Thirty Batris Putli Ni Varta Gujarati । 30. રૂપાવતીની વાર્તા

Thirty Batris Putli Ni Varta Gujarati
Thirty Batris Putli Ni Varta Gujarati

Thirty Batris Putli Ni Varta Gujarati । 30. રૂપાવતીની વાર્તા

ત્રીસમે દિને ત્રીસમી પૂતળી રેણુકાએ સિંહાસન પર બેસવા જતાં ભોજ રાજાને અટકાવી બોલી : “હે રાજન ! થોભો, આ સિંહાસન પર બેસશો નહિ. આ સિંહાસન તો પરાક્રમી અને પરગજુ રાજા વિક્રમનું છે” આમ કહી તેણે વિક્રમ રાજાના દયાળુપણાની ને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી:

ગુંદાવતી નામે નગરીના રાજા નરપતસિંહને રૂપાવતી નામે એક સુંદર કન્યા હતી. આ કન્યા નામ પ્રમાણે જ રૂપ રૂપનો અંબાર હતી. તેને અણિયાળી આંખો, કબૂતર જેવી ડોક, કમળ જેવા ગાલ, મૃગ જેવાં વિશાળ નેત્રો, ભમરાની પાંખ જેવી પાપણો હતી. જાણે સ્વર્ગની અપ્સરા.

રાજાએ કુંવરીને વિદ્યાભ્યાસ કરવા માટે એક પંડિતની પાઠશાળામાં મૂકી. કુંવરી રોજ પાઠશાળામાં ભણવા જતી. આ પંડિતને વિદ્યાનિધિ નામે એક યુવાન પુત્ર હતો. આ યુવાન પણ ખૂબ દેખાવડો હતો, તેથી રૂપાવતી આ યુવાન વિદ્યાનિધિ તરફ આકર્ષાઈ. આ બાજુ વિદ્યાનિધિ પણ તેને મનોમન પ્રેમ કરવા લાગ્યો. પરંતુ આ બંને એકબીજાનો પ્રેમ આંખો દ્વારા વ્યક્ત કરતાં.

થોડા દિવસ પછી કંઈક કારણોસર રૂપાવતીએ પાઠશાળામાં ભણવા આવવાનું બંધ કર્યું, તેથી પંડિત તેને મહેલે ભણાવવા જવા લાગ્યા. તેથી વિદ્યાનિધિ અને રૂપાવતી એકબીજાને જોઈ શક્યા નહિ. એક દિવસ વિદ્યાનિધિએ કુંવરીનું મન જાણવાનું મન થયું. આ માટે તેણે એક પત્રમાં સમસ્યા લખી અને તે પત્ર એક પુસ્તકમાં મૂકી પોતાના પિતાજીને આપ્યો ને કહ્યું : “પિતાજી આ પુસ્તક રૂપાવતીને વાંચવા માટે આપજો.”

પંડિતજી તો તે પુસ્તક લઈને મહેલે આવ્યા, અને તે રૂપાવતીને આપ્યું ને કહ્યું : “આ પુસ્તક વિદ્યાનિધિએ તમને વાંચવા માટે મોકલાવ્યું છે.” કુંવરી રૂપાવતી ચતુર હતી. તે સમજી ગઈ કે જરૂર આ પુસ્તકના બહાને વિદ્યાનિધિએ કોઈ સંદેશો મોકલાવ્યો હશે. તેણે તો તરત તે પુસ્તક લઈ બાજુના ખંડમાં ચાલી ગઈ ને પુસ્તકનાં પાનાં ફેરવવા લાગી.

રૂપાવતીને તે પુસ્તકમાંથી એક પત્ર મળ્યો. કુંવરી તો પત્ર જોઈ ખૂબ રાજી થઈ ગઈ ને અનેક વિચારોમાં ખોવાઈ ગઈ. આજે તેનું ભણવામાં ચિત્ત ચોંટ્યું નહિ. તે પંડિતજીના ઘરે જવાની રાહ જોવા લાગી. જેવા પંડિતજી તેને ભણાવીને ગયાં કે તરત રૂપાવતીએ તે પત્ર ખોલી વાંચવા માંડ્યો. તેમાં એક સમસ્યા લખી હતી.

આ પૃથ્વીથી મોટું કોણ ? અણુથી નાનો કોણ ?

પવનથી પ્રથમ કોણ ? દેવથી દાનો કોણ ?

ચંદ્રથી નિર્મળ કોણ ? અગ્નિથી તાતો કોણ ?

દૂધથી ઊજળું શું ? મદિરાથી માતો કોણ ?

રવિથી વધુ તેજ કોનું? સાકરથી ગળ્યું શું?

રૂપાવતી પણ હોશિયાર હતી. તેને થયું કે જરૂર વિદ્યાનિધિએ મારી પરીક્ષા કરવા માટે જ આ પત્રમાં સમસ્યાઓ લખીને મોકલી છે. તેણે તરત તે જ પત્રમાં તેનો ઉકેલ લખી દીઘો.

પૃથ્વીથી મોટો – દાતા, અણુથી નાનો – લોભી

પવનથી પ્રથમ – મન, દેવથી દાનો – વિવેક

ચંદ્રથી નિર્મળ – નીર, અગ્નિથી તાતો – ક્રોધ

દૂધથી ઊજળો – જશ, મદિરાથી માતો – અમલ

રવિથી વધુ તેજ – નેત્ર, સાકરથી ગળી – ગરજ

રૂપાવતી તે પત્ર વાળીને ફરી તે જ પુસ્તકમાં મૂકી દીધો. બીજે દિવસે જ્યારે પંડિત ભણાવવા આવ્યા ત્યારે રૂપાવતીએ “પુસ્તક વાંચી લીધું” તેમ કહી તે પુસ્તક પંડિતને આપી દીધું. પંડિત તો તે પુસ્તક લઈને ઘેર ગયા ને પાછું વિદ્યાનિધિને સુપરત કર્યું.

વિદ્યાનિધિએ તે પુસ્તકમાંથી પત્ર કાઢ્યો ને સમસ્યાના ઉત્તરો વાંચ્યા. તેને તે યોગ્ય લાગ્યા. રૂપાવતીને આટલી ચતુર અને બુદ્ધિશાળી જોઈને તે તેના તરફ વધુ આકર્ષાયો. આમ ઘણા સમય સુધી બંને વચ્ચે સમસ્યાઓ લખાતી અને જવાબો આવતા. જેમ જેમ સમસ્યાઓ અને જવાબોની આપલે થતી ગઈ તેમ તેમ રૂપાવતીના હ્રદયમાં પણ વિદ્યાનિધિ સાથે પરણવાના વિચાર દૃઢ થતા ગયા. તેણે પણ મન સાથે પ્રતિજ્ઞા કરી : પરણું તો એને જ પરણું બીજા ભાઈ ને બાપ.”

એક દિવસ રૂપાવતીએ વિદ્યાનિધિ પર પત્ર લખ્યો અને તેમાં તેનો આ વિચાર જણાવ્યો. તેણે આ પત્ર એક પુસ્તકમાં મૂકી પંડિતજીને આપ્યો. તે પુસ્તક પંડિતજીએ જઈને પોતાના પુત્ર વિદ્યાનિધિને આપ્યો. વિદ્યાનિધિએ પત્ર વાંચ્યો, વાંચતાની સાથે જ તેની આંખે અંધારા આવી ગયા. આવા પત્રની તો તેના મનમાંય પણ કલ્પના સુધ્ધાં નહોતી. તે તો ખૂબ જ મૂંઝાઈ ગયો. હવે શું કરવું તેના વિચારોમાં તે ખોવાઈ ગયો. તે વારંવાર કુંવરીનો પત્ર વાંચવા લાગ્યો. પત્રમાં લગ્ન માટે લખ્યું હતું ને તે માટે વિદ્યાનિધિને તેણે મહેલના બાગમાં મળવા માટે બોલાવ્યો હતો.

વિદ્યાનિધિ રૂપાવતીની જીદ જાણતો હતો. તેને થયું કે જો હું કુંવરીને મળવા નહિ જાઉ તો તે કદાચ આત્મહત્યા પણ કરી લે એ ભયથી વિદ્યાનિધિ સંધ્યા ટાણે રૂપાવતીને મળવા મહેલના બાગમાં ગયો. રૂપાવતી તેની રાહ જોતી ઊભી હતી. બંનેનું મિલન થયું. ઘણા સમય પછી બંને એકબીજાને મળ્યાં હતાં.

બંને પ્રેમથી એકબીજાને નિહાળવા લાગ્યાં. રૂપાવતીએ લગ્નની વાત છેડી. વિદ્યાનિધિએ પહેલા તો લગ્ન માટે ભય દર્શાવ્યો. તેણે કહ્યું : રૂપાવતી ! તમે ક્યાં રાજકુંવરી ને હું ક્યાં ગરીબ બ્રાહ્મણ ! આપણો મેળ કઈ રીતે ખાય? છતાં રૂપાવતી તો જીદ પકડીને જ બેઠી, કે લગ્ન કરવાં તો તમારી સાથે, નહિતર આખી જિંદગી કુંવારા રહેવું.

બ્રાહ્મણે કહ્યું: “રાજકુંવરી! તમે આવી હઠ કરવાનું મૂકી દો, હઠ કરવાથી નાહક કમોતે મરી જઈશું. માટે તમે કોઈ પ્રતાપી રાજકુમાર સાથે લગ્ન કરી સુખી થાવ.”

કુંવરી રૂપાવતીએ વિદ્યાનિધિને હિંમત આપીને કહ્યું: “તમે નાહકના ડરો છો. પ્રેમમાં કશું જોવાતું નથી. હું તો મનથી તમને મારા પતિ તરીકે વરી ચૂકી છું. તમે મારા પિતાથી ડરો છો, પણ હું મારો જીવ જતાં સુધી તમારું રક્ષણ કરીશ.”

વિદ્યાનિધિનો ભય દૂર થયો. તેણે તરત જ રૂપાવતી સાથે ગાંધર્વ લગ્ન કરી લીધાં. પછી બંને જણા વારંવાર એકાંતમાં મળવા લાગ્યાં ને આનંદ-વિનોદ કરતાં.

બંને જણાના મિલનથી રૂપાવતી ગર્ભવતી બની. ધીરે ધીરે રૂપાવતીનું શરીર બદલાવા માંડ્યું. રાજમહેલમાં અને આખા નગરમાં રૂપાવતીની ચર્ચા ચાલવા લાગી. રાજાને પણ કુંવરીનાં વર્તન ઉપર શંકા ઊપજી. તેમણે એક દસીને કુંવરી ઉપર નજર રાખવાનું કામ સોંપ્યું. દાસીએ રૂપાવતી ઉપર ધ્યાન રાખવાનું શરૂ કર્યું. તેણે એક દિવસ રૂપાવતી અને વિદ્યાનિધિને આનંદ-વિનોદ કરતાં જોઈ ગઈ. તેણે આ વાત રાજાને જણાવી. રાજા દાસીની વાત સાંભળી ગુસ્સે થઈ ગયા. તેમણે તરત વિદ્યાનિધિને ફાંસી આપવાનો હુકમ કરી દીધો.

રાજાએ પહેરેગીરોને બોલાવીને કહ્યું : તમે હમણાં ને હમણાં વિદ્યાનિધિને પકડી લાવો અને તેને કેદખાનામાં પૂરી દો.

પહેરેગીરો તરત પંડિતના ઘેર ગયા અને વિદ્યાનિધિને પકડીને કેદખાનામાં પૂરી દીધો. પોતાના પુત્રને આવી રીતે ઓચિંતા વગર વાંકે પકડી જવાથી પંડિત બેબાકળો બની રાજદરબારમાં આવ્યો. તેણે રાજાને પોતાના પુત્રને પકડી જવાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ કહ્યું: “હે ભૂદેવ! તારા પુત્રે ખૂબ મોટો ગુનો કર્યો છે. તેણે પોતાની હેસિયત જોયા વગર મારી કુંવરી સાથે ગાંધર્વ લગ્ન કરી દીધાં છે.

ધીરે ધીરે આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. બધાં જ કાંઈ કાંઈ કહેતા. કોઈ બ્રાહ્મણના નસીબને વખાણતા, તો કોઈ તેનું આવી બન્યું છે તેમ પણ કહેતા.

બીજે દિવસે રાજાએ જાહેર કર્યું કે વિદ્યાનિધિને કાલે સાંજે ફાંસીને માંચડે ચડાવી દો. ધીરે ધીરે આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ કે કાલે સાંજે વિદ્યાનિધિને ફાંસી આપવાની છે.

આ વાત નગરશેઠના છોકરાએ સાંભળી. તે ખૂબ પરગજુ હતો. તેને વિદ્યાનિધિ ઉપર દયા આવી, તે તરત વિદ્યાનિધિને મળ્યો. તેને આશ્વાસન આપ્યું ને કહ્યું : “ભાઈ ! તારી અંતિમ ઇચ્છા શું છે?

વિદ્યાનિધિએ કહ્યું : “ભાઈ ! હું અને રૂપાવતી એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. તે મારા વિયોગમાં ઝૂરતી હશે. ઘણા દિવસોથી હું તેને મળ્યો પણ નથી. મારી અંતિમ ઇચ્છા તેને એક વાર મળવાની છે. જો હું તેને નહિ મળું તો તે આત્મહત્યા કરશે.”

નગરશેઠના પુત્રે કહ્યું: “તને ફાંસી આવતી કાલે સાંજે થવાની છે. ત્યાં સુધી કેદખાનામાં તારી જગ્યાએ હું ગોઠવાઈ જાઉં, હું તારી જગ્યાએ બેસી રહીશ.”

વિદ્યાનિધિ તૈયાર થઈ ગયો. નગરશેઠના છોકરાએ પહેરેગીરોને આ માટે ઘણા સમજાવ્યા, ત્યારે તેઓ વિદ્યાનિધિની જગ્યાએ નગરશેઠના છોકરાને રાખવા તૈયાર થયા. નગરશેઠના છોકરાએ વિદ્યાનિધિનાં કપડાં પહેરી લીધાં અને પોતાનાં કપડાં વિદ્યાનિધિને આપ્યાં. બંનેએ એકબીજાનાં કપડાં પહેરી લીધાં. આમ નગરશેઠનો છોકરો વિદ્યાનિધિની જગ્યાએ ગોઠવાઈ ગયો. કુંવરીને મળવા ગયેલો વિદ્યાનિધિ તો ગયો તે ગયો. પાછો ફર્યો જ નહિ.

વિદ્યાનિધિ રૂપાવતીને મળવા જવાને બદલે ઉજ્જયિની નગરી પહોંચી ગયો. તેણે પરદુખભંજન વિક્રમ રાજાની ઘણી વાતો સાંભળી હતી. તેને થયું કે રાજા વિક્રમ મારું દુખ જરૂર દૂર કરશે. તે આશાએ તે રાજા પાસે ગયો. પોતાની બધી આપવીતી કહી સંભળાવી અને પોતાને આવતી કાલે સાંજે ફાંસી આપવાની છે અને તેની જગ્યાએ તે નગરશેઠના છોકરાને બેસાડ્યો છે તે વાત પણ કહી.

વિક્રમ રાજાએ.વિદ્યાનિધિની વાત સાંભળી તેમને થયું કે પ્રેમ કરવો એ કાંઈ ગુનો નથી. તેમાં કાંઈ રાજા કે રંક જોવાતું નથી. તે તો તરત વિદ્યાનિધિ સાથે મારતે ઘોડે ગુંદાવતી નગરીમાં આવ્યા.

આ બાજુ ફાંસીનો સમય થઈ ગયો હતો. વિદ્યાનિધિની જગ્યાએ નગરશેઠના પુત્રને લઈ જવામાં આવ્યો. થોડી વારમાં આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે “પંડિતના પુત્રને બદલે નગરશેઠનો પુત્ર ફાંસીને માંચડે લટકી જવાનો છે. આ સાંભળી આખું નગર ત્યાં એકઠું થઈ ગયું. નગરશેઠ પણ રડતાં રડતાં ત્યાં આવી ગયા. તેમણે રાજાને ઘણી વિનંતીઓ કરી, પરંતુ રાજાએ કહ્યું : “તમારા પુત્રે વિદ્યાનિધિની જગ્યા લીધી છે. માટે ફાંસીને માંચડે હવે તેને લટકાવવામાં આવશે.”

સમય થતાં નગરશેઠના પુત્રને ફાંસી આપવાની તૈયારી થઈ ગઈ. ત્યાં તો મારતે ઘોડે વિક્રમ રાજા અને વિદ્યાનિધિ આવી ગયા. વિક્રમ રાજા તરત નગરના રાજા નરપતસિંહને મળ્યા અને કહ્યું : “બ્રાહ્મણપુત્રને ફાંસી આપીને મારવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગે, માટે તું વિદ્યાનિધિને મારવાનું છોડી દે. વિદ્યાનિધિ અને તારી દીકરી રૂપાવતીએ ગાંધર્વ લગ્ન કરી દીધાં છે, માટે વિદ્યાનિધિ તો હવે તારો જમાઈ થયો.

તેને મારવાથી તારી દીકરીનું જીવતર નકામું થઈ જશે. અત્યારે તું વિદ્યાનિધિની બદલીમાં રહેલ વણિકપુત્રને ફાંસીએ ચડાવે છે. તે નિર્દોષ છે. માટે તેને સજા થાય તો તે અન્યાય કહેવાય જો તમારે કોઈને પણ ફાંસીને માંચડે ચડાવવાનો જ હોય તો મને ચડાવી દો.”

નરપતસિંહ રાજાએ તેમની ઓળખાણ માગી, ત્યારે વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી. તેમણે નરપતસિંહ રાજાને ઘણાં દૃષ્ટાંતો આપી સમજાવ્યો ને કહ્યું: “તું તારી દીકરીના લગ્ન વિદ્યાનિધિ સાથે કરી દે।” નરપતસિંહ રાજાને વિક્રમ રાજાની વાત યોગ્ય લાગી. તેમણે વિક્રમ રાજાની માફી માગી અને પંડિતના પુત્ર વિદ્યાનિધિનાં લગ્ન પોતાની રૂપાવતી કન્યા સાથે કરી દીધાં અને નગરશેઠના પુત્રને પણ જવા દીધો.

વિક્રમ રાજાએ વરકન્યાને આશીર્વાદ આપી ત્યાંથી પોતાની નગરીમાં આવવા નીકળી પડ્યા. આ વાતની લોકોને ખબર પડતા બધા વિક્રમ રાજાની વાહ વાહ બોલવા લાગ્યા.

રેણુકા પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું: “હે ભોજ રાજા ! વિક્રમ રાજા જેવા પરોપકારી રાજા જ આ સિંહાસન પર બેસી શકે.”

આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.

આ વાર્તા પણ વાંચો :

31. ભરથરીની વાર્તા

Spread the love
error: Content is protected !!
Scroll to Top