Class 8 Social Science Chapter 6 Swadhyay (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 6 સ્વાધ્યાય)

Class 8 Social Science Chapter 6 Swadhyay
Class 8 Social Science Chapter 6 Swadhyay

Class 8 Social Science Chapter 6 Swadhyay

Class 8 Social Science Chapter 6 Swadhyay, Std 8 Social Science Chapter 6 Swadhyay, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 6 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 6 સ્વાધ્યાય.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 6સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870થી ઈ.સ. 1947) 
સત્ર :દ્વિતીય
Class 8 Social Science Chapter 6 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન-1. ખાલી જગ્યા પૂરો :

(1) બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ………….તરીકે ઓળખાયા.

જવાબ : સરદાર

(2) ગાંધીજીએ ‘ડુંગળીચોર’નું બિરુદ ….…….……. ને આપ્યું.

જવાબ : મોહનલાલ પંડ્યા

(૩)‘ચલો દિલ્લી’ સૂત્ર…………. એ આપ્યું.

જવાબ : સુભાષચંદ્ર બોઝ

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો :

(1) મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો?

ઉત્તર : હિંદી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતાઓમાં સુરેન્દ્રનાથ બેનરજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજશાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનરજી, દાદાભાઈ નવરોજી, બદરુદીન તૈયબજી, કે. ટી. તેલંગ, દિનશા વાચ્છા વગેરે નેતાઓનો સમાવેશ થતો હતો.

(2) ગાંધીજીએ રૉલેટ ઍક્ટને ‘કાળો કાયદો’ શા માટે કહ્યો?

ઉત્તર : રૉલેટ ઍક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. આથી, ગાંધીજીએ રૉલેટ ઍક્ટને ‘કાળો કાયદો’ કહ્યો.

(3) ભારતના લોકોએ શા માટે “સાયમન કમિશન’નો બહિષ્કાર કર્યો?

ઉત્તર : સાત સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોએ ‘સાયમન કમિશન’નો બહિષ્કાર કર્યો.

(4) ગાંધીજીએ અસહકાર આંદોલન’ શા માટે મોકૂફ રાખ્યું?

ઉત્તર : ઉત્તર પ્રદેશમાં ગોરખપુર નજીક ચૌરીચૌરા ગામમાં પોલીસ ગોળીબારથી રોષે ભરાયેલા ગામલોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી પોલીસ સ્ટેશનને આગ ચાંપી, જેમાં 22 જેટલા પોલીસો મૃત્યુ પામ્યા. ગાંધીજી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા. આ હિંસક સમાચાર સાંભળીને દુ:ખી થયેલા ગાંધીજીએ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો :

(1) ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયાં-કયાં પરિબળો જવાબદાર હતાં?

ઉત્તર : ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે જવાબદાર પરિબળો નીચે પ્રમાણે હતાં :

(1) સમાન અંગ્રેજી શાસન : 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં સમગ્ર ભારતમાં એકહથ્થુ બ્રિટિશ સત્તા સ્થપાઈ. પરિણામે દેશમાં એક જ પ્રકારનો વહીવટ અને એક જ પ્રકારના કાયદા અમલમાં આવ્યા. આમ, સમાન અંગ્રેજી શાસનથી ભારતના લોકોમાં એકતા આવી અને તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મી.

(2) આર્થિક શોષણ : અંગ્રેજ સરકારની શોષણયુક્ત આર્થિક નીતિને પરિણામે ખેડૂતો પાયમાલ થયા તેમજ ઉદ્યોગ-ધંધા પડી ભાંગતાં કારીગરો બેરોજગાર બન્યા. આમ, આર્થિક શોષણ અને અન્યાયની ભાવનાથી ખેડૂતો, મજૂરો અને કારીગરોમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી.

(3) અંગ્રેજી કેળવણી : અંગ્રેજી કેળવણીના પરિપાકરૂપે ભારતમાં બુદ્ધિવાદીઓનો નાનો પણ શક્તિશાળી વર્ગ ઊભો થયો. બ્રિટનથી વધુ અભ્યાસ કરીને ભારત પરત આવેલી એ શિક્ષિત વ્યક્તિઓમાં સ્વશાસન અને સ્વાતંત્ર્યની ભાવના જાગી. દેશમાં રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓનો એક વર્ગ ઊભો થયો. એ વર્ગમાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થયો.

(4) સાહિત્યનો વિકાસ : 19મી સદીમાં ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દૂ વગેરે પ્રાદેશિક ભાષાઓમાં વિપુલ સાહિત્ય રચાયું. એ સાહિત્યમાં રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણને લગતા વિચારોએ રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો.

(5) વર્તમાનપત્રોનો ફાળો : મુંબઈ, કોલકાતા અને મદ્રાસ (ચેન્નાઈ)થી પ્રસિદ્ધ થતાં રાષ્ટ્રીય વર્તમાનપત્રોએ દેશમાં રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવી અને રાષ્ટ્રીય ભાવનાને ઉત્તેજન આપ્યું.

(6) ભારતનો ભવ્ય વારસો : અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં પુરાતત્ત્વીય સંશોધનો થયાં. ભારતના પ્રાચીન શ્રેષ્ઠ ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો. આમ, ભારતની પ્રાચીન સંસ્કૃતિના અવશેષોએ અને ગ્રંથોએ ભારતીયોને તેમના ભવ્ય અને ગૌરવશીલ વારસાનો પરિચય કરાવ્યો. આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે રહી શકે? તે પ્રશ્ન લોકોમાં રાષ્ટ્રીય ચેતના જાગ્રત કરી.

(7) વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારનાં સાધનો : 19મી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં રેલવે, તાર, ટપાલ વગેરે ઝડપી વાહનો અને સાધનોને કારણે એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવ્યા. પરિણામે લોકોમાં રાષ્ટ્રીય એકતાના વિચારોને સમર્થન મળ્યું.

(8) રાષ્ટ્રીય એકતાને ઉત્તેજન આપનાર કેટલાક પ્રસંગો : (1) ભારતની સનદી નોકરીઓમાં ભારતીયો સાથે કરવામાં આવતો અન્યાય, (2) ગવર્નર જનરલ લૉર્ડ લિટનનો પ્રેસ સ્વાતંત્ર્ય પર કાપ મૂક્તો વર્નાક્યુલર પ્રેસ ઍક્ટ, ( 3) હથિયારબંધી ધારો અને (4) ગવર્નર જનરલ લૉર્ડ રિપને રજૂ કરેલ ઇલ્બર્ટ બિલ. આ બિલની જોગવાઈ મુજબ ભારતીય ન્યાયાધીશ અંગ્રેજ વ્યક્તિનો કેસ ચલાવી શકે. અંગ્રેજોએ એ બિલનો ભારે વિરોધ કર્યો. પરિણામે અંગ્રેજ સરકારે ઇલ્બર્ટ બિલ પાછું ખેંચી લીધું.

(2) ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો.

ઉત્તર : (1) મહારાષ્ટ્રના વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા હતા. તેમણે પછાત જાતિઓને સંગક્તિ કરી લડાયક તાલીમ આપી હતી. (2 ) મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કરવાના આરોપસર દામોદર ચાફેકર અને બાલ કૃષ્ણ ચાફેકર નામના બે ભાઈઓને પકડવામાં આવ્યા અને તેમને ફાંસી આપવામાં આવી. (3) ઈ. સ. 1900માં વિનાયક દામોદર સાવરકરે ‘મિત્રમેલા’ નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી હતી, જે પછીથી ‘અભિનવ ભારત’ના નામે જાણીતી બની ‘1857 : પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ’ નામનું તેમનું પુસ્તક પ્રકાશિત થાય એ પહેલાં પ્રતિબંધિત થનારું વિશ્વનું પહેલું પુસ્તક હતું. તેમણે લંડનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી. એ સમયે અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી. જન્મટીપની સજા હેઠળ તેમને અંદમાનની જેલમાં મોકલ્યા. અહીં તેમની તબિયત બગડતાં ભારતમાં નજરકેદ હેઠળ રખાયા. (4) કોલકાતામાં સ્થપાયેલી ‘અનુશીલન સમિતિના બારીન્દ્ર ઘોષ તેના મુખ્ય નેતા બન્યા. આ સંસ્થાએ ક્રાંતિકારી સાહિત્ય, બૉમ્બ બનાવવાની અને શસ્ત્રો ચલાવવાની તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી. (5) બંગાળમાં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી નામના ક્રાંતિવીરોએ ન્યાયાધીશ કિસફર્ડની હત્યા કરવા માટે તેની બગી પર બૉમ્બ ફેંક્યો પરંતુ કમનસીબે તે કેનેડી નામના અંગ્રેજની બગી હતી. તેમાં તેની પત્ની અને પુત્રી બેઠેલાં હતાં. બૉમ્બથી બંનેનું અવસાન થયું. પોલીસ પકડે તે પહેલાં પ્રફુલ્લ ચાકીએ પોતાને ગોળી મારી બલિદાન આપ્યું. ખુદીરામ બોઝની ધરપકડ કરી તેને ફાંસી આપવામાં આવી. (6) અશફાક ઉલ્લાખાં અને રામપ્રસાદ બિસ્મિલે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે કાકોરી ટ્રેનમાં અંગ્રેજ તિજોરી લૂંટી હતી. આ લૂંટની યોજનામાં અશફાક ઉલ્લાખાં, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ અને રાજેન્દ્રપ્રસાદ પકડાઈ જતાં તેમને ફાંસી આપવામાં આવી. (7) દુર્ગાભાભીએ મહિલાઓને ક્રાંતિકારીપ્રવૃત્તિઓમાં સક્રિય બનાવી હતી. પોસ્ટરો ચોંટાડવાં, પત્રિકાઓ વહેંચવી, નાણાં એકઠાં કરવાં, બંદૂકો ચલાવવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તેઓ કરતાં હતાં. ( 8) ચંદ્રશેખર આઝાદ બાળપણથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા હતા. કાકોરી લૂંટની યોજનામાં તેમણે ભાગ લીધો હતો. પોલીસ તેમને શોધતી હતી. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ. ઈ. સ. 1931માં અલાહાબાદના આફ્રેડ બાગમાં અંગ્રેજ પોલીસ સાથેના સંઘર્ષમાં ચંદ્રશેખરે પોતાની જ પિસ્તોલથી શહીદી વહોરી લીધી.

(3) દાંડીકૂચ વિશે ટૂંક નોંધ લખો.

ઉત્તર : ઈ. સ. 1930માં ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢશે.

અંગ્રેજ સરકારે મીઠા પર નાખેલો કર સૌથી વધુ અન્યાયી હતો. એ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો. ગાંધીજી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ માનતા હતા કે મીઠા પર વેરો નાખવો પાપ છે, કારણ કે મીઠું ભોજનની પાયાની જરૂરિયાત છે.

ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી 12 માર્ચ, 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયાકિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી. તેમની એ ઐતિહાસિક યાત્રા ‘દાંડીકૂચ’ના નામે પ્રસિદ્ધ છે. દાંડીકૂચના માર્ગમાં આવતાં અસલાલી, બારેજા, નડીયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી વગેરે ગામો-શહેરોમાં સભાઓ ભરી ગાંધીજી અને તેમના સાથીઓ 5 એપ્રિલ, 1930ના રોજ દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ, 1930ના રોજ સવારે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે અગરમાંથી મૂઠી મીઠું લઈ, મીઠાના કાયદાનો ભંગ કર્યો. એ સાથે જ તેમણે સવિનય કાનૂન ભંગની લડત શરૂ કરી. એ લડતમાં સ્વદેશી, વિદેશી કાપડનો બહિષ્કાર, મહેસૂલ

સહિતના કરવેરા ન ભરવા, દારૂબંધી, દારૂના પીઠા પર પિકેટિંગ, અસ્પૃશ્યતાનિવારણ, હિંદુ-મુસ્લિમ એકતા વગેરે રચનાત્મક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. લડતમાં ખેડૂતો, આદિવાસીઓ, સ્ત્રીઓ વગેરેએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સરહદ પ્રાંતના વિસ્તારમાં ‘સરહદના ગાંધી’ના નામે જાણીતા બનેલ ખાન અબ્દુલ ગફારખાનના નેતૃત્વ નીચે ‘ના કર’ની અહિંસક લડત લડવામાં આવી હતી. અંગ્રેજ સરકારે હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરી લડતને દબાવવા પ્રયત્ન કર્યો.

ગાંધીજીની દાંડીકૂચથી ગુજરાતની અને ભારતની પ્રજામાં અભૂતપૂર્વ જાગૃતિ અને એક્તા પ્રગટ્યાં. સમગ્ર દેશમાં મીઠાના કાયદાનો ભંગ કરવાના સત્યાગ્રહો શરૂ થયા.

(4) ‘હિંદ છોડો’ આંદોલન વિશે માહિતી આપો.

ઉત્તર : બ્રિટિશ સરકારે હિંદના નેતાઓને મનાવી લેવા ઈ. સ. 1945માં ‘ક્રિપ્સ મિશન’ને ભારત મોહ્યું. ક્રિસ મિશનની દરખાસ્તો ભારતના લોકોની સ્વતંત્રતાની માંગ સંતોષી શકી નહિ. ક્રિપ્સ નિષ્ફળ ગયું. ભારતની પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે અસંતોષ વધતો ગયો. ગાંધીજીએ પ્રજાની હતાશા દૂર કરી તેમને આખરી લડત માટે તૈયાર કરી.

મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં 8 ઑગસ્ટ, 1942ની રાત્રે અંગ્રેજોને ભારત છોડી જવા ‘હિંદ છોડો’નો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ જાહેર કર્યું કે, “આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.” ‘આજે છુપાઈને કશું કરવું નથી.” “કરેંગે યા મરેંગે” (Do Or Die). આ સભામાં જ ગાંધીજીએ અંગ્રેજ સરકારને ‘હિંદ છોડો’નો આદેશ આપ્યો. હિંદ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારે અંગ્રેજ સરકારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય નેતાઓની ધરપકડ કરી, તેમને જેલમાં પૂર્યા. પરિણામે ભારતનાં શહેરો અને ગામડાંઓમાં હડતાલો પડી. દેશભરમાં ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરેએ હિંદ છોડોની લડતમાં સક્રિય ભાગ લીધો. દેશભરમાં લોકોએ રેલવે-સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઑફિસો, સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું. સમગ્ર ભારતમાં મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટી સંખ્યામાં બન્યા. લડતને વ્યાપક બનાવવા દેશના ઘણા વિસ્તારોમાં લોકોએ પોતાની રાષ્ટ્રીય સરકારોની રચના કરી.

અંગ્રેજ સરકારે ‘હિંદ છોડો’ આંદોલનને દબાવી દેવા દમનકારી પગલાં ભર્યા. ઈ. સ. 1943ના અંત સુધીમાં અંગ્રેજ સરકારે મોટી સંખ્યામાં સ્વાતંત્ર્યસેનાનીઓની ધરપકડ કરી, તેમને જેલમાં પૂર્યા. આ આંદોલનમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા તેમજ અનેક લોકો ગોળીબારમાં ઘવાયા. આમ છતાં, અંગ્રેજ સરકાર આ આંદોલનને સંપૂર્ણપણે દબાવી શકી નહિ. આથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવાનું શક્ય નથી.

Also Read :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 12 સ્વાધ્યાય

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 17 સ્વાધ્યાય