Batris Putli Ni Varta Gujarati Five | 5. પંચદંડની વાર્તા

Batris Putli Ni Varta Gujarati Five
Batris Putli Ni Varta Gujarati Five

Batris Putli Ni Varta Gujarati Five | 5. પંચદંડની વાર્તા

પાંચમે દિવસે રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા ગયા ત્યારે પૂતળી હંસાએ તેમને અટકાવ્યા અને બોલી : “સબૂર રાજા, આ સિંહાસન ઉપર રાજા વિક્રમ જેવા પરોપકારી અને પરાક્રમી હોય તે જ બેસી શકે” આથી ભોજ રાજાએ વિક્રમ રાજા વિશે વધુ જાણવાની જિજ્ઞાસા બતાવી, જેથી હંસા પૂતળીએ રાજા વિક્રમની નવી વાર્તા કહેવી શરૂ કરી :

એક દિવસ ઉજ્જયિની નગરીમાં વિક્રમ રાજાની સવારી ભારે ધામધૂમ સાથે નીકળી. સવારીમાં નિશાનડંકા, હાથી-ઘોડા, પાલખી અને ઘોડેસવારોનો પાર નથી. હવામાં ધજા-પતાકાઓ ફરકે છે. રાજાની સવારી જોવા માર્ગમાં લોકોના ટોળેટોળાં ઊમટ્યાં હતાં, રસ્તે ચાલવાનો ક્યાંય માર્ગ રહ્યો નહિ.

એવામાં એક કૌતુક થયું.

રાજાની સવારી ફરતી ફરતી દેવદમની નામની ઘાંચણના મહેલ આગળ આવી. આ દેવદમની ધનાઢ્ય અને ઘણી વિદ્યાની જાણકાર હતી. દેવદમનીની દાસી મહેલ આગળની સડક પર કચરો વાળતી હતી. સવારી આવતી જોઈને દાસીએ વાળવાનું બંધ કરી એક બાજુ ઊભી રહી. દેવદમનીએ દાસીને ઊભી રહેલી જોઈને બોલી: “જોઈ શું રહી છે? જલદીથી કામે વળગ!”

દાસી બોલી : “બહેનબા ! માર્ગ પર રાજાની સવારી પસાર થઈ રહી છે, માટે હું કચરો ઉવવું તે સારું ન કહેવાય”

 “એ રાજા રહ્યો એના ઘરનો, તારે તો હું કહું તે જ કરવાનું છે. તું તારે ઝટ  વાળવા માંડ.”

બિચારી દાસી તો ચિઠ્ઠીની ચાકર હતી. તે તો દેવદમનીના કહ્યા મુજબ ઝડપભેર જોરજોરથી વાળવા માંડી. થોડી વારમાં તો ચારેબાજુ ધૂળ ઊડવા લાગી. ધૂળ ઊડતી જોઈને રાજાના સિપાઈઓ ત્યાં દોડી આવ્યા. તેઓ તરત દાસીને ધમકાવવા લાગ્યા : “અરે ગમાર! ભાન પડે છે કે નહિ? ધૂળ ઉડાડવાનું બંધ કર.”

દાસી તો રડતી રડતી દેવદમની પાસે ગઈ અને સિપાઈ ઓએ તેને ધમકાવી તે કહ્યું. દેવદમની તો ગુસ્સે થઈને બોલી : “અરે જોયો મોટો રાજા!  જોઉ છું કે તે કેવો અહીંથી સવારી સાથે પસાર થાય છે ?

આમ બોલતાં બોલતાં જ દેવદમનીએ એક છુપાવી રાખેલો ચમત્કારિક દંડ બહાર કાઢ્યો અને મહેલ આગળના રસ્તા પર દંડ વડે ઘૂળમાં ત્રણ લીટા કર્યા. લીટી દોરતાંની સાથે જ રસ્તા વચ્ચે મોટી મોટી ત્રણ દીવાલો ઊભી થઈ ગઈ. હવે આગળ જવાનો રસ્તો બંધ થઈ ગયો.

રાજાને આ વાતની ખબર પડતાં તરત તેમણે તે દીવાલો તોડવાનો હુકમ કર્યો. રાજાના હુકમ થતાંની સાથે જ દીવાલો તોડવાનું કામકાજ શરૂ થયું. ઘણા પ્રયત્નો કર્યા, છતાં તે દીવાલો તુટી નહિ એટલું જ નહિ તેમાંથી એક કાંકરીએ ન ખરી. રાજા તો આ જોઈ નવાઈ પામ્યા. તેમણે તરત જ દેવદમનીને બોલાવીને પૂછ્યું: “આ શું ? દીવાલો કેમ તૂટતી નથી ?”

દેવદમનીએ કહ્યું: “હે રાજન ! આ દીવાલો તોડવાનું રહેવા દો. એ તો અભેદ દીવાલ છે, આ દીવાલ તો જેની પાસે પંચદંડ હોય તે જ તોડી શકે.

રાજાએ પોતાની સવારી પાછી વાળી. તેમણે બીજે દિવસે રાજસભામાં ઘાંચણ દેવદમનીને તેડાવી અને પંચદંડ અંગે શું રહસ્ય છે તે પૂછ્યું, ત્યારે દેવદમની બોલી : “મારી દીકરીને ચોપાટબાજી રમવાનો ઘણો શોખ છે. તેને હું તમારી જોડે બાજી રમવા મોકલું છું અને જો તમે મારી દીકરીને જીતી શકો તો તમને પંચદંડનું રહસ્ય કહું.”

રાજાએ વિચાર કરીને કબૂલ કર્યું અને તેની દીકરી નિર્મળદમનીને તેડાવી. થોડી વારમાં નિર્મળદમની પાલખીમાં બેસીને, સોળ શણગાર સજીને પાલખીમાં આવી પહોંચી. તેની કંચન જેવી કાયા, મૃગલાં જેવાં નેણ, વાળ વાળે મોતી પરોવેલા હતા. જાણે કે સ્વર્ગની અપ્સરા જ જોઈ લો. રાજા તો તેને જોઈ આભો જ બની ગયો. તેણે નિર્મળદમનીને આવકારી માનપૂર્વક બેસાડીને કહ્યું: “હે નિર્મળદમની! તમે કઈ રમત જાણો છો ?”

“હું તો બધી જ રમતો જાણું છું. ગમે તે રમત માંડો, મને કોઈ વાંધો નથી. આપણે ચાર દિવસની રમત માંડીએ, તેમાં મારી એક શરત છે કે હું હારું તો તમારી દાસી થઈને રહું અને તમે હારો તો તમારે મને રાજપાટ સોંપી મારા દાસ બનીને રહેવું.”

“કબૂલ.” રાજાએ કહ્યું. ત્રણ પાસાંની રમત માંડી. આ વાત વાયુવેગે આખાય નગરમાં ફેલાઈ ગઈ. રમતમાં હાર-જીત કોની થાય છે તે જોવા લોકોનાં ટોળેટોળાં રાજસભામાં ઊમટવા લાગ્યાં. રમત રમવી શરૂ થઈ.

એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ રમત ચાલી, પણ ત્રણે દિવસમાં નિર્મળદમની જીતી અને રાજા હર્યા. રાજા તો પોતાની હારથી ખૂબ જ ઝંખવાણા પડી ગયા. લોકો પણ ચિંતામાં પડી ગયા. હવે રમતને ફક્ત એક જ દિવસ બાકી હતો. રાજાને ખૂબ જ ચિંતા થવા લાગી. તેની ઊંધ પણ હરામ થઈ ગઈ. તે પોતાના વિશે જાણવા માટે નગરચર્ચાએ નીકળી પડ્યા. નગરમાં બધે જ લોકો રાજાની નિંદા કરી રહ્યા હતા કે આટલા મોટા રાજા થઈને એક ધાંચણની દીકરીને જીતી શક્યા નહિ! જો રાજા ચોથે દિવસે પણ હારશે તો શું થશે ?

વિક્રમ રાજા બધાની વાતો સાંભળી વધુ ને વધુ ચિંતિત થઈ ગયા. તેઓ અંતે હરસિદ્ધ માતાને મંદિરે ગયા અને માતાજીને વિનવણી કરવા લાગ્યા : “હે માતાજી! હું તમારે શરણે આવ્યો છે. મારી લાજ રાખો.”

 થોડી વારમાં તો માતાજી સાક્ષાત પ્રગટ થયાં અને બોલ્યાં : “હે રાજન ! તું જે ધાંચણની દીકરી સાથે રમવા બેઠો છે, તે યુવતી કોઈ સાધારણ સ્ત્રી નથી, પરંતુ ઇન્દ્ર રાજાના દરબારની શાપિત અપ્સરા છે. એની લીલા તારે જોવી હોય તો તું વૈતાળ સાથે ઇન્દ્ર સભામાં જા, તે ત્યાં નૃત્ય કરતી દેખાશે અને તને ત્યાં જ જીતવાનો ઉપાય જડી જશે”

વિક્રમ રાજાએ તો તરત વૈતાળનું સ્મરણ કર્યું, એટલે વૈતાળ હાજર થઈ ગયો. રાજા વૈતાળ સાથે ઇન્દ્રલોકમાં પહોંચી ગયા. ઈન્દ્રના દરબારમાં નિર્મળદમની નૃત્ય કરી રહી હતી. રાજા સભાની પાછળ અદેશ્ય સ્વરૂપે રહ્યા.

નૃત્ય પૂરું થતાં ઈન્દ્ર રાજાએ ખુશ થઈને નિર્મળદમનીને એક હાર ભેટ આપ્યો. નિર્મળદમનીએ હાર લઈને બાજુએ મૂક્યો કે તરત જ વૈતાળે અદેશ્ય રીતે એ હાર ઉપાડી લીધો. બીજા નૃત્ય વખતે પાનનું બીડું આપ્યું તે પણ વૈતાળે લઈ લીધું. ત્રીજી વખત નિર્મળદમનીના પગમાંથી ઝંઝર નીકળી જતા વીર વૈતાળે તે ઉપાડી લઈ બંને જણા ત્રણે વસ્તુ લઈને પૃથ્વી પર પાછા આવી ગયા.

નૃત્ય કરતાં થાકેલી દમની સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં આવી. ઘેર આવીને સૂઈ ગઈ. સવારે થતાં નિર્મળદમની સભામાં આવી? થોડી વારમાં તો પાસાની રમત શરૂ થઈ. રમત રમતા રમતા રાજાએ દમનીને કહ્યું: “કાલે મને મોડી રાતે ઊંધમાં એક સ્વપ્ન આવ્યું હતું કે તું સ્વર્ગલોકમાં ઇન્દ્રસભામાં નૃત્ય કરી રહી હતી. તારા નૃત્ય પર ખુશ થઈ ઈન્દ્ર રાજાએ તને એક હાર ભેટ આપ્યો હતો, બોલ ખરી વાતને !”

Batris Putli Ni Varta Gujarati Five
Batris Putli Ni Varta Gujarati Five

નિર્મળદમની આ સાંભળી હેબતાઈ ગઈ, છતાં ઠાવકું મોં રાખી બોલીઃ “સ્વપ્નાં તે કાંઈ સાચાં હોતા હશે! આ વાત સાવ ખોટી છે” રાજાએ તરત જ પોતાની પાસેનો હાર કાઢી દમની સામે ઘર્યો ને દમની ડઘાઈ ગઈ. તેને લાગ્યું કે શું રાજા મારી વાત જાણી ગયા છે તેનું ધ્યાન રમતમાં રહ્યું નહિ અને પાસા અવળા પડવા લાગ્યા પહેલા દાવમાં રાજા જીતી ગયા.

બીજો દાવ શરૂ થતા રાજાએ સ્વપ્નાની વાત આગળ ચલાવી અને તેની નિશાની રૂપે પાનનું બીડું બતાવ્યું. પાન જોઈ નિર્મળદમનીના શરીરે પરસેવો થઈ ગયો. બીજા દાવમાં પણ તેના પાસા અવળા પડતા ફરી રાજા તે દાવ જીતી ગયા. ત્રીજા દાવા વખતે રાજાએ કહ્યું: “ઇસભામાં તું નૃત્ય કરતી હતી તે વખતે તારા પગમાંથી ઝંઝર નીકળી ગયું હતું.”

દમની બોલી: “ ઝાંઝર તો મારે ઘેર પડ્યા છે. રાજાએ તરત જ ઝાંઝર કાઢીને બતાવ્યું. ઝાંઝરને જોતાં જ નિર્મળદમનીના શરીરે કંપારી છૂટવા લાગી, તેના હાથ ધ્રુજવા લાગ્યા. ત્રીજા દાવમાં પણ તેના પાસા અવળા પડતા નિર્મળદમની હારી ગઈ. તેણે વિક્રમ રાજા સાથે શરત મુજબ ગાંધર્વલગ્ન કર્યા, અને તેમનું દાસીપણું સ્વીકાર્યું.

થોડી વારમાં આ સમાચાર આખા નગરમાં પ્રસરી ગયા. જે આગલી રાતે રાજાની નિંદા કરતા હતા, તે બધા રાજાની વાહવાહ કરવા લાગ્યા.

પછી વિક્રમ રાજા દેવદમની પાસે ગયા અને બોલ્યા: “તારી દીકરીની હાર થઈ છે, હવે તારે શરત મુજબ મને પંચદંડની વાત કહેવી પડશે.”

દેવદમની બોલી: અહીંથી ઘણે દૂર કોંકણદેશમાં સોપારાગઢ નામે એક ગામ છે. ત્યાં શિવશર્મા નામે એક બ્રાહ્મણ રહે છે. તેની પત્નીનું નામ ઉમાદે છે. ત્યાં તેઓ એક આશ્રમ બાંધી તેમાં રહે છે. આશ્રમમાં એક પાઠશાળા છે. તેમાં બ્રાહ્મણ ઘણા વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ કરાવે છે. બ્રાહ્મણની પત્ની ઉમાદે બહુ ચતુર છે. ત્યાં જઈ જાગતા રહેશો તો જીવશો અને જો ઊંધ્યા તો મરેલા સમજજો.”

વિક્રમ રાજા પોતાનું રાજપાટ પ્રધાનને સોંપી, વીર વૈતાળને સાથે લઈને સોપારાગઢ ગયા. તેમણે લઘુલાઘવી વિદ્યાના બળે બટુકનું સ્વરૂપ લીધું અને શિવશર્માની પાઠશાળામાં વિદ્યાભ્યાસ કરવાને બહાને રોકાઈ ગયા. આ પાઠ શાળામાં બાસઠ વિદ્યાર્થીઓ હતા. તેમાં એક બટુકનો ઉમેરો થતાં કુલ ત્રેસઠ વિદ્યાર્થીઓ થયા. દિવસે બધા વિદ્યાર્થીઓને બ્રાહ્મણ ભણાવે. ભણીને બધા વિદ્યાર્થીઓ આશ્રમનું કામકાજ કરતા. રાત પડતાં જ બધા વિદ્યાર્થીઓ ઊંઘી જાય પણ બટુક સ્વરૂપે રહેલા વિક્રમ રાજા જાગતા જ રહેતા ને ઉમાદેનાં કાર્યો પર ધ્યાન રાખતાં. થોડા દિવસ બધું વ્યવસ્થિત ચાલ્યું.

એક દિવસ મધરાત થતાં ઉમાદે શણગાર સજીને હાથમાં એક દંડ લઈને આશ્રમમાંથી બહાર નીકળ્યાં. વિક્રમ રાજાએ તરત તેમનો પીછો કર્યો. આશ્રમની થોડે દૂર આવેલા એક વિશાળકાય આંબલીના ઝાડ પર ઉમાદે ચડવા લાગ્યાં. વિક્રમ રાજા પણ છાનામાના તે ઝાડના થડની એક બખોલમાં ભરાઈ ગયા. પછી ઉમાદેએ ઝાડ પર ચડી હાથમાંના દંડ વડે ત્રણ વખત પ્રહાર કર્યા અને ઊડ ઊડ” કહેતાંની સાથે જ આંબલીનું ઝાડ અદ્રશ્ય રૂપે આકાશમાં ઊંચે ઊડવા લાગ્યું. થડની બખોલમાં છુપાઈ રહેલા વિક્રમ રાજા તો આ જોઈ નવાઈ પામ્યા.

થોડી વારમાં તો આ ઝાડ ઊડતું ઊડતું મસાણમાં આવીને ઊતર્યું કે તરત જ ભૂત, પિશાચ અને મસાણની ચોસઠ જોગણીઓ તેની આસપાસ વીંટળાઈ ગઈ અને ગોળ કુંડાળું વળીને પ્રદક્ષિણા કરવા લાગી.

ઉમાદેએ ઝાડ પરથી નીચે ઊતરી જોગણીઓને નમન કર્યા અને બોલી : “હે માતાઓ ! અત્યાર સુધી અમારે ત્યાં બાસઠ વિદ્યાર્થીઓ હતા, હવે ત્રેસઠમો આવી ગયો છે અને ચોસઠમો મારો પતિ. હું ચોસઠ જોગણીઓને એક એક બત્રીસલક્ષણા પુરુષનો ભોગ આપીશ. પછી તો મને તમારી સાથે રહેવાનો અધિકાર પ્રાપ્ત થશે, ખરું ને ?”

આ સાંભળી જોગણીઓ ખુશ થઈ કહ્યું : “ઉમાદે ! આવતી ચૌદશે તું અમારું નૈવેદ્ય કરજે. તેમાં ખીર, વડ અને બાકળા લાવજે. પછી ચોસઠ જણને જમવા બેસાડી દરેકના કપાળમાં સિંદૂરનું તિલક કરજે, દરેકના ગળામાં કરેણના ફૂલની માળા પહેરાવજે અને દરેકના ભાણામાં ખંડ પૂરજે, પછી હાથમાંનો દંડ જમીન પર મૂકીને પ્રદક્ષિણા કરી ઉદોઉદો’ એમ બોલીને પાણીની અંજલિ છાંટીને કહેજે : હે ભવાની મા, લેજો તમારો ભોગ” આવું બોલતાંની સાથે જ અમે ચોસઠે જોગણીઓ ચોસઠ જણનો ભોગ વહેંચી લઈશું. પણ જો અમને અમારો ભોગ નહિ મળે તો  તરત અમે તને ભરખી જઈશું.”

વિક્રમ રાજા ઝાડની બખોલમાં બેઠા બેઠા આ સાંભળ્યું અને ચોંકી ગયા. તેમણે ગમે તે રીતે ચોસઠ જણને બચાવવાનો નિર્ણય કર્યો. ઉમાદે પાછી ઝાડ પર ચઢી અને ઊડનદંડ વડે થડને ત્રણ ટકોરા મારી ઊડ ઊડ બોલી કે તરત જ ઝાડ અદેશ્ય રીતે ઊડીને પાછું તેની મૂળ જગ્યાએ આવી ગયું. ઉમાદે ઘેર ગઈ. વિક્રમ રાજા પણ બખોલમાંથી નીકળી પોતાની પથારીમાં આવીને સૂઈ ગયા.

બીજે દિવસે ઉમાદે આશ્રમના કામે વળગી ત્યારે લાગ જોઈને વિક્રમ રાજાએ પોતાના ગુરુ અને વિદ્યાર્થીઓને સ્મશાનવાળી હકીકત કહી જણાવી. અંતમાં બધાને સૂચના આપી : ચૌદશને દિવસે ઉમાદે ચંડીપૂજન કરશે. આપણા બધાને નવડાવી, કપાળે તિલક કરી, કરેણની માળા પહેરાવશે; પછી જમવા બેસાડી ભાણામાં ખંડ પૂરી, હાથમાંનો દંડ ભોંય પર મૂકી દંડની પ્રદક્ષિણા કરવા માંડશે ત્યારે હું ઝડપથી પેલો દંડ ઉઠાવીને દોડવા માંડીશ ત્યારે તમે પણ બધાએ મારી પાછળ દોડજો તો આપણે બધા, જોગણીઓનો ભોગ બનતાં અટકી જઈશું.”

ચૌદશનો દિવસ આવ્યો. ઉમાદેએ તે દિવસે ચંડીપૂજન કરાવ્યું. તે દિવસે ઉમાદેએ પોતાના પતિ અને ત્રેસઠ વિદ્યાર્થીઓ સહિત બધાને જમવા બેસાડ્યા. બધાને કપાળમાં તિલક કરી, ગળામાં કરેણના ફૂલની માળા પહેરાવી દરેકના ભાણામાં ખંડ પૂરી હાથમાંનો દંડ જમીન પર મૂકી પ્રદક્ષિણા કરી હાથ જોડીને બોલી: : “હે ભવાની મા ! લેજો તમારો ભોગ. “આટલું બોલે ત્યાં તો વિક્રમ રાજાએ તરત છલાંગ મારી દંડ ઉપાડીને નાસવા માંડ્યું. તેમની પાછળ પાછળ ગુરુ અને વિદ્યાર્થીઓ પણ જીવ લઈને નાઠા. કોઈએ પાછું વળીને જોયું નહિ.

ઉમાદે મૂંઝાઈ ગઈ. થોડી વારમાં તો ચોસઠ જોગણીઓ આવી પહોંચી અને પોતાના ભક્ષ માગવા લાગી. ઉમાદેએ કંઈ જવાબ આપ્યો નહિ એટલે ચોસઠે જોગણીઓએ ઉમાદેના દેહના ચોસઠ  કટકા કરી ખાઈ ગઈ.

બીજી બાજુ વિક્રમ રાજા, ગુરુ અને અન્ય વિદ્યાર્થીઓ દોડતાં દોડતાં દૂર નીકળી ગયા. ખૂબ જ દોડવાથી તેમને ખૂબ ભૂખ અને તરસ લાગી હતી. વિક્રમ રાજા થોડી વાર થાક ખાઈને બધાને માટે ખાવાનું લેવા પાસેના નગરમાં ગયા. આ નગર તેને વિચિત્ર લાગ્યું. નગરમાં અસંખ્ય દુકાનો હતી, પણ બધી જ વેપારી વગરની ઉઘાડી.

સાત-સાત માળની હવેલીઓ, પણ તેમાં કોઈ માણસ જ નહિ નગરમાં ક્યાંય કોઈ માનવી, પશુ કે પંખી જોવા મળે નહિ. રાજાના તો અચંબાનો પાર રહ્યો નહિ. તે છેવટે રાજમહેલમાં ગયા. તે આખો રાજમહેલ ફરી વળ્યા, પણ તેમાં પણ કોઈ માણસ નહિ, રાજમહેલ પણ ખાલીખમ. ફક્ત રાજમહેલના શયનખંડમાં એક બિલાડી સોનાના પલંગમાં કિનખાબની પથારી પર બેઠી હતી.

વિક્રમ રાજાને આશ્ચર્ય થયું. તેઓએ બિલાડીની નજીક જઈને પૂછયું : “તમે કોણ છો ? આ ગામમાં એક પણ માણસ કેમ દેખાતો નથી ? તમે અહીં એકલા કેમ બેઠા છો ?”

જવાબમાં બિલાડીએ એક કાજળની દાબડી લાવી રાજાને સંકેત કરી જણાવ્યું ‘મારી આંખમાં આંજો.’ રાજાએ કાજળ આંજયું એટલે તરત જ બિલાડી સોળ વર્ષની રૂપાળી રાજકુંવરી બની ગઈ. કુંવરી બોલીઃ “હે રાજન! તમે કોણ છો?”

વિક્રમ રાજાએ કુંવરીને પોતાની ઓળખાણ આપી અને પોતે બિલાડી કેવી રીતે બની ગઈ તેની વિગત જણાવવા કહ્યું.

કુંવરી બોલી : “આ નગરમાં એક રાક્ષસ રહે છે. તેણે આ નગરને ઉજ્જડ કરી નાખ્યું છે. તેના ત્રાસથી આ નગરના બધા માણસો અહીંથી નાસી ગયા છે. એક્લી હું જ તેના સકંજામાં સપડાઈ ગઈ છું. હું અહીંના રાજાની રાજકુંવરી છું. રાક્ષસે મને કેદ કરીને રાખી છે. તેણે કદી મારી પર કુષ્ટિ કરી નથી. તે તો મને પુત્રી ગણીને રાખે છે. જ્યારે તે બહાર જાય છે, ત્યારે કાજળ આંજીને મને બિલાડી બનાવી દે છે.  જ્યારે પાછો આવે ત્યારે ફરી કાજળ આંજીને મને રાજકુંવરી બનાવી દે છે. તે મારા સિવાય કોઈને જીવવા દેતો નથી. તમે અહીંથી નાસી જાવ તેનો આવવાનો હવે સમય થઈ ગયો છે.”

રાજાએ કહ્યું હું ગમે તેવા રાક્ષસથી ડરતો નથી. તને એકલી મૂકીને હું અહીંથી નહિ જઈ શકું.”

રાજકુંવરી બોલી : “હે રાજન ! આ રાક્ષસ બહુ ખતરનાક છે. વળી તેની પાસે એક અજિત નામનો ચમત્કારિક દંડ છે. આને લીધે તેની સામે ગમે તેવો બળિયો ટકી શકતો નથી. તે દરરોજ અજિતદંડની પૂજા કરે છે તેણે એક વાર મને કહેલું કે જે કોઈ એ દંડ રાક્ષસના માથા ઉપર ફટકારે તો જ તે મરે પરંતુ તે એક પળ પણ દંડને હેઠો મૂકતો નથી. ફક્ત પૂજન કરતી વેળા જ દંડ નીચે મૂકે છે. તે હવે આવતો જ હશે. તમે અહીંથી ચાલ્યા જાવ, નહિતર તમારું મોત નક્ક છે.”

વિક્રમ રાજાએ તેને ઘીરજ આપી અને કહ્યું : “તું મારી ચિંતા ન કર. મને રાક્ષસની જરા પણ બીક નથી. મને તું મહેલમાં સંતાવાની જગા બતાવ.

કુંવરીએ વિક્રમ રાજાને સંતાવાની જગા બતાવી. રાજાએ કુંવરીને અંજન આંજી ફરી બિલાડી બનાવી દીધી ને પોતે પૂજાના ઓરડામાં સંતાઈ ગયા.

થોડી વારમાં રાક્ષસ હાથમાંનો દંડ ઉગામતો ઉગામતો મહેલમાં આવી પહોંચ્યો. તેણે અંજનથી બિલાડીને રાજકુંવરી બનાવી. પછી નાહી-ધોઈને દંડની પૂજા કરવા બેઠો. પૂજા વેળાએ રાક્ષસે દંડને નીચે મૂકી તેની પ્રદક્ષિણા કરવા માંડી કે તરત જ રાજા બહાર આવી ગયા અને દંડ ઉપાડી રાક્ષસના માથા ઉપર ઝીંકી દીધો. દંડનો ઘા થતાં જ રાક્ષસ તરફડતો મરી ગયો.

રાક્ષસના મરણના સમાચાર થોડી વારમાં કુંવરીએ બધે ફેલાવી દીધા. આજુબાજુ સંતાઈ રહેલા લોકો પાછા નગરમાં આવવા લાગ્યા. નગરનો રાજા પણ નગરમાં પાછો આવ્યો. તેણે વિક્રમ રાજાને પોતાની કુંવરીને રાક્ષસના કેદમાંથી મુક્ત કરવા બદલ ખૂબ આભાર માન્યો અને પોતાની કુંવરીને પરણવા રાજાને આગ્રહ કર્યો. વિક્રમ રાજાએ પોતાની સાથે બીજા ત્રેસઠ જણ છે, તેનો ઉલ્લેખ કર્યો.

નગરના રાજાએ ત્રેસઠ જણાને મહેલમાં બોલાવ્યા અને બધાની સારી સરભરા કરી. બીજા દિવસે રાજાએ પોતાની રાજકુંવરીને વિક્રમ રાજા સાથે ધામધૂમથી પરણાવી. તેને સારો કરિયાવર આપી વળાવી.

વિક્રમ રાજાએ ત્રેસઠ જણા અને કુંવરી સાથે ત્યાંથી વિદાય લીધી. તેમણે ગુરુ અને બાસઠ વિદ્યાર્થીઓને તેમના આશ્રમે મૂકી પોતે કુંવરીને લઈને ઉજ્જયિની આવ્યા. વિક્રમ રાજા પાસે બે દંડ ભેગા થઈ ગયા હતા, એક ઉમાદેનો ‘ઊડનદંડ અને બીજો રાક્ષસનો અજિતદંડ. હવે રાજાને ત્રણ દંડ મેળવવાના બાકી હતા.

વિક્રમ રાજાએ બીજા દિવસે રાજદરબારમાં દમનીને બોલાવી અને બે દંડ બતાવ્યા. દમની રાજા ઉપર ખુશ થઈ ગઈ તે બોલી: “હે રાજન! તમે હવે ત્રંબાવટી નગરીમાં જાવ. માર્ગમાં મહીસાગર આવશે. તેમાં સ્નાન કરી ત્રંબકસેન રાજાના મહેલની ચર્ચા જોજો.”

રાજા તો તરત જ ત્યાંથી ચાલી નીકળ્યા અને મધરાતે ત્રંબાવટી નગરીમાં આવી પહોંચ્યા. મહીસાગરમાં સ્નાન કરી રાજા અદેશ્ય વિદ્યાથી રાજાના મહેલમાં દાખલ થયા ને સીધા રાજકુંવરીના શયનખંડમાં પ્રવેશ્યા. મધરાત થઈ હોવા છતાં રાજકુંવરી જાગતી સૂતી હતી. તે કોઈની વાટ જોઈને બેઠી હતી. થોડી વારમાં એક દૂત સાંઢણી લઈને આવ્યો. તે સીધો જ રાજકુંવરીના શયનખંડમાં આવ્યો. રાજકુંવરીએ સવારને કહ્યું: “તું બહાર બેસ, હું હમણાં જ આવું છું.”

દૂત બહાર ગયો કે તરત જ વિક્રમ રાજાનો પાળેલો પોપટ ત્યાં આવ્યો. પોપટના ગળે ચિઠ્ઠી બાંધેલી હતી, તે છોડીને કુંવરી વાંચવા લાગી. વિક્રમ રાજા પણ અદશ્ય રીતે રત્નમંજરી પાછળ ઊભા રહી, કાગળ વાંચવા લાગ્યા. કાગળમાં લખ્યું હતું:

પ્રિય સખી રત્ના!

ઉજ્જયિનીના રાજા વીર વિક્રમ સાથે હું બાજીમાં હારી ગઈ છું, એટલે શરત પ્રમાણે મારે દાસી બનવું પડ્યું છે. આમ તો હું તેમની રાણી બની છે. પરંતુ મહેલ મને જેલ જેવો લાગે છે, મને અહીં સહેજ પણ ફાવતું નથી, એટલે મેં વિક્રમ રાજાને તારી તરફ મોકલ્યા છે, તો તું  તેમની સાથે લગ્ન કરી અહીં મારી પાસે આવજે. આપણે બંને સાથે હોઈશું તો સારું ફાવશે.

લિ. લિનિર્મળદમની

રત્નમંજરી ચિઠ્ઠી વાંચી ખડખડાટ હસવા લાગી. તે બબડી. નમું ! તું  અક્કલની અધૂરી કે તેની દાસી બની, હું તો વિક્રમ જેવો સેંકડોને દાસ બનાવું તેમ છું. તું હારી તે તારા નસીબ. મારી પાસે તો અભયદંડ છે. મને કોઈ જીતી શકે તેમ નથી.”

તેણે નિર્મળદમની ઉપર એક ચિઠ્ઠી લખી તેમાં જણાવ્યું :

પ્રિય સખી નિમુ !

હું તારા કહેવા પ્રમાણે કરી શકું તેમ નથી.

લિ. રત્નમંજરી

રત્નમંજરીએ ચિઠ્ઠી પોપટને ગળે બાંધી પોપટને ઉડાડી દીધો. પછી રત્નમંજરીએ અભયદંડ અને રત્નોથી ભરેલી પેટી સાંઢણી ઉપર મૂક્વા દાસીને હુકમ કર્યો. દાસી અભયદંડ અને રત્નોની થેલી સાંઢણી ઉપર મૂકીને પાછી ફરી. તરત વિક્રમ રાજા તેની પાછળ બહાર ગયા. સાંઢણી ઉપર સવાર ઊભો હતો. અદશ્ય સ્વરૂપે વિક્રમ રાજા તેની પાસે ગયા અને વૈતાળનું સ્મરણ કર્યું.

વૈતાળે તરત દંડ અને પેટી બંને ઉઠાવી લીધા. સાંઢણી સવાર રત્નમંજરીની રાહ જોઈને ઊભો હતો. વિક્રમ રાજાએ પોતાના અસલ સ્વરૂપમાં આવી સાંઢણીસવારને ધમકાવી કહ્યું : હરામખોર ! તું કોણ છે ? રાતને વખતે અહીં કેમ આવ્યો છે?” સાંઢણી સવારે વિક્રમ રાજાને સીધો જવાબ ન આપતાં મ્યાનમાંથી તલવાર ખેંચી રાજા સામે ઉગામવા જાય તે પહેલાં જ વિક્રમ રાજાએ પોતાની તલવારથી તેનું ડોકું ઉડાવી દીધું અને તેનાં કપડાં ઉતારી પોતે પહેરી લીધાં ને પોતે સાંઢણીસવાર બની ગયા.

Batris Putli Ni Varta Gujarati Five
Batris Putli Ni Varta Gujarati Five

થોડી વારમાં રત્નમંજરી આવીને સાંઢણી ઉપર બેઠી કે તરત જ સવારે સાંઢણી હાંકી મૂકી. સાંઢણીને બીજા માર્ગે જતી જોઈ રત્નમંજરી બોલી : “આપણે તો પશ્ચિમ દિશાએ જવાનું છે, ને તું પૂર્વ દિશા તરફ ઊંટને કેમ લઈ જાય છે ?”

વિક્રમ રાજા બોલ્યા: “તમને મારે ગામ લઈ જાઉં છું.

આ સાંભળતાંની સાથે રત્નમંજરી ગુસ્સે થઈ ગઈ. તે પોતાનો દંડ શોધવા લાગી, પણ દંડ મળ્યો નહિ એટલે નરમાશથી બોલી : તું કોણ છે? મને ક્યાં લઈ જાય છે ?

વિક્રમ રાજા બોલ્યા: “હું માળવાનો જુગારી છું અને રૂપાળી સ્ત્રીઓનો ચોર છે. હું તને માળવા લઈ જાઉં છું.

રત્નમજરી આ સાંભળી આકુળવ્યાકુળ થઈ ગઈ. તે મનમાં પસ્તાવા લાગી. તેને થયું કે “જો તેણે પોતાની સહેલી નિર્મળદમનીનું કહેવું માની લીધું હોત તો પરોપકારી વિક્રમ રાજા સાથે પરણવાનું થાત. આજે તેને આ દુષ્ટ જુગારી ક્યાં લઈ જશે? તે વિચારે ગભરાવા લાગી. તે ગુસ્સે થઈ બોલી: “તેં મારી સાથે છળકપટ કર્યું છે. કોઈ અબળાને છેતરીને તું સુખી નહિ થાય. જો હું તને શાપ આપીશ તો તારું ધનોતપનોત નીકળી જશે.”

વિક્રમ રાજા નરમાશથી બોલ્યા: “હે કુંવરી! તું જેવો મને ધારે છે તેવો હું દુષ્ટ નથી. તમે મારાથી ગભરાશો નહિ, તમે જ્યાં કહેશો ત્યાં હું તમને લઈ જઈશ”

મારે ઉજ્જયિની નગરીમાં વિક્રમ રાજાના મહેલે જવું છે. તમે મને મહેરબાની કરીને ત્યાં પહોંચાડી દો.”

વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી. રત્નમંજરી તો પોતાની સમક્ષ વિક્રમ રાજાને જોતાં ખૂબ જ આનંદમાં આવી ગઈ. તેણે વિક્રમ રાજા સાથે રસ્તામાં ગાંધર્વલગ્ન કરી પોતાને મહેલે આવ્યાં.

આ બાજુ પેલો દામોદર પોપટ રત્નમંજરીનો કાગળ લઈ ઊડતો ઊડતો ઉજયિની તરફ આવતો હતો. રસ્તામાં વિમળપુર ગામ આવ્યું, ત્યાં દામોદર પોપટનો મિત્ર એક ગુણકાને ત્યાં રહેતો હતો. દામોદર પોપટ તેને મળવા ગયો. બંને મિત્રો ઘણા સમય પછી મળ્યા હોવાથી એકબીજાને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. પછી બંને પોપટ વાતો કરવા લાગ્યા. આ વખતે ગુણકા ત્યાં જ ઊભી હતી. તે બંનેની વાતો સાંભળવા લાગી :

દામોદર પોપટ કહે: મિત્ર ગંગારામ ! મારા માલિક વિક્રમ રાજાએ નિર્મળદમની નામની ધાંચણને હરાવી તેની સાથે લગ્ન કરી લીધાં છે. નિર્મળદમનીની બહેનપણી રત્નમંજરી ત્રંબાવટી નગરીમાં રહે છે. હું તેને ત્યાં સંદેશો લઈને ગયો હતો. ત્યારે તે સાંઢણી ઉપર બહાર જવાની તૈયારી કરી રહી હતી. તે થોડી જ વારમાં આ તરફથી નીકળશે.”

ગુણકા બંને પોપટની વાતો સાંભળતી હતી. તેણે રત્નમંજરીને ફસાવવાનો ઘાટ ઘડ્યો. તે નગરના મોટા માર્ગે સાંઢણીની રાહ જોઈને બેઠી. સવાર થતાં સાંઢણી ત્યાં આવી. સાંઢણીને નીચે બેસાડી વિક્રમ રાજા અને રત્નમંજરી નીચે ઊતર્યા. બંને જણ એક ઝાડ નીચે વિસામો લેવા બેઠં.

વિક્રમ રાજા રત્નમંજરીને બેસાડી નગરમાં ખાવાનું લેવા ગયા. પેલી ગુણકા લાગ જોઈને જ દૂર બેઠી હતી. વિક્રમ રાજાના જતાં તે રત્નમંજરી પાસે આવી અને બોલી : “અરે દીકરી ! ગામમાં માસીબા રહે ને પાદરે પડી રહેવાય ? ગામમાં માસીનું ઘર હોય ને જમ્યા વગર જવાય ખરું? તું ચાલ ઘરે તારા વર મને રસ્તામાં મળ્યા હતા, તેમને મેં મારી ઓળખાણ અને ઘરનું ઠેકાણું આપ્યું છે. તે સીધા મારે ઘેર જશે હું તને લેવા આવી છું.”

ભોળી રત્નમંજરી તો તેની વાત સાચી માની ગુણકાની સાથે ગઈ. ગુણકાએ તેને ખોટાં ખોટાં આશ્વાસન આપી સમજાવી પણ રાત પડતાં જ રત્નમંજરી ગુણકાના ઘરમાંથી નાસી છૂટી અને ‘બચાવો…બચાવો’ ની બુમરાણ મચાવી દીધી. તેની બુમરાણ સાંભળતાં જ લોકો ભેગા થઈ ગયા અને તેને પૂછ્યું: “હે બહેન ! આમ અડધી રાતે બૂમો કેમ પાડે છે? તું આટલી કેમ ગભરાયેલી લાગે છે?”

રત્નમંજરી બોલી : “મારા પતિ નગરમાં ખાવાનું લેવા ગયા, તે પછી પાછા આવ્યા નથી. તેમના વગર હું જીવી શકું તેમ નથી. એટલે હું નદીકિનારે ચિતા સળગાવી બળી મરીશ”

લોકોએ તેને ઘણી સમજાવી, છતાં તે નદીકિનારે જઈ ચિતા સળગાવી અને મરવાની તૈયારી કરવા લાગી. આ વાત વાયુવેગે ગામમાં ફેલાઈ ગઈ.

આ બાજુ વિક્રમ રાજા ખાવાનું લઈને ઝાડ નીચે આવ્યા. પણ ત્યાંરત્નમંજરીને ન જોતાં તેમણે નગરમાં ગલીએ ગલીએ તેની શોધખોળ કરી મૂકી. નગરમાં તેમના કાને વાત મળી કે કોઈ રૂપાળી સ્ત્રી પતિના વિયોગમાં ચિતા સળગાવી બળી મરે છે. એટલે તેઓ તરત જ નદીકિનારે આવ્યા. રત્નમંજરીને જોતાં તેને ભેટી પડ્યા.

ત્યાંના રાજાને ખબર પડી કે “આ તો વિક્રમ રાજા છે, એટલે માનપાનથી વાજતે-ગાજતે પોતાના મહેલે લઈ ગયા, અને થોડાં દિવસ મહેમાનગતિ માણવા કહ્યું. એવામાં ત્રંબાવટી નગરીના રાજાને ખબર પડી કે પોતાની રાજકુંવરી રત્નમંજરી બાજુના નગરમાં છે, એટલે તરત તે રાજમહેલે આવ્યો. રત્નમંજરી પિતાને જોઈને ભેટી પડી અને તેમની સાથે વિક્રમ રાજાની ઓળખાણ કરાવી, ત્રંબાવટીના રાજાએ પોતાની દીકરી અને જમાઈને પોતાને ત્યાં તેડી ગયા અને થોડા દિવસ રાખી પુષ્કળ પહેરામણી આપી વિદાય કર્યા. વિક્રમ રાજા રત્નમંજરીને લઈ ઉજ્જયિની આવ્યા. રત્નમંજરીને આવેલી જોઈ નિર્મળદમનીને ખૂબ આનંદ થયો, અને બંને સહેલીઓ એકબીજાને ભેટી પડી.

બીજે દિવસે વિક્રમ રાજાએ રાજદરબાર ભર્યો અને તેમાં ધાંચણ દેવદમનીને તેડાવી. શરત પ્રમાણે પોતે પ્રાપ્ત કરેલો ત્રીજો અભયદંડ બતાવ્યો અને સર્વ હકીક્ત કહી જણાવી, ચોથા દંડનું રહસ્ય જણાવવા ભલામણ કરી ત્યારે દેવદમની બોલી :

“હે રાજન ! ચોથા દંડ માટે તો તમારે દૂર જવાની જરૂર નથી. આ ઉજ્જયિની નગરીમાં વીરભટ્ટ નામે એક બ્રાહ્મણ રહે છે. તેને એક રૂપાળી દીકરી છે. તેની ચર્ચા જુઓ, સાવધ રહેશો તો ચોથો દંડ પ્રાપ્ત થશે, ભોળવાઈ જશો તો ગુમાવશો.”

રાજા તો મજૂરનો વેશ લઈ નીકળી પડ્યા ને વીરભટ્ટના ઘર આગળ આવીને બેઠા. રાતના બે પહોર વીત્યા કે વીરભટ્ટની રૂપાળી દીકરી સુંદર વસ્ત્ર આભૂષણોમાં સજ્જ થઈ હાથમાં ‘પાતાળદંડ’ લઈને ઘરમાંથી બહાર નીકળી. રાજાએ તેનો પીછો કર્યો વીરભટ્ટની દિકરી ચાલતી ચાલતી ચૌટે આવી, રાજા પણ પાછળ આવ્યો.

થોડી-વારમાં એક પ્રધાનની દીકરી. એક વાણિયાની દીકરી અને એક ક્ષત્રિયની દીકરી આવી. ચારે જણી ભેગી થઈ ચૌટામાંથી લગ્નની સામગ્રી કુંકુમ, શ્રીફળ, સોપારી, નાડાછડી, ચૂંદડી, ચૂડો અને વસ્ત્રોનું એક પોટલું ભેગું કર્યું. હવે આટલું મોટું પોટલું ઊંચકે કોણ? સૌ એકબીજીને કહેવા લાગી કે તું લે ? છેવટે એક મજૂરને બોલાવવાનું નક્કી કર્યું.

વિક્રમ રાજા ત્યાં મજૂર વેશે આવી ગયા અને બોલ્યા: “તમારે મજુર જોઈએ છે?”

ચારે જણી એકીસાથે બોલી : “હા…હા… અમે તો મજૂરની શોધમાં હતા. ચાલ, આ પોટલું ઉપાડી અમારી પાછળ ચાલ”

વિક્રમ રાજાએ મજૂર થઈને સામાનનું પોટલું ઉપાડી લીધું ચારે સહેલીઓ રાતના અંધકારમાં ચાલતી ચાલતી હરસિદ્ધ માતાના મંદિરે આવી પહોંચી અને મજૂરને સામાન સાથે બહાર બેસાડી અંદર માતાનાં દર્શને ગઈ. ચાર સહેલીઓએ ભક્તિ-ભાવથી માતાજીની સ્તુતિ ને પૂજા કરી એટલે માતાજી પ્રક્ટ થયાં અને બોલ્યાં : “આજે ચારે સહેલીઓ એકસાથે કેમ અહીં આવી છો ?”

ચારે એકીસાથે બોલી : “અમારી એક સહેલી કુમકુમવતી પાતાળમાં રહે છે. આજે તેના લગ્ન છે. અમારી પાંચ જણની એવી ટેક હતી કે એક જ વરને પરણવું, એટલે આજે કુમકુમવતીના વરની સાથે અમારાં લગ્ન થવાનાં છે, અમારે પાતાળમાં જવું છે, તો અમને પાતાળમાં જવાનો રસ્તો બતાવો.”

માતાજીએ કહ્યું : “દંડ વડે જમીન પર ત્રણ લીટા કરો એટલે જમીન ચીરાઈ જશે અને પાતાળમાં જવાનો રસ્તો થઈ જશે.”

તરત જ બ્રાહ્મણ કન્યાએ દંડ વડે જમીનમાં ત્રણ લીટા કર્યો. કે ત્યાં જ જમીન ચીરાઈ ગઈ અને પાતાળમાં જવાનો રસ્તો થઈ ગયો. આગળ ચારેય સહેલીઓ અને પાછળ મજૂર પાતાળમાં ગયા. ત્યાં એક સુંદર નગર આવ્યું. નગરની બહાર મોટું સરોવર હતું. ચારેય સહેલીઓ કપડાં, દાગીના અને દંડ મજૂરને સોંપી પાણીમાં નાહવા પડી. આ તકનો લાભ લઈ મજૂરના વેશમાં રહેલા વિક્રમ રાજાએ વૈતાળને યાદ કર્યો. એટલે વૈતાળ હાજર થયો. વિક્રમ રાજાની સૂચનાથી તેણે ત્યાં પડેલાં કપડાં, દાગીના અને પાતાળદંડ ઉઠવી લીધા.

થોડી વારમાં ચારેય સહેલીઓ નાહી રહી અને તેમણે બદલવા કપડાં માગ્યાં. એટલે વિક્રમે કહ્યું: “અહીં તો કાંઈ જ નથી. કોણ જાણે કોણ ચોરી ગયું? તમે નાહતાં હતાં તેથી હું તો અવળો બેઠો હતો.”

ચારેય સહેલીઓ મજૂર ઉપર ચિડાઈ ગઈ. છેવટે તેમણે મજૂરને નગરમાં કુમકુમવતીને ત્યાં મોકલ્યો, અને સર્વ હકીકત જણાવી કપડાં લાવવા કહ્યું. વિક્રમ રાજા કુમકુમવતીનું ઘર પૂછતા પૂછતા નગરમાં ગયો અને તેને ચારેય સહેલીઓ સાથે બનેલી હકીકત કહી જણાવી અને કપડાં અને દાગીના લઈ સરોવર પાસે આવ્યો.

ચારેય સહેલીઓ તે પહેરી મજૂર સાથે નગરમાં આવી. પાંચેય સહેલીઓ મળી. એટલામાં ઢોલ, ત્રાંસા અને શરણાઈના અવાજ સંભળાયા. જાન આવી પહોંચી. વિક્રમ રાજાએ વૈતાળને કહ્યું : “વરરાજાને ઉપાડી નાસી જા.”

વૈતાળે વરરાજાને ઉઠાવી લીધો. જાનમાં કોલાહલ મચી ગયો. પાંચેય સહેલીઓ મૂંઝાઈ ગઈ. હવે શું કરવું ? છેવટે હાલ પૂરતું મજૂર સાથે પરણવાનું નક્કી કર્યું. વરરાજા મળી જશે એટલે મજુરને મારીને કાઢી મૂક્યો. આમ વિચારી બ્રાહ્મણપુત્રી મજૂરને ચોરીમાં ખેંચી લાવી અને પાંચેય સહેલીઓએ તેની સાથે મંગલફેરા ફર્યા.

પછી વિક્રમ રાજાએ પોતાનું ખરું સ્વરૂપ પ્રગટ કર્યું. તેમણે પોતાનું ખરું નામઠામ બતાવી દીધું. વિક્રમ રાજા જેવો વર મળવાથી પાંચેય સહેલીઓના આનંદનો પાર રહ્યો નહિ. વિક્રમ રાજા પાંચેય કન્યાઓ અને દંડ લઈ ઉજ્જયિની આવ્યા. હવે રાજા પાસે ચાર દંડ ભેગા થયા હતા.

વિક્રમ રાજાએ બીજા દિવસે રાજદરબાર ભરી દેવદમનીને બોલાવી અને ચોથો દંડ બતાવ્યો અને સર્વ હકીકત કહી જણાવી પાંચમા દંડનું રહસ્ય જણાવવા ભલામણ કરી.

દેવદમનીએ કહ્યું : “હે રાજન ! આ ઉજ્જયિની નગરીમાં ધનવંત નામનો વૃદ્ધશેઠ રહે છે. તેમના ઘરની ચર્ચા જુઓ.”

રાજાએ દરબારમાં ધનવંત શેઠ વિશે પૂછ્યું, ત્યારે પ્રધાને કહ્યું : “આપણા ગામમાં સાત ધનવંત શેઠ રહે છે. એ ધનવંતમાંથી આપને કોની જરૂર છે તે શી રીતે સમજાય?”

વિક્રમ રાજા બોલ્યા: “મારે વૃદ્ધ ધનવંત શેઠની જરૂર છે” . તેવામાં એક વૃદ્ધ પ્રધાન બોલ્યો: “મહારાજ! હું એ ધનવંતને ઓળખું છું. તે એકસો બાર વરસનો છે. છતાં શ્યામકુંવરી નામની સોળ વરસની કન્યાને પરણ્યો છે. તે બહુ ઘાર્મિક સ્વભાવની છે.”

રાજાએ પૂછ્યું : “શ્યામકુંવરી આટલા વૃદ્ધ શેઠ સાથે કેમ પરણી?”

પ્રધાને કહ્યું: “તેને સોળ વર્ષની ઉમરે જ પુરુષ પ્રત્યે તિરસ્કાર ઉપજ્યો હતો, તેથી તેના મા-બાપે તેને પરણાવી દેવાનો વિચાર કર્યો. તેમણે શ્યામકુંવરીને ઘણી સમજાવી ત્યારે તેણે ઘરડા સાથે પરણવાનો વિચાર જણાવ્યો. મા-બાપને થયું કે ગમે તે રીતે શ્યામકુંવરી પરણશે તો ખરીને !’ એમ વિચારી તેમણે શ્યામ કુંવરીના લગ્ન ધનવંત શેઠ સાથે કરી દીધા. શ્યામકુંવરીને હતું કે શેઠ સાથે લગ્ન કરું તો શાસ્ત્રની આજ્ઞા પળાય અને શેઠના મૃત્યુ પછી દીક્ષા પણ લઈ શકાય. તે પતિની પૂરા તનમનથી સેવાચાકરી કરે છે.”

મધરાત થતા વિક્રમ રાજા પ્રધાનના બતાવ્યા મુજબના ધનવંત શેઠની હવેલીએ અદશ્ય સ્વરૂપે દાખલ થયા. તે ચારેક દિવસ અદશ્ય થઈ શ્યામકુંવરીની ચર્ચા જોવા લાગ્યા. એક દિવસ મધરાતનો સમય થયો. શયનગૃહમાં શેઠ શેઠાણીની સેવા કરતા હતા. થોડી જ વારમાં શેઠ ઊંધી ગયા, ત્યારે જવાન શેઠણી જાગતા બેઠાં રહ્યાં. તેમને ઊંઘ આવી નહિ. વિક્રમ રાજા પણ ત્યાં જ લપાઈ બેઠા હતા.

થોડી વારે એક ચોર ઘરમાં ચોરી કરવા પેઠો. તે શયનગૃહમાં આવ્યો કે જુવાન શેઠાણીની નજર ચોર ઉપર પડી. ચોરનો રૂપાળો દેહ અને યુવાની જોઈને શેઠાણી તેના પર મોહિત થઈ ગયા. હ્રયમાં કામ પ્રગટ્યો. તેમણે ચોરને કહ્યું: “હું મારા વૃદ્ધ પતિ સાથે જરાય સુખ ભોગવી શકતી નથી. તું મને વરે તો માગે તેટલું ધન આપું.”

ચોરે કહ્યું: “હે સુંદરી! તમારા ઘણી જીવતા છે, ત્યાં સુધી હું તમને શી રીતે વરું?”

શેઠાણી તો કામાવેશમાં એવી ભાન ભૂલી હતી કે તેણે તરત જ સૂતેલા શેઠને ગળે ટૂંપો દીધો. ઘડી વારમાં તો શેઠનો દેહ ઢળી પડ્યો. પછી ચોરને રીઝવવા શેઠાણી શણગાર સજવા લાગ્યા. આ તકનો લાભ લઈ અદશ્ય રહેલા વિક્રમ રાજાએ તરત જ તલવારના એક જ ઝાટકે ચોરનું માથું ધડથી અલગ કરી દીધું. ચોરનું પ્રાણપંખેરું ઊડી ગયું.

શેઠાણી ચોરની આવી હાલત જોઈ ગભરાઈ ગયાં. તેમને થયું કે જરૂર કોઈ મારું પાપ જાણી ગયું છે. એટલે તેણે પોતાના પતિનું મસ્તક તલવારથી કાપી નાખ્યું. અને જોર જોરથી બૂમાબૂમ કરી મૂકી: “ચોરે શેઠને મારી નાખ્યા” અને જોર જોરથી રડવા લાગી.

થોડી વારમાં તો હવેલીમાં લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું. બધા શયનગૃહમાં બે શબ પડેલાં જોઈને આશ્ચર્યમાં પડી ગયા. બધા એ રડતી શેઠાણીની વાત સાચી માની. પણ ખરી હકીકત તો માત્ર અદેશ્ય સ્વરૂપે રહેલા વિક્રમ રાજા જ જાણતા હતા.

શેઠાણી પોતાનું પાપ ઢાંકવા વાળ છૂટા કરી મોટે મોટેથી બોલવા લાગી : “શેઠ વગર હવે હું જીવી શકું તેમ નથી. હું પણ તેમની પાછળ બળીને સતી થઈશ”

થોડી વારમાં બધા સ્મશાને પહોંચ્યા. શ્યામકુંવરી પતિ પાછળ સતી થાય છે તે વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. બધા સતીની જયજયકાર કરવા લાગ્યા. રાજાને પણ આ વાત મળતાં તે સ્મશાને આવી પહોંચ્યા. તેમણે સતીની નજીક આવી પ્રણામ કરી કહ્યું :

 “અરે બાઈ ! શા માટે બળી મરે છે? હજુ તો તું જુવાનજોધ છે. ઘરડા પતિ સાથે તે કાંઈ સુખ પણ ભોગવ્યું નથી. માટે બળી મરવા કરતા ખાઈપીને લહેર કર હું તારી બધી વાત જાણું છું. ગઈ રાતે હું ત્યાં જ હાજર હતો. તે જ તારા વૃદ્ધ પતિને મારી નાખ્યો છે. અને ચોરને મેં મારી નાખ્યો હતો.

રાજાનાં વચનો સાંભળી શ્યામકુંવરી ગભરાઈ ગઈ. તે ગળગળા અવાજે રાજાને વિનવવા લાગી : “હે રાજન! મને માફ કરો! મારી ઇજ્જત આબરૂ તમારા હાથમાં છે. હું પતિ પાછળ સતી થવાની છું, માટે મારે પગે પડી મારી આશિષ મેળવો. આખા જગતમાં છળકપટ ચાલે છે. તમારે જાણવું હોય તો કૂંચી કંદોયણને ત્યાં જઈને તેની ચર્ચા જુઓ”

રાજાએ તેને સતી થવાની રજા આપી, અદેશ્ય સ્વરૂપે કોચી કંદોયણને ઘેર ગયા, કે તરત જ કોચી કંદોયણે તેમને આવકાર આપી બોલી : “પધારો મહારાજ ! આજ તમારા પુનિત પગલાં મારે ત્યાં ?”

આ સાંભળી વિક્રમ રાજાને નવાઈ લાગી. તેમણે પૂછ્યું: “હું તો અદશ્ય સ્વરૂપે હતો, છતાં તેં મને કેવી રીતે જોયો ?”

કોચીએ કહ્યું : “મહારાજ! મારી પાસે એક જ્ઞાનદંડ છે, એના પ્રતાપે હું અદશ્ય વસ્તુ જોઈ શકું છું અને સામેના મનની વાત જાણી શકું છું.”

રાજા બોલ્યા : “હું એક વાત જાણવા આવ્યો છું કે સ્ત્રી માત્રમાં કોઈ એબ હોય છે અને આ બાબતની ખાતરી કરાવ.”

કોચી કંદોયણે વિક્રમ રાજાને કહ્યું: “મહારાજ! હું તમને એક લાકડાની પેટીમાં પૂરી દઉં. આ પેટીમાં એવી તિરાડો છે કે બહાર શું બને છે તે જોઈ શકાય અને બહારની વાતચીત કાને સાંભળી શકાય.

કોચીએ તો રાજાને પેટીમાં પૂર્યા. થોડી વારમાં ત્યાં રાજાનો પ્રધાન આવ્યો. તેણે કંદોયણને કહ્યું: “મારે રાણી સાથે પ્રીત છે. હું તેના મિલન માટે તડપી રહ્યો છું. મને ગમે તે યુક્તિથી તેની પાસે પહોંચાડો તો તમારો ઉપકાર હું જિંદગીભર નહિ ભૂલું.”

કંદોયણે તેને પેટી ઉપર બેસાડી ત્રણ ટકોરા માર્યા કે તરત જ પેટી ઊડી અને રાણીના મહેલમાં જઈને પડી રાણી પ્રધાનને જોતાં જ ખૂબ જ હર્ષઘેલી થઈ ગઈ. પછી બંને પલંગ પર બેસી એકબીજાને વળગી આનંદ-પ્રમોદની વાતો કરવા લાગ્યાં.

તે પેટીમાં રાજા પુરાયેલા હતા. તેઓ અંદર બેઠા બેઠ પોતાની રાણીની લીલા જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. પણ તેમને તો સ્ત્રીના ચરિત્રની લીલા જોવી હતી, તેથી તેઓ ચૂપ રહ્યા. સવાર પડવાની તૈયારી થતાં જ પ્રધાન પેટી પર બેઠો કે તરત જ પેટી ઊડીને કોચી કંદોયણના ઘરે આવી ગઈ. પ્રધાને કોચી કંદોયણનો આભાર માની ત્યાંથી વિદાય લીધી. પછી કોચી વિક્રમ રાજાને પેટીમાંથી બહાર કાઢ્યા અને કહ્યું: “હે રાજન! જોઈને તમારા મહેલની પોલ આ રીતે આખું જગત પોલું છે. હવે ખાતરી થઈને?”

પછી કોચીએ જ્ઞાનદંડના પ્રતાપે ગોરખધંધાનાં અવનવાં દ્રશ્યો ભીંત ઉપર બતાવવા માંડ્યા. તેણે ધરમીઓનાં પાપ, ધનિકોની લુચ્ચાઈ, પંડિતોના પોલ અને સતીઓના છળ બતાવ્યાં. રાજા તો આ જોઈ આભા જ બની ગયા. રાજાએ કોચીને તેની અપૂર્વ સિદ્ધિ માટે ધન્યવાદ આપ્યાં કોચીએ પોતાનો જ્ઞાનદંડ રાજાને આપ્યો અને કહ્યું: “લોકોના જનકલ્યાણ માટે એનો ઉપયોગ કરજો.”

વિક્રમ રાજા જ્ઞાનદંડ લઈ પોતાના મહેલે આવ્યા. હવે રાજા પાસે પાંચ દંડ ભેગા થઈ ગયા હતા. તેઓ પાંચેય દંડ લઈ દેવદમનની અભેદ ભીંત પાસે ગયા અને તે ભીંત પર વારાફરતી પ્રહાર કર્યો કે ભીંતો અદેશ્ય બની ગઈ અને માર્ગ ખુલ્લો થઈ ગયો. રાજાએ આ પાંચેય દંડ વડે ઘણાં પરોપકારનાં કામો કર્યા.

હંસા પૂતળીએ વાર્તા પૂરી કરતાં કહ્યું : “હે ભોજ રાજા, આટલી સાહસવૃત્તિ અને પરાક્રમ તમારામાં હોય તો જ આ સિંહાસન ઉપર બિરાજી શકો છો.”

આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાર્ગે ઊડી ગઈ.

Also Read :

6. અબોલા રાણીની વાર્તા

Leave a Reply