Class 8 Gujarati Chapter 5 Swadhyay (ધોરણ 8 ગુજરાતી પાઠ 5 અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 8 Gujarati Chapter 5 Swadhyay
Class 8 Gujarati Chapter 5 Swadhyay

Class 8 Gujarati Chapter 5 Swadhyay

Class 8 Gujarati Chapter 5 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 5 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 5 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 5. એક મુલાકાત

સત્ર : પ્રથમ

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) કોઈ પણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે?

(ક) ગાંધીનગર

(ખ) પાટનગર

(ગ) રાજ્યનું હૃદય

(ઘ) હરિયાળું નગર

ઉત્તર : (ખ) પાટનગર

(2) ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે?

(ક) સરદાર પટેલ

(ખ) ઇન્દિરા ગાંધી

(ગ) રાજીવ ગાંધી

(ઘ) મહાત્મા ગાંધી

ઉત્તર : (ઘ) મહાત્મા ગાંધી

(3) ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે?

(ક) 25

(ખ) 28

(ગ) 30

(ઘ) 35

ઉત્તર : (ગ) 30

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

(1) ગાંધીનગરને ‘ગ્રીન સિટી’ તરીકે કેમ ઓળખવામાં આવે છે?

ઉત્તર : ગાંધીનગરના કુલ 30 સેક્ટરમાં માર્ગો વિભાજિત થયેલા છે. ત્યાં ઠેરઠેર નાનાં-મોટાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે. દરેક માર્ગ વિવિધ પ્રકારનાં ફૂલ-છોડથી રળિયામણાં લાગે છે. આથી વૃક્ષો અને ફૂલોથી હરિયાળા અને સુંદર લાગતાં ગાંધીનગરને ‘ગ્રીન સિટી’ તરીકે ઓળખવામાં આવે છે.

(2) ગાંધીનગરના માર્ગો શી વિશેષતા ધરાવે છે?

ઉત્તર : ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે. આ શહેર કુલ 30 સેક્ટરમાં વિભાજિત થયેલું છે. આમાં ‘ક’થી ‘જ’ સુધી કક્કાવારી પ્રમાણે સાત આડા મુખ્ય માર્ગો અને 0 – 1 – 2 – 3 એ અંકો પ્રમાણે ઊભા કુલ 8 માર્ગો છે. ચારે બાજુ વૃક્ષો ગાંધીનગરની શોભા વધારી રહ્યાં છે. પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું ગાંધીનગર ‘ગ્રીન સિટી’ તરીકે ખ્યાતિ પામ્યું છે.

(3) વિધાનસભાગૃહ ક્યાં આવેલું છે?

ઉત્તર : ગાંધીનગરમાં

(4) વિધાનસભાગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે?

ઉત્તર : વિઠ્ઠલભાઈ પટેલ ભવન

(5) વિધાનસભાને ધારાસભા’ તરીકે કેમ ઓળખવામાં આવે છે?

ઉત્તર : વિધાનસભાને ‘ધારાસભા’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એમાં ‘ધારા’ એટલે કાયદા ઘડાય છે.

(6) મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓનાં કાર્યાલયો કેટલા બ્લૉકમાં વહેંચાયેલાં છે?

ઉત્તર : 7

સ્વાધ્યાય

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

(1) વિધાનસભાગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી કેમ જરૂરી છે?

ઉત્તર : કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભાગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે, વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભાગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે.

(2) જો તમે ધારાસભ્ય હો તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો?

ઉત્તર : જો હું ધારાસભ્ય હોત તો મને સરકાર તરફથી મળેલ ફંડનો મારા વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત. મારા વિસ્તારમાં બાગ-બગીચા તૈયાર કરાવત. પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેની વ્યવસ્થા કરાવત. પ્રજાની ફરિયાદો સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરત.

(3) એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે?

ઉત્તર : એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તા, શિક્ષણની સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, સારાં મકાનો, રોજગારીની સવલતો, વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે.

(4) તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય?

ઉત્તર : અમારા ગામને હરિયાળું બનાવવા આટલાં કામો કરી શકાય :

(1) જાહેર રસ્તા પર ઠેર-ઠેર વૃક્ષો ઉગાડવાં.

(2) દરેક સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવાં, દરેક સભ્યે પોતાના ઘરની ગૅલેરીમાં જુદા જુદા છોડનાં કૂંડાં મૂકવાં.

(3) ગ્રામપંચાયત દ્વારા હરિયાળાં મેદાન તૈયાર કરાવવાં.

(4) શાળા અને કૉલેજના પટાંગણમાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરવું.

(5) ગામમાં એવા બાગ-બગીચા તૈયાર કરાવવા, જ્યાં ખળખળ વહેતાં ઝરણાં હોય, તળાવ હોય અને તેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય.

(5) તમે લીધેલા કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો.

ઉત્તર : આ વર્ષે અમે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા. રાજસ્થાનમાં આવેલ માઉન્ટ આબુ એક હવાખાવાનું સ્થળ છે. અમે પહેલે દિવસે ત્યાંનાં ગૌમુખ, સનસેટ પૉઇન્ટ, નખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી. અમે ત્યાંનું પ્રકૃતિસૌંદર્ય મનભરીને માણ્યું.

બીજે દિવસે ગુરુશિખરની ઊંચાઈએથી ચારે બાજુનાં કુદરતી દૃશ્યો જોવાનો લહાવો લીધો. એ પછી અદ્ધરદેવીનાં દર્શન કર્યાં. બપોરે ભોજન કર્યા બાદ સાંજે ચાર વાગે અમે માઉન્ટ આબુના ઐતિહાસિક સ્થળ દેલવાડાનાં દહેરાની મુલાકાત લીધી.

દેલવાડાની શિલ્પકલાનું સૌંદર્ય જોઈને અમે આભા બની ગયા. એક રાજાના બે મંત્રી વસ્તુપાળ અને તેજપાળને ધરતી ખોદતાં મળેલા ધનના ચરુનો ઉપયોગ આબુ પર્વત ઉપર સુંદર દેરાસર બનાવવા માટે કર્યો છે. તે શિલ્પકળાની દષ્ટિએ અનુપમ છે.

ત્રીજે દિવસે અમે ભર્તૃહરિની ગુફા અને કુંભારણનના મહેલનાં ખંડિયેરો જેવાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી.

(6) તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો.

ઉત્તર : ઘૂઘવતા દરિયાકિનારે સોમનાથ મહાદેવનું ભવ્ય અને કલાત્મક મંદિર આવેલું છે. તેના પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પૂતળું છે. તેની ચારે તરફ સુંદર બગીચો છે. મંદિરની બહારની અને અંદરની કોતરણી ઊડીને આંખે વળગે તેવી છે. ભારતનાં બાર જ્યોતિર્લિંગમાં સોમનાથની ગણના થાય છે.

સાંજનો આરતીનો સમય હતો. બીલીપત્ર તથા પુષ્પોથી શિવલિંગ સજાવેલું હતું. મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ હતી. ઝાલર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તે પછી પંદરથી વીસ મિનિટનો સ્લાઇડ શૉ પણ દેખાડવામાં આવ્યો. બીજે દિવસે અમે ગીતામંદિરની મુલાકાત લીધી. એ મંદિરની દીવાલો પર ગીતાના શ્લોકો લખેલા છે. અહીં રાધાકૃષ્ણની ભવ્ય અને નમણી મૂર્તિઓ છે. ત્યાંના ત્રિવેણી સંગમમાં અમે સ્નાન કર્યું. આ પવિત્ર તીર્થસ્થાનમાં અમને તાજગી અને દિવ્ય શાંતિનો અનુભવ થયો.

પ્રશ્ન 2. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :

(1) રાજ્યના કાયદા ઘડનારી સભા

ઉત્તર : વિધાનસભા, ધારાસભા

(2) રાજ્ય કે દેશનું વડું મથક

ઉત્તર : પાટનગર, રાજધાની

પ્રશ્ન 3. (અ) નીચે શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો :

અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃત્તિ, પ્રકૃતિ, વ્યવસ્થા, પ્રવેશ

ઉત્તર : અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, પ્રવેશ, વ્યવસ્થા, સ્વચ્છ

પ્રશ્ન 3. (બ) પાઠમાં ‘ઇક’ પ્રત્યયથી બનેલો શબ્દ ‘સાંસ્કૃતિક’ આવે છે. એના જેવા બીજા પાંચ શબ્દો બનાવો :

(1) સમાજ + ઇક = સામાજિક

(2) અર્થ + ઇક = આર્થિક

(3) વિજ્ઞાન + ઇક = વૈજ્ઞાનિક

(4) ભૂગોલ + ઇક = ભૌગોલિક

(5) સ્વભાવ + ઇક = સ્વાભાવિક

Also Read :

Class 8 Gujarati Chapter 6 Swadhyay