11 Gujarati Bal Varta । 11. બાપા-કાગડો!

11 Gujarati Bal Varta
11 Gujarati Bal Varta

11 Gujarati Bal Varta । 11. બાપા-કાગડો!

11 Gujarati Bal Varta. 11 બાપા-કાગડો! વાર્તા વાંચો. ગુજરાતી વાર્તા. ગુજરાતી બાળવાર્તા. Gujarati Bal Varta Story. Gujarati Varta Story. Gujarati Varta.

એક હતો વાણિયો. વાણિયાને છ-સાત વરસનો એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહિ. કોઈ દિવસ પોતે ખિજાઈ ન જાય. હંમેશાં ઘેલિયાભાઈ કહે તેમ કરે.

એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી બાપનો ખોળો ખૂંદવા લાગ્યો ને જે તે પૂછવા લાગ્યો. એટલામાં, દુકાનની સામે એક ઝાડ હતું. તેના પર એક કાગડો આવીને બેઠો ને ‘કો-કો’ કરવા લાગ્યો. ઘેલિયાએ કાગડાને જોયો, એટલે તેની તરફ આંગળી કરીને બાપને કહ્યું : ‘બાપા-કાગડો!’ બાપા કહે : ‘હા, ભાઈ! કાગડો.’

ફરી વાર છોકરે બાપનો હાથ પકડી કહ્યું : ‘બાપા-કાગડો!’ બાપાએ એટલી જ ધીરજથી કહ્યું : ‘હા, ભાઈ! કાગડો’. જવાબ આપીને બાપ દુકાનના કામમાં જરા રોકાયો, એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવી કહ્યું : ‘જુઓ તો બાપા-કાગડો!’

બાપે ધંધામાંથી ધ્યાન કાઢી ઘણી શાંતિથી કહ્યું : ‘હા, બેટા! કાગડો.’

છોકરાને આટલાથી સંતોષ થયો નહિ. બાપ પાછો પોતાના કામમાં રોકાયો, ત્યાં તેની પાઘડી ખેંચી વળી બોલ્યો : ‘બાપા-કાગડો!’

બાપે જરા પણ ચિડાયા વિના કહ્યું : ‘હા, ભાઈ! કાગડો – હં.’ છોકરો તો વેને ચડ્યો ને વળી બોલ્યો : ‘જુઓ તો ખરા! બાપા-કાગડો!’

બાપે ચોપડો લખતાં લખતાં છોકરા સામે જોઈને વળી કહ્યું : ‘હા હોં, બેટા! કાગડો. એ કાગડો છે હં.’

થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો, અને વળી ઘૂરી આવી હોય તેમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો : ‘બાપા-કાગડો!’

બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું : ‘હા, ભાઈ! કાગડો.’ આ રીતે છોકરો તો વારેવારે બાપને ‘બાપા-કાગડો!’ ‘બાપા-કાગડો!’ એમ ચીંધતો ગયો, ને બાપ ‘હા, ભાઈ, કાગડો’ ‘હા, ભાઈ, કાગડો!’ એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાક્યો અને ‘બાપા-કાગડો’ બોલતો બંધ પડ્યો.

બાપ વાણિયો હતો, શાણો હતો. છોકરો જેમ જેમ ‘બાપા-કાગડો!’ ‘બાપા-કાગડો!’ બોલતો ગયો તેમ તેમ તે પોતાના ચોપડામાં ‘બાપા-કાગડો!’ ‘હા, ભાઈ! કાગડો’ એ પ્રમાણે લખતો ગયો. છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર એકસો વાર ‘બાપા-કાગડો’ ‘હા, ભાઈ! કાગડો’ લખાયેલું હતું. ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશે, એમ ધારી ડાહ્યા વાણિયાએ ચોપડાને સાચવીને જૂનાં દફતરોમાં મુકાવ્યો.

આ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં. વાણિયો છેક ઘરડો થઈ ગયો હતો; ને પેલો ઘેલિયો ત્રીશ વર્ષનો જુવાન થઈ ગયો હતો. ઘેલિયો તો હવે મોટો શેઠ બની રહ્યો હતો અને વેપાર ધમધોકાર ચાલતો હતો. ‘ઘેલિયો’ સઘળે ‘ઘેલાશા’ ‘ઘેલાશા’ થઈ પડ્યો હતો ને તેનું બધેય બહુ માન હતું. પરંતુ ઘરડો વાણિયો દુ:ખી હતો.

ઘેલાશા તેને બહુ દુ:ખ આપતો હતો. બાપ બહુ કંટાળ્યો, એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછેર્યો હતો એ તેને યાદ આપવાનો તેણે વિચાર કર્યો. એક દિવસ ઘરડો વાણિયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલાશાની ગાદીએ ચડીને બેઠો. બાપને જોઈને દીકરો ચિડાયો ને મનમાં બબડ્યો : ‘આ ડોસો વળી અહીં ક્યાં આવ્યો? નકામો ટકટકાટ કરશે અને મારો જીવ ખાશે!’

થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ ટાઢે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો!’ ઘેલાશા તો ડોસાના પ્રશ્નથી જ વિચારમાં પડ્યા અને ચિડાઈને બોલ્યા : ‘હા, બાપા! કાગડો.’

ડોસાએ વળી કહ્યું : ‘ભાઈ-કાગડો!’ ઘેલાશાએ જરા વધારે ચિડાઈને અને કાંઈક તિરસ્કારથી જવાબ વાળ્યો : ‘હા, બાપા! કાગડો.’

ડોસાએ જાણ્યું કે દીકરો ચિડાય છે. પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતો, તેથી પૂરેપૂરી શાંતિ રાખી ફરી બોલ્યો : ‘ભાઈ-કાગડો!’

ભાઈ તો હવે ભભૂકી ઊઠયા : ‘હા, બાપા! કાગડો. હા, એ કાગડો છે. એમાં વારે વારે ‘ભાઈ-કાગડો!’ ‘ભાઈ-કાગડો!’ એમ શું બોલ્યા કરો છો? મને મારું કામ કરવા દો ને!’ કહીને ઘેલાશા આડું મોં કરીને પોતાને કામે લાગ્યા.

ઘરડો વાણિયો કંઈ કાચો ન હતો. તેણે ઘેલાશાનો હાથ પકડી, કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો!’ હવે ઘેલાશાનો મિજાજ ગયો. તેણે વિચાર્યું : ‘આ ડોસો જો ને નકામો ‘ભાઈ-કાગડો’ લવ્યા કરે છે! નથી કાંઈ કામ કે કાજ. નવરો પડ્યો એટલે નકામો લવારો!’

તેણે ડોસા સામે જોઈ કહ્યું : ‘બાપા! ઘેર જાઓ. અહીં તમારું શું કામ છે? દુકાને કામકાજમાં નાહક શા માટે ડબડબ કરો છો?’ શાંતિથી જરા હસી, કાગડા સામી આંગળી કરી, ડોસો બોલ્યો : ‘પણ, ભાઈ-કાગડો!’

‘હા, બાપા! કાગડો-કાગડો-કાગડો! હવે તે કેટલી વાર કાગડો બોલશો? અને કાગડામાં તે શું છે તે ‘કાગડો’ ‘કાગડો’ કરો છો?’ ડોસો ફરી વાર આંગળી કરી ‘ભાઈ-કાગડો!’ એમ બોલે તે પહેલાં ઘેલાશાએ વાણોતરને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું. કાગડાને ઉડાડી મુકાવ્યો. પછી લખતો લખતો, પોતાના મનમાં બળતો મોટેથી બબડ્યો : ‘ખરેખર, સાઠે બુદ્ધિ નાઠી તે બરાબર સાચું છે. આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે.’

ડોસાની આંખે આંસુ આવ્યાં. તેણે જૂના વાણોતરને બોલાવીને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના હાથમાં ‘બાપા-કાગડો!’ ‘હા, ભાઈ! કાગડો’ લખેલું પાનું મૂકયું. ઘેલાશાને તેના બાળપણની સઘળી હકીકત વાણોતરે કહી સંભળાવી.

ઘેલાશા તરત બધું સમજી ગયો; દીકરાએ બાપાની માફી માગી અને તે દિવસથી બાપનું ખરા દિલથી માન રાખવા લાગ્યો.

આ વાર્તા પણ વાંચો :

12. ઉંદર સાત પૂંછડિયો

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top