Nineteen Batris Putli Ni Varta Gujarati । 19. ભાભારામની વાર્તા

Nineteen Batris Putli Ni Varta Gujarati
Nineteen Batris Putli Ni Varta Gujarati

Nineteen Batris Putli Ni Varta Gujarati । 19. ભાભારામની વાર્તા

ઓગણીસમે દિવસે ભોજ રાજ જેવા સિંહાસન ઉપર બેસવા જાય છે, ત્યાં ઓગણીસમી પૂતળી ‘પ્રદ્યુમ્ના’ એ સિંહાસન પર બેસવા જતાં રાજાને અટકાવી બોલીઃ “હે રાજન ! આ સિંહાસન ઉપર બેસતા નહિ. જેણે વિક્રમ રાજા જેવા પરોપકારનાં કાર્યો પ્રાણના ભોગે કર્યા હોય તેવો રાજા જ આ સિંહાસન પર બેસી શકશે.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમની ને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી:

એક દિવસ વિક્રમ રાજા વેશપલટો કરી નગરચર્ચા જોવા નીકળ્યા. તેઓ સૌ પ્રથમ બ્રાહ્મણવાસમાં આવ્યા. તેમણે જોયું કે બ્રાહ્મણો નાહી-ધોઈને વેદમંત્રો ભણતા હતા. કેટલાક પૂજા-પાઠમાં તલ્લીન હતા. તેઓ યજમાનોની દક્ષિણા પર પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા. રાજાને તેઓ સર્વે વાતે સુખી દેખાયા.

ત્યાંથી રાજા વાણિયાઓના વાસમાં આવ્યા. મોટા પેટવાળા શેઠિયાઓ આ વાણિયાઓ પાસે ચોપડા ચીતરાવી રહ્યા હતા. તેઓ વેપારમાં નમતું લેતા અને ઓછું દેતા, દોઢા-બમણા કરવા એ તો એમને રમત વાત હતી. તેઓ પોતાનો માલ વેચી મોં માગી કિંમત લેતા હતા. તેમની સ્ત્રીઓ પણ સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈ મંદિરે દર્શન કરવા જતી, તેમનાં બાળકો પણ સ્વચ્છ વસ્ત્રો પહેરી ભણવા જતાં હતાં.

ત્યાંથી રાજા સોનીવાસમાં આવ્યા. સોનીઓને પણ લીલા લહેર હતી. તેઓ સોનાની રતિમાંથી પણ ચોર્યા વિના રહેતા નહિ. પછી રાજાએ કંસારીઓના વાસમાં, પછી દરજીના વાસમાં જઈ અઢારે વરણ જોઈ લીધાં. છેલ્લે નગર બહાર રહેતા ખેડૂતોની ને ખેતરોની પણ હાલત જોઈ, દરેક ખેતરમાં ખેડૂતો હોંશથી ખેતીકામ કરી રહ્યા હતા.

એક ખેતરમાં એક કણબીને શ્રમ કરતો જોઈ રાજાને તેની ઉપર દયા આવી. તેઓ તેની પાસે ગયા ને તેના વિશે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તેનું નામ “ભાભારામ” હતું. તેને મોટા પાંચ દીકરા હતા અને બધાને પરણાવી દીધા હતા.

આવો સુખી કણબી ઘડપણમાં પણ મજૂરી કરે તેની પાછળ રાજાને કંઈ રહસ્ય લાગ્યું. તેમને થયું કે જરૂર આ ભાભારામને કોઈ દુખ હશે, જેથી ઘડપણમાં પણ તેમને મજૂરી કરવી પડે છે.

થોડી વારે ભાભારામ કામ કરતો કરતો થાક ખાવા બેઠો ત્યારે રાજા તેની પાસે ગયા ને બોલ્યા: “પટેલ ! તમારે જુવાનજોધ પાંચ દિકરા છે છતાં ઘડપણમાં પણ તમારે આટલું બધું વૈતરું કરવું પડે છે, એ જોઈ મને તમારા ઉપર દયા આવે છે, તમે માગો એટલું ઘન આપવા હું તૈયાર છું.

આ સાંભળી ભાભારામ ગુસ્સે થઈ બોલ્યો : “અલ્યા! તું એવો કોણ છે કે, મારી તને દયા આવે છે ? મને કણબીને દુખી  કહેતા તને શરમ નથી આવતી? જેની પાસે આખી દુનિયા આશા રાખે છે, તેને તું દુખી કહે છે ! કણબી તો જગતનો તાત કહેવાય?

“વાત સાચી છે.” રાજા વિક્રમે કહ્યું.

“પણ તું છે કોણ?” ભાભારામે ફરીથી પૂછ્યું.

વિક્રમ રાજા શાંતિથી બોલ્યા : “હું ગૌબાહ્મણનો દાસ અને હરસિદ્ધનો સેવક વિક્રમ છું.” એટલે તરત વૃદ્ધ કણબી ભાભારામ વિક્રમ રાજાના પગે પડ્યા. પછી બોલ્યા : “મહારાજ ! વાણિયો તો દેવાળું કાઢશે, કોળી ચોરી કરશે. બ્રાહ્મણ ભીખ માગશે, ગરાસિય ગામ ભાંગશે, પરંતુ કણબી તો મજૂરી કરશે. તે ભૂખે મરે પણ કોઈની આગળ હાથ નહિ ધરે. તેને માટે તો સુખ અને દુખ બંને સરખા ગણાય. અમે કદી દુખમાં હિંમત હારતા નથી.”

વિક્રમ રાજાને ભાભારામની વાત સાંભળી ખૂબ જ આનંદ થયો. તે બોલ્યા : “ભાભારામ! આજ સુધી અમે તમારું પકવેલું અન્નજ ખાધું, પરંતુ આજે મને તમને કંઈક આપવાની ઇચ્છા છે. બોલો તમારે જે જોઈએ તે માગો.”

ત્યારે ભાભારામ બોલ્યો : “હું બધી વાતે સુખી છું, પરંતુ મને લક્ષ ચોર્યાસીનો ફેરો ટળી જાય ને મર્યા પછી મોક્ષ મળે તેવું મને આપો.”

ભાભારામનો ધર્મ પ્રત્યે આવો ભાવ જોઈ વિક્રમ રાજાને આનંદ થયો, પરંતુ એમની માગણી કાંઈ વિચિત્ર જ હતી, જે કોઈ માનવી આપી શકે નહિ તેમને હતું કે ભાભારામ ઘન માગશે, પરંતુ ભાભારામે તો બધા કરતાં કાંઈ અલગ જ માગ્યું. તેમણે ભાભારામને કહ્યું: “ભાભારામ ! તમારી માગણી તો વિચિત્ર છે. મૃત્યુલોકના માનવીને મોક્ષ મળે એવું કોઈ ન કરી શકે.”

ભાભારામ તો આ સાંભળી નારાજ થઈ ગયા અને બોલ્યા: “અન્નદાતા ! તમે તો પરદુખભંજન છો, મારી આટલી નાની માગણી પૂરી નહિ કરી શકો?”

ભાભારામનું કથન સાંભળી રાજા શાંતિથી બોલ્યા : ભાભારામ તમારું માગ્યું હું આપીશ, અગર તે આણતાં મારો જીવ ખોઈશ.”

ભાભારામને ભરોસો દઈ રાજા ઘેર ગયા. બીજે દિવસે રાજાએ દરબારમાં પોતાના વિદ્વાનો આગળ મોક્ષ કેવી રીતે મળે તે વિશે પૂછ્યું. દરેક વિદ્વાનોએ પોતાની બુદ્ધિ મુજબ અલગ અલગ જવાબ આપ્યા. કોઈએ કહ્યું દાન કરો. કોઈએ કહ્યું: યજ્ઞ કરો. કોઈએ કહ્યું : તીરથ કરો.તો કોઈએ કહ્યું: વ્રત કરો.” રાજા તો બધા વિદ્વાનોના અલગ અલગ જવાબ સાંભળી મૂંઝવણમાં પડી ગયા. તેમને કંઈ સૂઝ ન પડી. છેવટે તેમણે હરસિદ્ધ માતાનું ધ્યાન ધર્યું. મધરાત થતાં માતાજી પ્રસન્ન થયાં ત્યારે વિક્રમ રાજાએ તેમને મોક્ષ માટે પૂછ્યું ત્યારે માતાજીએ કહ્યું : “હે રાજન ! તું વૈતાળની મદદથી ઇન્દ્ર રાજા પાસે જા. એ જરૂર તને જવાબ આપશે.”

વિક્રમ રાજાએ વૈતાળનું સ્મરણ કર્યું અને તેને બધી વિગત જણાવી. વૈતાળ વિક્રમ રાજાને ઇન્દ્ર રાજા પાસે લઈ ગયા ને ઇન્દ્ર રાજાએ કહ્યું: “તમે ઘર્મ રાજા પાસે જાઓ.” તેઓ ઘર્મરાજા પાસે ગયા અને તેમને પ્રશ્ન કર્યો ત્યારે તેમણે બ્રહ્માજી પાસે મોકલ્યા. બ્રહ્માજીએ કહ્યું : “મારું કામ સૃષ્ટિને સર્જવાનું એટલે મોક્ષ કેવી રીતે મળે તેમાં મને કંઈ સમજ ન પડે તમે ભગવાન વિષ્ણુ પાસે જાવ.” વિષ્ણુ ભગવાને તેમને શંકર ભગવાન પાસે મોકલ્યા. વિક્રમ રાજા અને વૈતાળ શંકર ભગવાન પાસે ગયા. ત્યારે જવાબમાં શંકર ભગવાને કહ્યું : “જે માણસનો મૃતદેહ પવિત્ર કાશીક્ષેત્રમાં મણિકર્ણિકાના ઘાટ પરથી ગંગાજીમાં પધરાવવામાં આવે, તેને જરૂર મોક્ષ મળે છે.”

વિક્રમ રાજા મોક્ષની વાત સાંભળી ઉજ્જયિની આવ્યા. પછી બીજા દિવસે ભાભારામને ઘેર ગયા, પરંતુ ભાભારામ માંદગીને લીધે પથારીવશ થયેલા હતા. તેમણે ભાભારામને કહ્યું : “ભાભારામ ! તમારા મોક્ષનો માર્ગ મળી ગયો છે.” આમ કહી તેમણે બધી વાત જણાવી. ભાભારામનો આનંદનો પાર ન રહ્યો.

વિક્રમ રાજા ભાભારામ સહિત તેમનાં કુટુંબીઓને કાશીક્ષેત્રે લઈ ગયા. બધા એક ધર્મશાળામાં રહ્યા. બીજે દિવસે ભાભારામે ગંગાજીમાં સ્નાન કરવાની ઇચ્છા દર્શાવી, એટલે વિક્રમ રાજા ભાભારામ સહિત બધાને મણિકર્ણિકાના ઘાટ પર લઈ ગયા. ત્યાં બધાએ ભગવાનનું નામ લેતા લેતા ગંગાજીમાં સ્નાન કર્યું, અને ભાભારામ અને તેમની પત્ની ત્યાં જ મૃત્યુ પામ્યાં.

તે દિવસ અગિયારસનો હતો. ભાભારામના મોટા દીકરા પાસે બંનેના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરાવ્યો અને મૃત્યુ પછીની બધી  વિધિ પતાવી વિક્રમ રાજા બધાને લઈ ઉજ્જયિની નગરીમાં પાછા આવ્યા અને ત્યાં જ તેમના રહેવાની વ્યવસ્થા કરી આપી.

વિક્રમ રાજાની આ ભલાઈની વાત આખા નગરમાં ફેલાતા બધા રાજાને ધન્યવાદ આપવા લાગ્યા.

‘પ્રદ્યુમ્ના’ પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું: “હે ભોજ રાજા ! વિક્રમ રાજા જેવા ઉદાર ને દયાળુ રાજા જ આ સિંહાસન પર બેસી શકશે.”

આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.

આ વાર્તા પણ વાંચો :

20. વેતાળ ભાટની વાર્તા

Leave a Reply