Ten Batris Putli Ni Varta Gujarati । 10. વિધાતાની વાર્તા

Ten Batris Putli Ni Varta Gujarati
Ten Batris Putli Ni Varta Gujarati

Ten Batris Putli Ni Varta Gujarati । 10. વિધાતાની વાર્તા

દશમે દિવસે રાજા ભોજ નાહી-ધોઈ પૂજાપાઠ કરીને જેવા સિંહાસન ઉપર બેસવા ગયા ત્યારે સુભદ્રા નામની પૂતળીએ તેમને સિંહાસન પર બેસતા અટકાવી બોલી : “હે રાજન ! આ સિંહાસન પર તો વિક્રમ રાજા જેવો પરદુખભંજન અને સિદ્ધ રાજા જ બેસી શકે” આમ કહી તેણે વિક્રમ રાજાના પરોપકાર અને પરાક્રમની નવી વાર્તા કહેવી શરૂ કરી.

એક દિવસ વિક્રમ રાજા પોતાના અનુચરો સાથે જંગલમાં શિકાર કરવા નીકળ્યા. તેમની નજર એક સાબર ઉપર પડી. તે સાબરનો પીછો કરતાં કરતાં પોતાના અનુચરોથી વિખૂટા પડી ગયા. તેઓ જંગલમાં ખૂબ જ આગળ નીકળી ગયા, તેનું પણ તેમને ભાન ન રહ્યું. સાંજ પડવા આવી હતી. ભૂખ અને તરસ લાગી હતી. તેઓ અંધારામાં રસ્તો સાવ ભૂલી ગયા, એટલે ગમે તે રસ્તે તેઓ આગળ ચાલવા લાગ્યા. આગળ જતાં તેઓ એક ગામમાં આવ્યા. તેમણે ગામમાં પેસતાં જ એક મકાન આગળ આવીને પોતાનો ઘોડો થોભાવ્યો.

આ ઘર બ્રાહ્મણનું હતું. આ બ્રાહ્મણના ઘરમાં છ દિવસ પહેલાં જ પુત્રનો જન્મ થયો હતો, તેથી ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. વિક્રમ રાજાએ બ્રાહ્મણને બોલાવી કહ્યું : “ભાઈ ! હું ભૂલો પડેલ મુસાફર છું. તેથી આજની રાત તમારે ત્યાં રાતવાસો કરવાની સગવડ આપો.”

બ્રાહ્મણે રાજાનો સત્કાર કર્યો. જળપાત્ર મૂકી ભોજન કરાવ્યું. પછી ઘરના આંગણામાં સૂવાની સગવડ કરી આપી. રાજાએ કહ્યું : “ભાઈ ! હું તો ક્ષત્રિય છું, હું તમારા ઘરની ચોકી કરીશ. મારા આંખમાં સહેજ પણ ઊંઘ નથી.” રાજાએ ઘોડાનું જીન અને લગામ ઉતારી ઘોડો બાંધ્યો. રાજા પોતાના ખાટલામાં અર્ધનિદ્રામાં જાગતા રહ્યા.

ઘરનાં બધાં સૂઈ ગયાં. ફક્ત રાજા જ જાગતા ખાટલામાં પડ્યા હતા. મધરાત થતાં આ બ્રાહ્મણના ઘેર એક સુંદર સ્ત્રી હાથમાં પૂજનનો થાળ, કંકાવટી લઈ રૂમઝુમ રુમઝુમ કરતી આવી. રાજા અડધી રાતે અચાનક સ્ત્રીને જોઈને થોડા ચમક્યા, પરંતુ તેના તેજને જોઈ અચંબામાં પડી ગયા. જ્યાં સ્ત્રી ઘરમાં પેસવા ગઈ ત્યાં રાજાએ દરવાજા વચ્ચે અટકાવીને પૂછ્યું: “હે દેવી! તમે કોણ છો ? અને આમ મધરાતે બ્રાહ્મણના ઘરમાં શા માટે આવ્યાં છો ?”

આવનાર સ્ત્રી વિધાતાદેવી હતાં. તેમને અચાનક આમ રોકતાં તેઓ ગુસ્સે થઈ ગયાં અને બોલ્યાં : “હે માનવી! તું મને રોકનાર કોણ ? અહીંથી ખસી જા ! નહિ તો તને બાળીને ભસ્મ કરી દઈશ હું ગમે તે હોઉં તારે શી પંચાત ?”

વિક્રમ રાજાએ તરત જ મ્યાનમાંથી તલવાર ખેંચીને કહ્યું: “હે સ્ત્રી! તું ગમે તે હોય, પણ તારી ઓળખાણ આપ, નહિતર તને અંદર નહિ જવા દઉં.”

વિધાતાદેવી એકદમ વિચારમાં પડી ગયાં. તેમને થયું કે મને પૃથ્વીના પટમાં વિક્રમ રાજા સિવાય કોઈ જોઈ શકે નહિ અને આટલી હિંમત પણ વિક્રમ રાજા જ બતાવી શકે. તેમને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ આ પરદુખભંજન વિક્રમ રાજા જ હોવો જોઈએ. તેઓ બોલ્યાં : “તમે પરખભંજન વિક્રમ રાજા ને ?”

વિક્રમ રાજા નવાઈ પામ્યા. તેમણે હા કહી કે તરત વિધાતાદેવીએ પોતાની ઓળખાણ આપી કહ્યું : “હું વિધાતાદેવી છું. અને આજે આ ઘરમાં બ્રાહ્મણપુત્રના લેખ લખવા આવી છું.” વિક્રમ રાજા વિધાતાદેવીને પગે લાગ્યા અને કહ્યું : “દેવી ! આપ ખુશીથી ઘરમાં જાવ અને છઠ્ઠીના લેખ લખો. પરંતુ પાછા ફરતી વખતે મને જરૂર દર્શન દેતાં જજો” આમ કહી તેમણે વિધાતાદેવીને ઘરમાં જવા દીધાં.

વિધાતાદેવી લેખ લખીને પાછા વિક્રમ રાજા પાસે આવ્યાં ત્યારે વિક્રમ રાજાએ પૂછ્યું: “હે દેવી! તમે છોકરાના લેખમાં શું લખ્યું છે તે મને કહો.”

વિધાતાદેવી બોલ્યાં : “લેખ તો માનવીના ગયા જન્મનાં કર્મ પ્રમાણે લખાય છે. મારું કામ તો ફક્ત લેખ લખવાનું છે, બાકી શું લખ્યું છે તે ધર્મરાજા જાણે.”

વિક્રમ રાજા બોલ્યા : “દેવી ! મારે તો બ્રાહ્મણના દીકરાનું ભવિષ્ય જાણવું છે. તેથી તમે ધર્મરાજા પાસેથી જાણી લાવો કે બ્રાહ્મણના દીકરાનું ભાવિ શું છે ? પછી તે મને કહી જવા કૃપા કરો.”

વિધાતાદેવીએ પાછા આવવાનું વચન આપ્યું અને તે સીધા ધર્મરાજા પાસે ગયા અને બ્રાહ્મણના દીકરાના ભાવિ વિશે પૂછયું, તો ધર્મરાજા બોલ્યા: “આ તો હું પણ નથી જાણતો, બ્રહ્માજી જાણે.”

વિધાતાદેવી ત્યાંથી બ્રહ્માજી પાસે ગયો અને બધી વાત કરી. બ્રહ્માજી બોલ્યા : “હે વિધાતા ! ભાગ્યના લેખ લખવાનું મારા હાથમાં નથી. એ તો ભગવાનનું જ કામ છે. ચાલો આપણે ભગવાન પાસે જઈએ બ્રહ્માજી અને વિધાતાદેવી ભગવાન પાસે ગયાં. ભગવાને કહ્યું: “આ બ્રાહ્મણપુત્રને પાંચમે વર્ષે જનોઈ અપાશે અને તે જ વખતે તેનો વિવાહ થશે, નવમે વર્ષે તેનાં લગ્ન થશે પરંતુ લગ્નવિધિ વખતે લગ્નમંડપમાં ચોથે મંગળે અચાનક એક વાઘ આવીને તેને મારી નાખશે.”

વિધાતાદેવી બ્રાહ્મણના ઘેર પાછા ફર્યા અને વિક્રમ રાજાને બ્રાહ્મણપુત્રના લેખ કહી અંતર્ધ્યાન થઈ ગયાં. બ્રાહ્મણપુત્રના આવા લેખ સાંભળી રાજા તો ચિંતામગ્ન થઈ ગયા. તેમણે વિચાર્યું. મારે ગમે તે ભોગે આ બ્રાહ્મણપુત્રને બચાવવો છે. હું બધું જાણું છું છતાં તેને ન બચાવું તો પરદુઃખભંજન શાનો કહેવાઉં ?

સવાર થતાં વિક્રમ રાજાએ બ્રાહ્મણ પાસે જવાની રજા માગી અને તેમનો આભાર માની કહ્યું : “હું ઉજ્જયિની નગરીનો રાજા વિક્રમ છું. તમારા આ દીકરાના લગ્નપ્રસંગે મને પાંચેક દિવસ અગાઉ જરૂર બોલાવજો. આ શુભ પ્રસંગે તમે મને બોલાવવાનું ભૂલતા નહિ.” આમ કહી રાજા બ્રાહ્મણને સાત સોનામહોરો આપી વિદાય થયા.

દિવસો વીતવા લાગ્યા. જોતજોતામાં બ્રાહ્મણનો છોકરો પાંચ વર્ષનો થઈ ગયો. બ્રાહ્મણે તેને જનોઈ દેવાનું મુહૂર્ત કઢાવ્યું. જનોઈ વેળાએ બ્રાહ્મણે છૂટથી પૈસા વાપર્યા. મહેમાનોમાંથી એક ગૃહસ્થને બ્રાહ્મણનું ઘર ને એનો દીકરો બંને ગમી ગયા. તેણે તરત જ બ્રાહ્મણપુત્ર સાથે પોતાની દીકરીના વિવાહ નક્કી કરી દીધા. જોતજોતામાં ત્રણ વર્ષનો સમયગાળો પણ પસાર થઈ ગયો. હવે બ્રાહ્મણપુત્ર નવમા વર્ષમાં બેઠો. વિધિના લેખ પ્રમાણે છોકરીના બાપે લગ્ન કરવાની માગણી કરી. બંને વેવાઈઓએ લગ્નનું મુહૂર્ત જોવડાવ્યું.

બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો ઓચિંતા લગ્નપ્રસંગ આવવાથી ચિંતામાં પડ્યા, કારણ તેમની પાસે પૈસાની વ્યવસ્થા ન હતી. હવે શું કરવું? લગ્નનો ખર્ચ કેવી રીતે કરવો? તે ચિંતામાં બ્રાહ્મણ બ્રાહ્મણીની ઊંઘ હરામ થઈ ગઈ. એવામાં તેમને વિક્રમ રાજા યાદ આવ્યા. વળી તેમણે લગ્નમાં બોલાવવાની ભલામણ પણ કરી હતી. બ્રાહ્મણ તો તરત જ ઘોડા ઉપર બેસી ઉજ્જયિની નગરી જવા નીકળી પડ્યો.

થોડા દિવસમાં તો બ્રાહ્મણ ઉજજયિની નગરીમાં આવી પહોંચ્યો. તે વિક્રમ રાજાના દરબારમાં પ્રવેશ્યો ત્યારે રાજા તેને તરત ઓળખી ગયા, અને તેનો સત્કાર કરી ખબર અંતર પૂછયા, ત્યારે બ્રાહ્મણે કહ્યું: “મહારાજ ! મારો છોકરો નવ વર્ષનો થયો છે. તેના લગ્ન આવતી વસંત પંચમીએ નિરધાર્યા છે. હું તમને લગ્નમાં આવવાનું આમંત્રણ આપવા આવ્યો છું. આપ લગ્નમાં જરૂર પધારજો.”

વિક્રમ રાજા બોલ્યા: “ભાઈ ! તેં વચન પાળ્યું ખરું. હું લગ્નમાં જરૂર આવીશ તમારો દીકરો મારો ભાણેજ થાય, એટલે લગ્નનો ખર્ચ મારા તરફથી થશે અને તે માટે નાણાં તમને અત્યારે જ આપી દઉ.” આમ કહી રાજાએ ખજાનચીને બોલાવ્યો અને પાંચસો સોનામહોરો મંગાવી બ્રાહ્મણને આપી. બ્રાહ્મણ સોનામહોરો લઈ ખુશ થતો પોતાને ઘેર આવ્યો.

બીજા દિવસે રાજાએ પોતાના પ્રધાનને બોલાવી પેલા બ્રાહ્મણના ગામની એંધાણી આપી કહ્યું: “એ બ્રાહ્મણના દીકરાના લગ્ન વસંત પંચમીએ છે. માટે લગ્નના પાંચ દિવસ અગાઉ જ તમે ત્યાં પહોંચી જાવ અને હું તમને જે યોજના બતાવું તે પ્રમાણે ત્યાં ચોરી રચાવો, અને બ્રાહ્મણપુત્રના લેખની વાત કહી.

લગ્નના પાંચ દિવસ અગાઉ પ્રધાન બ્રાહ્મણને ગામે પહોંચી ગયો, અને રાજાની યોજના પ્રમાણે લગ્નમંડપમાં ચોરી રચાવી અને ચોરીની ચારે બાજુ વિસ ગજ લંબાઈ-પહોળાઈવાળી લોખંડના સળિયાની જાળી બનાવડાવી અને ચારે બાજુ સિપાહીઓનો પહેરો મૂક્યો અને કહ્યું: “ક્યાંય પણ વાઘ દેખાય કે તેને ઠાર કરી દેજો.”

બ્રાહ્મણપુત્રના લગ્ન માટેની આટલી બધી તૈયારીઓ જોઈ લોકો નવાઈ પામ્યા. કેટલાકને તેમની અદેખાઈ પણ થવા લાગી, લગ્નને દિવસે રાજા બ્રાહ્મણના ગામે આવી પહોંચ્યા, અને લગ્નમંડપની બહાર ઉઘાડી તલવારે પહેરો ભરવા લાગ્યા. લગ્નનો સમય થતાં ચોરીમાં વરકન્યા પ્રવેશ્યા, અને ગોરે લગ્નવિધિ શરૂ કરી. પરંતુ વિધિના લેખ પર કોઈ મેખ મારી શક્યું નથી. પહેલું મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ વરતાયું અને જ્યાં વરકન્યાનું ચોથું મંગળ વર્તાવા જાય છે કે ત્યાં જ ચોરીની માટલી પર ચીતરેલો વાઘ એકદમ સજીવન થયો અને તરાપ મારીને બ્રાહ્મણપુત્ર વરરાજાને મારી નાખ્યો.

આ બનાવ એટલો ઝડપી બની ગયો કે કોઈને કાંઈ સમજાયું નહિ. બ્રાહ્મણ-બ્રાહ્મણી તો પોતાનાં પુત્રના મરણને કારણે માથું કૂટીને રડવા લાગ્યાં. આખા ગામમાં હાહાકાર થઈ ગયો. વિક્રમ રાજા પણ આ બનાવથી ખૂબ જ દુખી થઈ ગયા. તેમણે બ્રાહ્મણ – બ્રાહ્મણીને આશ્વાસન આપી કહ્યું: “તમારો દીકરો ભલે મૃત્યુ પામ્યો હોય, પણ તેનો અગ્નિ સંસ્કાર કરશો નહિ. તેને એક સુગંધિત પેટીમાં બરાબર ઢાંકણ બંધ કરી સાચવી રાખજો. હું એક વર્ષમાં જ સંજીવની જળ લઈને આવીશ, પછી તમારા દીકરાને જીવતો કરીશ” જો કદાચ એક વરસમાં ન આવું તો તમે તમારા રીતરિવાજ પ્રમાણે તેનો અગ્નિદાહ કરી દેજો.”

આમ કહી વિક્રમ રાજા ત્યાંથી જંગલ તરફ નીકળી પડ્યા. તેઓ અનેક સ્થળે ઘૂમતાં ઘૂમતાં એક મોટા વડ નીચે આરામ કરવા બેઠા. એવામાં ક્યાંયથી એક કાળો નાગ આવ્યો અને વિક્રમની પાસે આવી બોલ્યો : “ભાઈ ! મેં એવું સાંભળ્યું છે કે વિક્રમ રાજા સૌનું દુખ દૂર કરે છે. શું આ વાત સાચી છે?”

વિક્રમ રાજા બોલ્યા: “નાગરાજ! તમારે એવું તે શું દુખ પડ્યું કે વિક્રમને યાદ કરવો પડ્યો ?”

નાગ બોલ્યો : “મારા આખા શરીરે દાહ બળે છે. મેં સાંભળ્યું છે કે મનુષ્યના દેહમાં અમી હોય છે. એટલે મારે કોઈ મનુષ્યના દેહમાં પ્રવેશી ઠંડક મેળવવી છે. આવી ઠંડક મને ફક્ત પરદુઃખભંજન વિક્રમ રાજા જ આપી શકે.”

વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી અને કહ્યું : “હે નાગરાજ ! જો મારા દેહમાં પ્રવેશવાથી આપને ઠંડક મળતી હોય તેમજ તમારું દર્દ મટતું હોય તો ખુશીથી મારા મોઢા વાટે મારા ઉદરમાં દાખલ થઈ જાવ.”

આમ હી વિક્રમ રાજાએ પોતાનું મોઢું ખોલ્યું એટલે નાગ તેમના ઉદરમાં ઘખલ થઈ ગયો. ઉદરમાં પેસવાથી નાગની બળતરા ઓછી થઈ ગઈ, તેને શાંતિ વળી; પરંતુ વિક્રમ રાજાને પીડ થવા લાગી.

ધીરે ધીરે વિક્રમ રાજાનું શરીર નાગના ઝેરની અસરથી કાળું પડવા લાગ્યું. થોડા દિવસમાં તો તેમનું આખું રૂપ જ બદલાઈ ગયું. તેમના હાથ-પગ દોરડી જેવા અને પેટ ગાગરડી જેવું લાઈ ગયું. આખું શરીર કદરૂપું થઈ ગયું અને વેદના તો એવી થવા લાગી કે જાણે હજારો વીંછીના ડંખ વાગતા હોય !

આવા અસહ્ય દુખથી પીડાતા વિક્રમ રાજા ધીરે ધીરે એક નગરીમાં આવી પહોંચ્યા. તેમનું શરીર વેદનાથી એટલું અશક્ત થઈ ગયું કે નગરીના ચોકમાં જ ચક્કર આવતા બેભાન થઈ ઢળી પડ્યા. લોકોનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું, અને એક જણ તો રાજાને ખબર આપવા દોડી ગયો.

આ નગરના રાજાને સંતાનમાં ફક્ત બે કુંવરી જ હતી. તેમાં એક કુંવરી આપકર્મી હતી અને બીજી બાપકર્મી હતી. રાજાને આપકર્મી છોકરી સહેજ પણ ગમતી ન હતી. કારણ તે આપકર્મી કુંવરીને એવા માણસ સાથે પરણાવવા માગતા હતા કે જેથી તે કુંવરી જીવનભર દુખી રહે. એવામાં રાજાને ખબર પડી કે નગરના ચોકમાં કોઈ કદરૂપો માણસ બેભાન અવસ્થામાં પડ્યો છે. રાજાને મનમાં વિચાર આવ્યો કે આપકર્મી કુંવરીને આ કદરૂપા માણસ સાથે જ પરણાવી દઉં. પછી જોઉં કે તે કેવી સુખી રહે છે. તેમણે તરત સિપાઈઓને તે કદરૂપા માણસને રાજમહેલે તેડી લાવવા કહ્યું.

સિપાઈઓ તરત જ નગરચોકમાં જઈ બેભાન હાલતમાં પડેલા માણસને રાજમહેલે લઈ આવ્યા. રાજાએ રાજવૈદ્યો બોલાવી તેનો ઉપચાર કરાવી તેને ભાનમાં લાવ્યો તે સહેજ સ્વસ્થ થયો કે તરત જ તેના આપકર્મી કુંવરી સાથે ઘડિયાં લગ્ન લેવડાવ્યાં. પછી ગુસ્સે થઈ બોલ્યા : “હવે જોઉં છું કે તું આપકર્મથી કેવી સુખી થાય છે? તારે અંતે તો બાપના આશ્રયે આવું જ પડશે! તમારે બંનેને રહેવા માટે નગરના દરવાજે આવેલ એક ખંડિયેર મકાન રાખ્યું છે, ત્યાં તમે બંને રહો.”

આપકર્મી કુંવરીને પોતાના પિતાના આવા વર્તનથી ખૂબ જ ખોટું લાગ્યું. તેમનાં વચનોથી તો તેનું દિલ સળગી ગયું. તે તરત જ પહેરયે કપડે પોતાના કદરૂપા પતિ સાથે ખંડેર મકાનમાં રહેવા ચાલી ગઈ. તે પોતાના કદરૂપા રોગી પતિની તન-મનથી સેવા કરવા લાગી. તે પોતાના પતિને સહેજ પણ દુખ પડવા દેતી નહિ.

એક દિવસ તે પોતાના પતિને નવરાવી, શરીર લૂછી સુવાડી પોતે બાજુમાં બેઠી હતી કે પતિના મુખમાંથી ધીમે ધીમે એક નાગ બહાર આવ્યો અને ધીમે ધીમે સરકતો પથારીમાંથી બહાર નીકળ્યો. કુંવરી પહેલાં તો નાગને જોઈ ડઘાઈ ગઈ, પણ હિંમત કરીને તે તેજ જગ્યાએ બેસી રહી. એટલામાં સામેની ભીંતના દરમાંથી એક બીજો ભાગ બહાર આવ્યો, અને તે પેલા નાગ પાસે જઈને બોલ્યો “હે મૂર્ખ! તું કેવો અધમ છે, કે જેણે તને દુખમાંથી બચાવવા માટે પોતાના પેટમાં જવા દીધો એવા પરદુખભંજન વિક્રમ રાજાને તું ક્યાં સુધી હેરાન કરીશ? તે તેમની કેવી દશા કરી છે?”

આ સાંભળી પેલા મુખમાંથી નીકળેલો સાપ ગુસ્સામાં બોલ્યો : “અલ્યા! તું મને મૂર્ખ અને અધમ કહે છે પણ તું ક્યાં મોટો પરોપકારી છે! તું કેવો ધનના ચરુ પર નિરાંતે બેઠો છે ? તને ત્યાંથી સહેજ પણ ખસવું ગમતું નથી. તું કોઈને ચરુંમાંનું ધન ક્યાં લેવા દે છે? એ તો તારા નસીબ સારા છે કે તને હજી સુધી કોઈ માથાનો મળ્યો નથી, નહિતર જો કોઈ કકડાવેલું ગરમ તેલ તારા દરમાં રેડી દે, તો તું બળીને તરત જ ભડથું થઈ જાય, પછી તો તે ચરુમાંનું બધું જ ધન તે માણસનું જ થઈ જાય.”

આ સાંભળી પેલો દરવાળો નાગ બોલ્યો “તું મારી મરવાની શું ફિકર કરે છે ? પણ જો કોઈ જાણકાર માણસ આ કદરૂપા બનેલા રાજાને કોઠમડાં ખવડાવી દે તો તારા પેટની અંદર જ ટુકડે ટુકડા થઈ જાય અને રાજાની કાયા કંચનવર્ણી બની જાય.”

આપકર્મી કુંવરી પતિ પાસે બેઠી બેઠી આ બંને નાગોની વાતો સાંભળતી હતી. તે પોતે પરદુઃખભંજન વિક્રમ રાજાને પરણી છે. તે વાત જાણી ખૂબ જ રાજી થઈ ગઈ. તેણે બંને નાગના નાશની તરકીબ વિચારવા લાગી. થોડી વારમાં બંને નાગો પોતપોતાની જગ્યાએ પાછા જતા રહ્યા.

સવાર થતાં કુંવરી એક તપેલીમાં તેલ ભરી તેને ખૂબ જ કકડાવ્યું. પછી તે તેલ ભીતમાં આવેલા દરમાં નાખ્યું કે થોડી વારમાં તો તે નાગ બળીને ભડથું થઈ ગયો. પછી કુંવરીએ તે દરવાળો ભાગ ખોદીને જોયું તો તેમાંથી મોટા મોટા ત્રણ ચરુઓ સોનામહોરોથી ભરેલા પડ્યા હતા. કુંવરીએ તેમાંથી થોડી સોનામહોરો બહાર કાઢી પાછા તે ચરુંઓ માટીથી ઢાંકી દીધા. પછી કુંવરી બજારમાં જઈ ગાંધીની દુકાનેથી કોઠમડા લઈ આવી અને તે રાજાને ખવડાવ્યા. રાજાના પેટમાં ભરાઈ રહેલા નાગના ટુકડે ટુકડા થઈ ગયા અને તે ઝાડા વાટે બહાર નીકળી ગયા.

થોડી વારમાં રાજાના પેટની પીડ ઓછી થઈ ગઈ અને તેમનું શરીર હલકું ફૂલ થઈ ગયું. તેઓ પાસું મરડીને બેઠા થયા, કે સામે એક રૂપાળી કુંવરીને ઊભેલી જોઈ. તેઓ નવાઈ પામ્યા. કારણ અત્યાર સુધી જે કાંઈ બન્યું તે તેમની બેભાન અવસ્થામાં જ બન્યું હતું. તેમણે કુંવરીને પૂછયું: “હે સુંદરી! તમે કોણ છો?”

કુંવરીએ બધી વિગતે વાત કરી અને પોતે તેમની પત્ની છે તે જણાવ્યું. રાજાએ કુંવરીની વાત સાંભળી બોલ્યા : “હું તમારી બહાદુરી ઉપર ખુશ થયો છું. પણ તમે પોતાના સ્વાર્થ ખાતર બે નાગની હત્યા કરી તે મને ન ગમ્યું. વળી એ નાગને તો મેં જ જાણી જોઈને આશરો આપ્યો હતો. હવે જે થવાનું હતું તે થઈ ગયું. તું મને પેલા નાગનાં કટકા શોધીને એક પોટલીમાં બાંધી આપ હું સંજીવનીની શોધમાં નીકળ્યો છું. તે મેળવીશ તો અહીં પાછો આવીશ, નહિ તો મારા પ્રાણ તજીશ. જો હું જીવતો રહીશ તો તમને લેવાં અહીં જરૂર આવીશ.”

કુંવરીએ કહ્યું : “હે સ્વામી ! હું તમારી પત્ની છું. તેથી તમારાં સુખદુખે સાથે રહીશ. તમે જ્યાં જશો ત્યાં હું આવીશ. તેણે મળમાંથી નાગના કટકા શોધી તેને લૂગડામાં બાંધી રાજા સાથે નીકળી પડી. બંને પતિ-પત્ની જંગલના માર્ગે ચાલવા લાગ્યાં.

થોડેક આગળ જતાં રસ્તામાં એક નાગણ મળી. તેણે રસ્તો આંતરીને વિક્રમ રાજાને કહેવા લાગી : “હે રાજા! તમારા જેવા જ એક માણસે મારા દીકરાને શીતળતા આપવા માટે પેટમાં આશરો આપ્યો હતો, શું તમે એ તો નથી ને?”

રાજાએ કહ્યું “હે નાગણ! તે હું જ છું. પણ તેને બચાવવા માટે મેં જ પેટમાં આશરો આપ્યો, પણ ઊલટો તે મારા લીધે જ મરણ પામ્યો” આમ કહી રાજાએ બધી હકીકત કહી જણાવી, અને પોટલી ખોલી નાગના કટકા બતાવ્યા.

નાગણે ખુશ થતાં કહ્યું: “હવે તું ચિંતા કરીશ નહિ. હું મારા પુત્રને જીવતો કરી દઉં છું. મારી પાસે સંજીવની જળ છે. તે મારા પિતાએ પાતાળમાંથી વળાવતી વખતે મને આપ્યું હતું. તે હવે મારા કામમાં આવશે.”

આમ કહી નાગણ તરત જ રાફડમાં જઈ સંજીવની જળ લઈ આવી. અને પોતાના પુત્રના ટુકડા પર તેનો છંટકાવ કર્યો. એટલે તરત જ કટકામાંથી નાગ સજીવન થઈ ગયો. સંજીવની જળના પ્રતાપે નાગનો બળતરાનો રોગ પણ મટી ગયો. પુત્રને સજીવન જોઈ નાગણ તેને વહાલથી ભેટી પડી. નાગણે ખુશ થઈ તે જળ વિક્રમ રાજાને આપ્યું અને કહ્યું : આનાથી હજી પણ બે જીવ સજીવન થઈ શકશે.

રાજાએ નાગણનો આભાર માની તે જળ લઈ પોતાની પત્ની સાથે ખંડિયેર મકાનમાં આવ્યાં, અને પેલા દરવાળા નાગનો ભડથું દેહને શોધી તેના ઉપર સંજીવન જળ છાંટ્યું કે તે નાગ પણ સજીવન થઈ ગયો. તે નાગ પાછો પેલા ચરુઓની ચોકી કરવા લાગ્યો.

પછી વિક્રમ રાજા પોતાની પત્નીને લઈને પેલા બ્રાહ્મણના છોકરાને જીવતો કરવા ગામ આવ્યા. બધાએ ઘણા સમયે વિક્રમ રાજાને પાછા આવેલા જોઈ આનંદમાં આવી ગયા. બધાને થયું કે રાજા મરેલાને જીવતો કેવી રીતે કરે છે તે જાણવા લોકો ઉત્સુક બન્યા. રાજાએ ઝાડની ડાળીએથી શબની પેટી ઉતરાવી અને તેની ઉપર સંજીવની જળનો છંટકાવ કર્યો કે તરત જ મડામાં ધીરે ધીરે ચેતન આવવા લાગ્યું. થોડી વારમાં તો બ્રાહ્મણપુત્ર આળસ મરડીને બેઠો થયો, અને પેટીમાંથી બહાર નીકળી રાજા-રાણી તેમજ પોતાનાં માતા-પિતાને પગે લાગ્યો. પોતાના છોકરાને સજીવન થયેલો જોઈને બ્રાહ્મણ-બ્રાહ્મણી તો ગાંડા ઘેલા બની ગયાં. તેમણે રાજાનો ખૂબ ખૂબ આભાર માન્યો નગરીના બધા લોકોએ રાજા વિક્રમનો જયજયકાર બોલાવ્યો ને તેમનું ભાવભીનું સ્વાગત કર્યું.

પછી વિક્રમ રાજા રાણીને લઈને રાણીના અભિમાની બાપના નગરમાં ગયા અને રાજમહેલે જઈ રાજાને નમન કરી કહ્યું : “મહારાજ ! તમારી કુંવરી આપકર્મથી રાજા વિક્રમને વરી છે. તમે જેને કદરૂપા અને રોગી પુરુષ ગણતા હતા, તે જ રાજા વિક્રમ હતા. તમારી કુંવરીએ જ જાતમહેનતથી મને મૂળ સ્વરૂપમાં આણ્યો છે.”

આ સાંભળી કુંવરીના બાપને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને પોતાના વર્તન બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેણે પોતાની કુંવરીની માફી માગી તેને છાતી સરસી ચાંપી દીધી, ને વિક્રમ રાજાને ખૂબ જ માનપૂર્વક પોતાને ત્યાં રાખ્યા અને થોડા દિવસ પછી પુષ્કળ દાયજા સાથે કુંવરીને વળાવી.

વિક્રમ રાજા પોતાની રાણીને લઈ ઉજજયિની નગરીમાં આવ્યા. ઉજ્જયિની નગરીના લોકોએ રાજા-રાણીનું ભવ્ય સ્વાગત કર્યું. વિક્રમ રાજાના પરોપકાર અને સાહસિકપણાની વાતોના લોકો વખાણ કરવા લાગ્યા.

સુભદ્રા પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું: “હે રાજા ભોજ! વિક્રમ રાજા જેવા દયાવાન ને પરોપકારી હોય તે જ આ સિંહાસન પર બેસી શકશે. આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાર્ગે ઊડી ગઈ.

આ વાર્તાઓ પણ વાંચો :

11. કળશની વાર્તા

Leave a Reply