Batris Putli Ni Varta Gujarati Four | 4. સિંહલદ્વીપની વાર્તા

Batris Putli Ni Varta Gujarati Four
Batris Putli Ni Varta Gujarati Four

Batris Putli Ni Varta Gujarati Four | 4. સિંહલદ્વીપની વાર્તા

ચોથે દિવસે રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યારે ‘માનવંતી’ નામની પૂતળીએ તેમને અટકાવ્યા અને બોલી : “રાજા વિક્રમે પરોપકાર અને વીરતાનાં જે કાર્યો કર્યા, તેવાં કાર્યો કરનાર જ આ સિંહાસન ઉપર બેસી શકે” આમ કહી ભોજ રાજાના સૂચનથી તેણે વિક્રમ રાજાના પરાક્રમની નવી વાર્તા કહેવી શરૂ કરી :

એક રાતે રાજા વિક્રમ અસ્ત્રશસ્ત્ર સાથે અંધારપટ ઓઢી રાત્રિના સમયે નગરચર્યા જોવા નીકળ્યા. તેઓ હરસિદ્ધ માતાને યાદ કરતા આગળ વધવા લાગ્યા. તેઓ આખું નગર ફરી વળ્યા. નગરની બહાર દૂરથી આવતા પ્રકાશ પર તેમની નજર પડી. પ્રકાશ જોઈ તેઓએ વિચાર્યું કે જરૂર ત્યાં દવ બળે છે.

તેઓ નજીક ગયા કે આગના ભડકા જોયાં, અને આ આગના ભડકામાં એક બ્રાહ્મણ પડવાની તૈયારી કરતો હતો. વિક્રમ રાજાને પોતાના નગરમાં આવું જોઈને ખૂબ દુખ થયું. જેવો પેલો બ્રાહ્મણ આગમાં પડવા જાય છે કે તરત વિક્રમ રાજાએ તેને તેમ કરતો અટકાવ્યો અને પૂછયું : “ભાઈ ! ઊભો રહે ! એવું તો તારે માથે શું દુઃખ આવી પડ્યું છે કે આજે તારે આગમાં પડવાનો વારો આવ્યો?

બ્રાહ્મણ બોલ્યો: “હું એક શ્રીમંત ઘરની પુત્રીને પરણ્યો હતો અને ઘરજમાઈ તરીકે સસરાને ત્યાં જ રહેતો હતો. અમારા બંનેના દિવસો ખૂબ આનંદમાં પસાર થતા હતા. પણ કુદરતને અમારું સુખ ગમ્યું નહિ. થોડા સમયમાં મારી પત્ની ગુજરી ગઈ અને તેના વિયોગમાં ઝૂરી ઝરીને મારી હાલત ખરાબ થઈ ગઈ. મારું જીવન ઝેર જેવું બની ગયું છતાં જેમ તેમ હું દુખમાં દહાડા કાઢતો હતો.

એવામાં એક રાત્રે મને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં હું એક બગીચામાં ગયો, ત્યાં એક રૂપસુંદરી હાથી ઉપર બેસીને મારી સામે જોતી હતી. તેના હાથમાં વરમાળા હતી. તે વરમાળાવાળો હાથ ઊંચો કરી મને નજીક આવવા ઇશારો કરતી હતી. હું હરખભેર થઈને તેની તરફ દોડ્યો કે ઘબાક દઈને નીચે પટકાઈ પડ્યો. મારી આંખ ઊઘડી ગઈ અને મારું સોનેરી સ્વપ્ન સરી પડ્યું.

ત્યારથી મારા અંતરમાં આગ સળગી રહી છે. મને તે સુંદરીને પરણવાની ધૂન લાગી છે. હું તો તેના વિચારોમાં ખાધા-પીધા વગર દિવસો ગુજારતો હતો. હવે તો મને જીવવું અસહ્ય થઈ પડ્યું છે. સ્ત્રીના વિજોગની વેદના સહેવા કરતાં મરવું વધારે સારું છે, તેથી જ આગમાં પડી હું જીવનનો અંત આણવા તત્પર થયો છું. જો કોઈ મને સ્વપ્નાની સુંદરીને મેળવી આપવાનું વચન આપે તો હું મરવાનો વિચાર માંડી વાળું.

વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી, તેને ધીરજ રાખવાનું કહ્યું. તેમણે બ્રાહ્મણની પાસે મહિનાની મુદત માગી અને પ્રાણના ભોગે પણ તેની સ્વપ્નસુંદરી મેળવી આપશે એવું આશ્વાસન આપ્યું. પછી રાજા બ્રાહ્મણને પોતાના રાજમહેલે લઈ ગયા અને ત્યાં તેને રાખ્યો.

સવાર થતાં વિક્રમ રાજાને ચિંતા થવા લાગી. તેમને દિલમાં ધ્રાસ્કો પડવા લાગ્યો કે બ્રાહ્મણને વચન આપતાં તો આપી દીધું, પણ હવે તે પૂરું કેવી રીતે કરી શકશે ? મહિનાનો સમયગાળો તો જોતજોતામાં વીતી જશે, પરંતુ તેની સ્વપ્નસુંદરીને તે કેવી રીતે શોધી શકશે ! તેમણે હરસિદ્ધ માતાની સહાય માગવાનું વિચાર્યું. તેઓ માતાના મંદિરે ગયા અને આખી રાત માતાજીની આરાધના કરી. માતાજી પ્રસન્ન થતાં રાજાએ બ્રાહ્મણના સ્વપ્નસુંદરીની વાત કરી, અને તે સુંદરી ક્યાં મળશે તેની માહિતી આપવા વિનંતી કરી.

હરસિદ્ધ માતાએ કહ્યું : “હે રાજન ! બ્રાહ્મણના સ્વપ્નમાં આવેલી સુંદરી તે સિંહલદ્વીપની રાજકુમારી છે. તે દેશમાં જવાનો રસ્તો ઘણો વિક્ટ છે. આ રાજકુમારીને મેળવવા માટે પાંચ ચોકીઓ વટાવવી પડે છે. પહેલી ચોકી વિકરાળ રાક્ષસની છે. તે ગમે તેવા માણસને જીવતો ગળી જાય છે. બીજી ચોકી અગ્નિની છે તેને વટાવવા જતા બળીને ખાક થઈ જવાય છે.

ત્રીજી ચોકી સીંચાણા નામના પ્રચંડ પક્ષીની છે. તે પક્ષી ગમે તેવાને ચાંચ મારી માંસ ખાય જાય છે. તેની જોડે બીજા કેટલાંય પંખીઓ છે. ચોથી ચોકી માનવભક્ષી રાક્ષસણીની છે તે વિકરાળ રાક્ષસણી ભલભલા માનવીઓને ગળી જાય છે. પાંચમી ચોકી છેક સિંહલદ્વીપની સરહદ પર હાથીઓની આવશે. તે ગમે તેવા વીર પુરુષોને પણ પગથી દબાવી સૂંઢથી ચીરી નાખે છે.

કોઈ વીર પુરુષ બધા સંકટો વટાવીને સિંહલદ્વીપમાં દાખલ થાય તો તે પથ્થરનું પૂતળું બની જાય છે. માટે ત્યાં કોઈ જવાનું સાહસ જ કરતું નથી. પરંતુ તું તો સાહસિક છે અને મારો દાસ પણ છે, એટલે તને કાંઈ વાંધો નહિ આવે. છતાં વૈતાળને પણ તારી સાથે રાખજે. તારું કાર્ય ફતેહ થશે.

બીજે દિવસે વિક્રમ રાજા માતાજીને નમન કરી અદશ્ય વૈતાળને લઈ સિંહલદ્વીપ જવા નીકળ્યા. રસ્તામાં પહેલી ચોકી – ભયંકર રાક્ષસની આવી. રાક્ષસ વિક્રમ રાજાને જોતાં જ ભયંકર ત્રાડ પાડીને સામો મારવા ધસ્યો. વિક્રમ રાજા રાક્ષસને જોઈ સાવધ થઈ ગયા. તેમણે માતાજી અને વૈતાળનું સ્મરણ કર્યું. વૈતાળે વિક્રમ રાજાનું ભયંકર દૈત્ય જેવું રૂપ બનાવી દીધું. રાજાએ રાક્ષસને મુક્કો મારી દૂર ફેંકી દીધો, પણ પછી તે રાક્ષસે બમણું જોર કર્યું. રાક્ષસ છલાંગ મારી બાથ ભીડવા ગયો કે તરત જ વિક્રમ રાજા વેંતિયા જેવા નાના થઈ ગયાં. આમ બંને વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું.

અંતે રાક્ષસ માર ખાઈ-ખાઈને પછડાઈ ગયો. તે સમજી ગયો કે આ કોઈ સામાન્ય માનવી નથી, એટલે તે નાસીને પોતાના મહેલ તરફ દોડ્યો. રાજા પણ તેની પાછળ પાછળ પકડવા માટે મહેલમાં પ્રવેશ્યા, તો એક વિશાળ ખંડમાં હિંડોળા ખાટ પર સોળ શણગાર સજીને કોઈ રાજકુંવરી બેઠી હતી. તેને જોતાં જ રાજા અસલ સ્વરૂપમાં આવી ગયા અને બોલ્યા : “હે કુંવરી! તમે કોણ છો ? તમે આવા રાક્ષસના મહેલમાં ક્યાંથી ?”

“હે રાજન!” કહેતાં કુંવરી બોલી : “હું કનકવતી નગરીના રાજા કનકસેનની પુત્રી ચંદ્રકાંતા છું. એક દિવસ હું મારી સખીઓ સાથે નાહવા માટે નદીએ ગઈ હતી, ત્યાંથી આ રાક્ષસ મને ઉપાડી લાવેલો. તે મને અહીં લાવ્યો ત્યારથી તેની નજરથી વેગળી જવા દેતો નથી. એટલું સારું છે કે તે મને પોતાની પુત્રી જેમ રાખે છે. પરંતુ છેવટે તો તે રાક્ષસ જ ને ! મને મારાં માતા-પિતાના વિયોગનું ભારે દુખ છે તમે મને આ રાક્ષસના સકંજામાંથી મુક્ત કરો, તો તમારો મોટો ઉપકાર ગણાશે”

વિક્રમ રાજાએ કહ્યું: “હે કુંવરી! આ રાક્ષસને મેં હરાવી દીધો છે પણ તે આ મહેલમાં ક્યાંય સંતાઈ ગયો છે. તેને માર્યા પછી જ હું તને કાયમ માટે મુક્ત કરીશ”

રાજકુંવરી વિક્રમ રાજાને લઈને એક ખંડમાં ગઈ. અને તેની ભીંતમાં રહેલી કળ દબાવી એટલે ભીંત ખસી ગઈ અને એક ભોંયરું દેખાયું. કુંવરીએ વિક્રમ રાજાને સીડી વાટે ભોંયરામાં ઊતરી જવા કહીને અને કહ્યું : “અંદરના ભાગમાં જોગણીના મંદિરમાં રાક્ષસ સ્તુતિ કરવા બેઠો હશે. ત્યારે તે મૂર્તિ આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે કે તરત તમે રાક્ષસને તલવારથી ઘા કરજો.”

વિક્રમ રાજા કુંવરીનેં આશ્વાસન આપી ભોંયરામાં ઊતર્યા અને રાક્ષસ જેવો મૂર્તિ આગળ દંડવત પ્રણામ કરવા ગયો કે તરત રાજાએ તેની તલવાર વડે વધ કરી દીધો. રાક્ષસનો વધ થતાં કુંવરી રાજી રાજી થઈ ગઈ. વિક્રમ રાજાએ બહાર આવી રાજકુમારીને બધી વાત કરી અને પોતે હજી બીજી ચાર ચોકીઓ વટાવી લેશે ત્યાર પછી પાછા ફરતી વખતે તેને સાથે લેતા જવાનું વચન આપ્યું.

રાજા ત્યાંથી આગળ વધ્યા. ત્યાં બીજી ચોકી અગ્નિની આવી. દૂર દૂર સુધી ચોતરફ અગ્નિ સળગી રહ્યો હતો. આ અગ્નિની વચ્ચેથી પસાર કેવી રીતે થવાય ? આથી વિક્રમ રાજા વિમાસણમાં પડ્યા. રસ્તો ન સૂઝતા તેમણે વૈતાળને યાદ કર્યો અને કહ્યું : “હે વીર વૈતાળ ! તું ઇન્દ્ર પાસે જા અને મારી વાત કહી વરસાદ વરસાવવા કહે.”

તરત વૈતાળ ઇન્દ્ર રાજા પાસે ગયો અને પરદુખભંજન વિક્રમ રાજાને મદદ કરવા માટે વિનંતી કરી. વિક્રમ રાજાનું નામ સાંભળતાં જ ઇન્દ્ર રાજાને આનંદ થયો. તેઓ જાણતાં હતાં કે રાજન ભલાઈનાં કાર્યો માટે જ મદદ માગે છે. એટલે તેમણે મેઘને આજ્ઞા કરી કે, “વિક્રમ રાજાને મદદ કરો.”

વૈતાળ મેઘ સાથે વિક્રમ રાજા પાસે આવ્યો. મેઘે અગ્નિને ઇન્દ્ર રાજાની આણ દીધી કે તરત જ અગ્નિ બે ભાગમાં વહેંચાઈ ગયો. પછી જોરથી ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. આથી વિક્રમ રાજા સહેલાઈથી અગ્નિની ચોકી પણ પાર કરી ગયા.

Batris Putli Ni Varta Gujarati Four
Batris Putli Ni Varta Gujarati Four

આગળ જતાં ત્રીજી ચોકી સીંચાણા નામના પ્રચંડ પક્ષીની આવી. અહીં માણસને ચાંચ વડે ચીરી નાખે એવા સીંચાણા અને જાતજાતનાં ભયંકર પક્ષીઓ હતાં. આ પક્ષીઓને જોઈને રાજાને વિચાર આવ્યો કે “આ પક્ષીઓ લોહી-માંસથી રાજી થાય એવા છે. એમણે તલવારથી પોતાના શરીર ઉપર ઘા કરીને તેમાંથી લોહીને વહેવા દીધું, અને તેમાં મોટા મોટા પથ્થરો પલાળ્યા. પક્ષીઓ જેવા વિક્મ રાજા તરફ ધસ્યા કે તરત જ રાજાએ સાવચેતીપૂર્વક તે લોહીવાળા પથ્થરો ઉછળ્યાં. પક્ષીઓ આ લોહીવાળા પથ્થરોને માંસના ટુકડ સમજી ચાંચ મારીને ખાવા ગયા કે તરત જ તેમના ગળામાં ફસાઈ જતાં તેઓ તરફડી મૃત્યુ પામ્યાં અને રાજાનો જવાનો રસ્તો સાફ થઈ ગયો.

હવે ચોથી ચોકી રાક્ષસણીની આવી. તે માર્ગમાં મોં ફાડીને ઊભી હતી. તાડ જેવા એના દાંત, ગાડાના પૈડા જેવી આંખો, સાપ જેવા વાળ અને હાથી જેવી બરછટ ચામડી અને તેનું શરીર તો કદાવર હતું. રાજા તો આવું બિહામણું રૂપ જોઈ આશ્ચર્યમાં પડી ગયા. તેમને થયું કે છેવટે રાક્ષસણી એક સ્ત્રી જ છે તેને મીઠાશ અને નરમાશથી જ વશ કરવી પડશે. તેઓ સીધા જ રાક્ષસણીના પગે પડ્યા અને લાગણીભર્યા અવાજે બોલ્યા: “મા મા, હું તમારો મહેમાન છું. મારું રક્ષણ કરો.”

રાજાના આવાં મીઠં વચનોથી રાક્ષસણી ખુશ થઈ ગઈ અને બોલીઃ “હે વીર! તારાં વચનોથી હું ખુશ થઈ છું. તને હું મારીશ નહિ, પણ તું અહીં ક્યાંથી આવ્યો? અને બધી ચોકીઓ તે કેવી રીતે વટાવી ?

“હે મા !” કહીને વિક્રમ રાજાએ પેલા બ્રાહ્મણની અને પોતે કેવી રીતે ત્રણ ચોકી વટાવી તેની વિગતે વાત કરી, અને પોતાની ઓળખાણ આપી.

રાક્ષસણી વિક્રમ રાજાની વીરતા ઉપર પ્રસન્ન થઈ. તેણે રાજાની આગતાસ્વાગતા કરી, પરંતુ જ્યારે રાજાએ સિંહલદેશ જઈને રાજકુમારીને લાવવાની વાત કરી ત્યારે રાક્ષસણી ગુસ્સે થઈ ગઈ અને બોલી : “તમે મને મા કહી છે, એટલે જીવતા છોડું છું. પરંતુ સિંહલદેશ જવાનો વિચાર માંડી વાળો અને અહીંથી પાછા ચાલ્યા જાવ.”

રાજાને આ રાક્ષસણી સાથે યુદ્ધ કરવાનું ઠીક લાગ્યું નહિ. તેમણે વીર વૈતાળનું ધ્યાન ધર્યું. વૈતાળે રાતોરાત લાંબી અને ઊંડી સુરંગ ખોદી કાઢી કે જે રાક્ષસણીની ચોકી નીચે થઈ સીધી સિંહલદેશ નીકળાય. રાજા આ સુરંગ વાટે સિંહલદેશમાં આવી પહોંચ્યા.

રાજા જેવા સિંહલદેશમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં પાંચમી ચોકી હાથીઓની આવી મોટા પર્વત જેવા હાથીઓ વિક્રમ રાજાને જોતાં જ કારમી કિકિયારીઓ કરતા દોડી આવ્યા, પરંતુ વિક્રમ રાજાએ સાવધાનીપૂર્વક તલવારના એક જ ઝાટકે આગળના હાથીની સૂંઢ કાપી નાખી, તે સાથે જ બધા હાથીઓ ગભરાઈને નાસવા લાગ્યા.

હવે રાજાએ નિરાંતનો શ્વાસ લીધો. તેમણે હિંમત રાખી, યુક્તિ-પ્રયુક્તિથી પાંચે ચોકીઓ વટાવી દીધી હતી. હવે તેઓ સિંહલદેશના દરવાજા આગળ આવી પહોંચ્યા. તેમને ખબર હતી કે દરવાજાની અંદર દાખલ થનાર પથ્થરનું પૂતળું બની જાય છે. એટલે તેમણે વીર વૈતાળની મદદથી એક ભોંયરું ખોદાવ્યું અને તે ભોંયરા વાટે તેઓ નગરની અંદર ઘણે દૂર આવી પહોંચ્યા.

નગરની અંદર નંદનવન જેવી વાડીઓ, રંગબેરંગી દ્વારા અને સાત સાત માળની મહેલાતો જોઈ રાજા તો આભા બની ગયા. ઈન્દ્રની ઈન્દ્રપુરીને શરમાવે એવી આ લંકાનગરી હતી. તેઓ ફરતાં ફરતાં નંદનવન જેવી સુંદર વાડીમાં આવ્યા. આ વાડીમાં સરખે સરખી સાહેલીઓ રમતી હતી. વાડીમાં અજાણ્યા માનવીને જોતાં બધી સાહેલીઓ તેમને ઘેરી વળી, અને ઉપરાછાપરી પ્રશ્નો પૂછવા લાગી કે “તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો ? શા માટે આવ્યા છો ?”

વિક્મ રાજાએ તેમને પોતાની ઓળખાણ આપી અને પોતે શા હેતુથી આવ્યા છે તે પણ જણાવ્યું અને કહ્યું: “પોતાને હરસિદ્ધ માતા તથા વીર વૈતાળની સહાય છે તથા પોતાના દેશના બ્રાહ્મણને આ દેશની કોઈ સ્વરૂપવાન સુંદરીએ લગ્ન કરવા માટે પસંદ કર્યો હતો, અને તે સુંદરી તે બ્રાહ્મણને હાથણી ઉપર બેસી વરમાળા આરોપવા આવી હતી. જેવી તે સુંદરી વરમાળા પહેરાવાની તૈયારી કરતી હતી કે તે એકાએક અલોપ થઈ ગઈ.

ત્યારથી બ્રાહ્મણ બિચારો તેના વિયોગમાં ઝૂરી રહ્યો છે. તે તો વિયોગમાં ને વિયોગમાં બળી મરવા તૈયાર થઈ ગયો હતો, પરંતુ મેં તેને તે સુંદરી મેળવી આપવાનું વચન આપી તેને તેમ કરતા અટકાવ્યો છે. હું આ વચન પૂરું કરવા માટે જાનનું જોખમ ખેડીને અહીં સુધી આવ્યો છું.

વિક્રમ રાજાની વાત સાંભળતા બધી સાહેલીઓમાંથી એક સુંદરી બહાર આવી અને બોલી: “હે રાજન! આવું સ્વપ્ન તો મને પણ આવ્યું હતું. સ્વપ્નમાં હું માળવા ગઈ હતી. હાથી ઉપર બેસી હું સરોવર આગળ ગઈ હતી, ત્યાં એક બ્રાહ્મણને ફરતો જોઈ મને તેના પર ઉપર મોહ જાગ્યો. તે બ્રાહ્મણની સામે હું એકીટસે જોવા લાગી. બ્રાહ્મણને પણ મારી પર મોહ જાગ્યો. તે પણ મારી સામે જોવા લાગ્યો. મેં તેને મારી પાસે બોલાવ્યો ને વરમાળા આરોપવાની ઇચ્છા વ્યક્ત કરી. તે મારી નજીક આવે તે પહેલાં જ મારી આંખ ઊઘડી ગઈ અને મારું સ્વપ્ન સરી ગયું.

વિક્રમ રાજાએ કહ્યું: “હે સુંદરી ! હું જે બ્રાહ્મણ માટે અહીં આવ્યો છું તે બ્રાહ્મણને પણ આવું જ સ્વપ્ન આવ્યું હતું. એટલે સાબિત થાય છે કે બ્રાહ્મણના સ્વપ્નાની સુંદરી તમે જ છો. હવે તમે મારી સાથે માળવા ચાલો અને તે બ્રાહ્મણના ગળામાં વરમાળા આરોપી તેને સુખી કરો.”

સિંહલદ્વીપની સુંદરી પોતાનાં માતા-પિતા પાસે વિક્રમ રાજાને લઈ ગઈ અને તેમની ઓળખાણ આપી. તેણે પોતાનાં માતા પિતાને પોતાના સ્વપ્નની અને બ્રાહ્મણને આવેલ સ્વપ્નની વાત કરી. વિક્રમ રાજા આ બ્રાહ્મણના સ્વપ્નાની સુંદરીને જ શોધવા માટે અહીં આવ્યા છે તે પણ જણાવ્યું. રાજા-રાણીએ પોતાની કુંવરીને ઘણો કરિયાવર આપી, વિક્રમ રાજાની સાથે મોકલી.રસ્તામાં પેલા રાક્ષસનો મહેલ આવ્યો. ત્યાંથી રાજાએ રાજકુંવરીને પણ સાથે લીધી, અને તેને તેના ગામે કુશળતાથી પહોંચાડી દીધી. પછી રાજા ઉજ્જયિની નગરીમાં આવ્યા.

આખા નગરમાં બધે વાત ફેલાઈ ગઈ કે રાજા બ્રાહ્મણનું વચન પાળવા માટે ઘણી મુસીબતોનો સામનો કરીને સિંહલદેશ જઈ ત્યાંની રાજકુંવરીને સાથે લઈને આવ્યા છે. રાજાએ બ્રાહ્મણને બોલાવી તેના સિંહલદ્વીપની કુંવરી સાથે લગ્ન કરાવી આપ્યા. રાજાએ બ્રાહ્મણને રહેવા માટે મહેલ ને પુષ્કળ ધન-સંપત્તિ આપી.

વાર્તા પૂરી કર્યા પછી માનવંતી પૂતળી કહેવા લાગી: “હે ભોજ રાજા ! તમે રાજા વિક્રમની જેમ સાહસ, પરાક્રમ અને ભલાઈન કામ કરવાને યોગ્ય હોવ તો જ આ સિંહાસન ઉપર બેસી શકો છો.”

આટલું કહી તે પૂતળી સડસડાટ કરતી આકાશમાર્ગે ઊડી ગઈ.

Also Read :

5. પંચદંડની વાર્તા

Spread the love
error: Content is protected !!
Scroll to Top