10 Gujarati Bal Varta । 10. ભેંશ ભાગોળે, છાશ છાગોળે
10 Gujarati Bal Varta. 10 ભેંશ ભાગોળે, છાશ છાગોળે વાર્તા વાંચો. ગુજરાતી વાર્તા. ગુજરાતી બાળવાર્તા. Gujarati Bal Varta Story. Gujarati Varta Story. Gujarati Varta.
એક નાનું સરખું ગામ હતું. એક વાર પાદરે ભેંશો વેચાવા આવી. ગામમાં એક પટેલ રહે. તેની પાસે કોઈ દૂઝાણું નહિ. એને થયું કે હું એક ભેંશ લઉં. જઈને પટલાણીને કહે – સાંભળ્યું કે? આપણે એક ભેંશ લેવી છે. આંગણે ભેંશ હોય તો સારું. છોકરાં છૈયાંને દૂધ મળે; બાકી મેળવીએ એનું દહીં થાય, ઘી થાય; ને જે સરસ મજાની છાશ થાય તે આડોશી પાડોશીને અપાય.
પટલાણી કહે – એ બધું ઠીક પણ આવી જાડી રેડ જેવી છાશ મારે મારા પાડોશીને નથી આપવી. છાશ તો હું મારાં પિયરિયાંને જ આપીશ.
પટેલ કહે – તે એકલાં તારાં પિયરિયાં જ સગાં, ને મારાં સગાં તો કાંઈ નહિ, કાં? એમ છાશ નહિ અપાય.
પટલાણી કહે – નહિ કેમ અપાય? અપાશે ! ઘર તો મારું ય છે ને? ને ભેંશ તો મારી યે તે, ને તમારી યે તે. બહુ બહુ તો દૂધ તમારાં સગાંને, પણ છાશ તો મારાં પિયરિયાંને!
પટેલ કહે – જોયો છે આ ડંગોરો!
પટલાણી કહે – તમારાં સગાંને આપો! આમ કરતાં વાત વધી પડી ને પટેલ-પટલાણી લડી પડ્યાં!
એક તો બેઉ અજડ – ને એમાં વઢવાડ થઈ. પછી જોઈ લ્યો! પરોણી લઈને પટેલે પટલાણીને સબોડી નાખ્યાં! ઘરમાં હો-હો થઈ રહ્યું. આડોશી પાડોશી દોડી આવ્યાં.
બધાં પૂછે – છે શું, પટેલ? આ શું માંડ્યું છે?
પટલાણી ફરિયાદ કરતાં કહે – જુઓ તો બાપુ, આ વાંસામાં સોળ ઊઠ્યા છે તે! પટેલનો કાંઈ હાથ છે. મને ઢીબી નાખી!
પટેલ કહે – તે કોકની જીભ ચાલે, ને કોકનો હાથ ચાલે!
પાડોશી પૂછે – પણ છે શું? કજિયો શાનો છે?
પટલાણી કહે – અમારો કજિયો તો છાશનો છે. પટેલ કે છે કે, છાશ તારાં પિયરિયાંને નહિ! તે નહિ શું કામ? દૂધ ભલેને એનાં સગાં ખાય; મારાં પિયરિયાં સુધી છાશે નહિ? એ મારે નહિ ચાલે!
ત્યાં તો પાછા પટેલ ખિજાયા ને પરોણી લઈને દોડ્યા. પાડોશમાં એક ઠાવકો વાણિયો હતો. તેણે વિચાર્યું : અરે, ભેંશ તો હજી ભાગોળે છે, છાશ છાગોળે આવી નથી ને આ ધમાધમ શાની?
વાણિયો હતો યુક્તિવાળો. જઈને કહે – પટેલ, પટેલ! વઢવાડ તમે પછી કરજો. પહેલાં મારું નૂકશાન ભરપાઈ કરો. આ તમારી ભેંશે હમણાં શિંગડું મારીને અમારી વંડી પાડી નાખી – તે ચણાવી આપો! આમ તમારાં ઢોર રઝળતાં મૂકી દેતાં શરમાતા નથી?
પટેલ કહે – અરે પણ! મારી પાસે ભેંશ વળી ક્યારે હતી તે તમારી વંડી પાડી નાખે?
વાણિયો કહે – ત્યારે તમે કઈ ભેંશની છાશ સારું લડો છો?
પટેલ-પટલાણી શરમાઈ ગયાં ને છાનાંમાનાં પોતાના કામે લાગી ગયાં.
આ વાર્તા પણ વાંચો :