવાસળી જેવા ઉદ્યોગો માટે કાચો માલ આપે છે. (5) તે કેટલાક ગૃહઉદ્યોગો માટે વાંસ જેવી સામગ્રી આપે છે. (6) જંગલોમાંથી ગુંદર, લાખ, રાળ, મધ, નેતર, રબર, ફળો જેવી પેદાશો મળે છે. (7) જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. (8) તે આબોહવાને વિષમ બનતી અટકાવે છે. (9) તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. (10) તે જમીનમાં ભેજ સંઘરે છે અને ભૂગર્ભજળને જાળવી રાખે છે. (11) નદીઓમાં આવતાં પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે. (12) જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે. (13) તે વન્ય જીવસૃષ્ટિને કુદરતી રહેઠાણ અને ખોરાક પૂરા પાડે છે. આમ, જેગલો આપણને ખૂબ ઉપયોગી છે.

(7) સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો.

ઉત્તર : સંસાધનોના સંરક્ષણના ઉપાયો નીચે પ્રમાણે છે : (1) જમીનના ધોવાણથી તેની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, તેથી જમીનનું ધોવાણ અટકાવવું. (2) ખેતરમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે. તેથી તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. શક્ય હોય તો જમીનના પોષણ માટે છાણિયા ખાતરનો ઉપયોગ કરવો. (3) ખેતરમાં અતિશય સિંચાઈ કરવાથી જમીનની ઉત્પાદનશક્તિમાં ઘટાડો થાય છે. તેથી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ વધારવો. (4) પાકમાં જંતુનાશકોનો ઉપયોગ કરવાથી જમીન અને જળસ્રોતો પ્રદૂષિત થાય છે. તેથી તેને બદલે જેવજંતુનાશકોના ઉપયોગને ઉત્તેજન આપવું. (5) વન્ય જીવો પરિતંત્રની સમતુલા માટે મહત્ત્વના છે. તેથી તેમનો શિકાર રોકવા માટે કડક કાયદા બનાવવા. (6) જંગલ વિસ્તારોમાં પશુચરાણ અને વૃક્ષછેદનની પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ પગલાં ભરવાં. (7) ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરી, તેનો ઉનાળાની ઋતુમાં ઉપયોગ કરવાથી પાણીની અછત નિવારી શકાય. (8) તળાવો કે સરોવરોમાં જમા થયેલ કાંપ અને કાદવ-કચરો દુર કરી તેમને ઊંડાં કરવાથી પાણીનો સંગ્રહ વધારી શકાય છે. (9) વરસાદી પાણી રોકવા માટે ચેકડેમો બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. (10) ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુન: ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા. (11) ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજાં શાકભાજી ઊગાડી ઘરખર્ચમાં બચત કરી શકાય છે. (12) ઊર્જા આપતાં સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડે તેમ હોય, તો તેના વિકલ્પો તરીકે સૂર્ય ઊર્જા (સૌર ઊર્જા), પવન ઊર્જા, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊર્જા વગેરે ઊર્જાસંસાધનોનો ઉપયોગ કરવાનું અત્યારથી જ વિચારવું જોઈએ અથવા તેમનો ઉપયોગ વધારવો જોઈએ. (13) જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેમને પુનઃઉપયોગમાં લેવાં જોઈએ. બિનનવીનીકરણીય સંસાધનોના વિકલ્પો શોધવા જોઈએ.

(8) સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. – વિધાન સમજાવો.

ઉત્તર : વધતી જતી વસ્તી અને વિજ્ઞાન તથા ટેકનોલૉજીનો અસાધારણ વિકાસ થવાથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિમાં કેટલાંક સંસાધનોની અછત સર્જાઈ છે. સંસાધનોના અભાવે માનવીની આજની પ્રગતિ અને તેની આધુનિક જીવનશેલી જાળવી રાખવી દુષ્કર બની જશે. ભવિષ્યમાં સંસાધનોની અછત ન સર્જાય તે માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. એ માટે સંસાધનોનો આયોજનપૂર્વક, કરકસરભય અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.

પ્રશ્ન 3. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો :

(1) રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે………

(A) જમીનની ગુણવત્તા ઘટાડે છે.

(B) જમીનની ભેજસંગ્રહણશક્તિ વધારે છે.

(C) જમીનની ગુણવત્તા વધારે છે.

(D) જમીન પોચી બનાવે છે.

જવાબ : (A) જમીનની ગુણવત્તા ઘટાડે છે.

(2) નીચેનામાંથી કયું સંસાધન બિનનવીનીકરણીય છે?

(A) જંગલો

(B) ખનીજ કોલસો

(C) પવન

(D) સૂર્યપ્રકાશ

જવાબ : (B) ખનીજ કોલસો

(3) નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?

(A) જળ

(B) ખનીજ તેલ

(C) ઑક્સિજન

(D) ક્રાયોલાઇટ

જવાબ : (B) ખનીજ તેલ

Also Read :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 1 સ્વાધ્યાય

Spread the love
error: Content is protected !!
Scroll to Top