Class 8 Gujarati Chapter 17 Swadhyay (ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 8 Gujarati Chapter 17 Swadhyay
Class 8 Gujarati Chapter 17 Swadhyay

Class 8 Gujarati Chapter 17 Swadhyay

Class 8 Gujarati Chapter 17 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 17 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 17 અભ્યાસ અને સ્વાધ્યાય. ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 17. સંસ્કારની શ્રીમંતાઈ

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

(1) જગમોહનદાસ એમના વર્તુળમાં ‘રાજા’ નામથી ઓળખાતા હતા; કારણ કે…..

(ક) તેઓ સોહામણા હતા.

(ખ) તેઓ શ્રીમંત હતા.

(ગ) તેઓ બુદ્ધિશાળી હતા.

(ઘ) તેઓ પ્રતિભાશાળી હતા.

જવાબ : (ખ) તેઓ શ્રીમંત હતા.

(2) જગમોહનદાસ બંગલો વેચી નાનકડા મકાનમાં રહેવા ગયા; કારણ કે…..

(ક) તેઓ સાદગીભર્યું જીવન જીવવા માગતા હતા.

(ખ) તેમને બંગલામાં રહેવું ગમતું નહોતું.

(ગ) તેઓ શ્રીમંતાઈથી અકળાઈ ગયા હતા.

(ઘ) સટ્ટામાં ફટકો પડતાં તેમને આર્થિક નુકસાન થયું હતું.

જવાબ : (ઘ) સટ્ટામાં ફટકો પડતાં તેમને આર્થિક નુકસાન થયું હતું.

(3) ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબહેન શું માને છે?

(ક) ભગવાનની આશિષ

(ખ) ભગવાનનો શાપ

(ગ) ભાગ્યવિહીનતા

(ઘ) પતિની કુટેવો

જવાબ : (ક) ભગવાનની આશિષ

(4) પાર્વતીબહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે?

(ક) પિતાજીના

(ખ) પતિના

(ગ) દીકરીના

(ઘ) દાદાજીના

જવાબ : (ઘ) દાદાજીના

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

(1) જગમોહનદાસ શાનો વેપાર કરતા હતા? એમના માથે કેવું સંકટ આવી પડ્યું?

ઉત્તર : જગમોહનદાસ સટ્ટાનો ધંધો કરતા હતા. એક વાર એમના માથે ભયંકર સંકટ આવી પડ્યું. એમને સટ્ટાના ધંધામાં ખૂબ મોટું નુક્સાન થયું. એમને પોતાનો બંગલો, મોટરગાડીઓ અને ઘરની અનેક કીમતી વસ્તુઓ વેચી નાખવી પડી. એમનાં સંપત્તિ, વૈભવ, માન, પ્રતિષ્ઠા જોતજોતામાં પાણીના રેલાની માફક જીવનમાંથી વહી ગયાં.

(2) દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં નિઃશ્વાસ કેમ નાખ્યો? તેમને કઈ વાત મનોમન ખૂંચતી હતી?

ઉત્તર : દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં હળવો નિઃશ્વાસ નાખ્યો; કારણ કે સુખસાહેબીમાં જેમણે કશું કામ નહોતું કર્યું એવી પાર્વતી, પ્રીતિ, ઉત્પલા ઉત્સાહથી કામ કરવા લાગી ગયાં; પરંતુ તેઓ એમની વૃદ્ધાવસ્થાને કારણે કોઈ કામ કરી શકતા ન હતા. આ વાત તેમને મનોમન ખૂંચતી હતી. તેમને આ ઉંમરે કોણ કામ આપે? આ વાતનું એમને દુઃખ હતું.

[નોંધ : પાઠ્યપુસ્તક પૃષ્ઠ 42 પર દર્શના અને દયાળજીભાઈ વચ્ચે સંવાદ ચાલે છે. એટલે આ પ્રશ્નમાં જગમોહનદાસે લેખિકાની હાજરીમાં… નહિ, પણ દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં વાંચવું.]

(3) સુમોહનને કઈ વાત કઠતી હતી? તેણે લેખિકાને શું કહ્યું?

ઉત્તર : સુમોહનની ઇચ્છા પોતાની નાની વહાલી બહેન પ્રીતિને ડૉક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવાની હતી, પણ હવે એ પરિસ્થિતિ રહી નહોતી. એ વાત તેને કઠતી હતી. તેણે દર્શનાને કહ્યું કે પ્રીતિ ભણવામાં એના કરતાંય હોશિયાર છે. એને મનમાં એમ હતું કે તે બહેનને ઊંચામાં ઊંચી કેળવણી અપાવશે, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. પોતાને જે સગવડ મળી તે હવે બહેનને મળે તેમ નથી. એને કારણે બહેનને જ સહન કરવાનું આવ્યું. પોતે બહેન કરતાં મોટો હોવા છતાં તે……આટલું કહેતાં તેનો અવાજ ભીનો થઈ ગયો.

(4) ઉત્પલાભાભી સુખની શી વ્યાખ્યા આપે છે?

ઉત્તર : ઉત્પલાભાભી આવી પડેલી પરિસ્થિતિને હસતા મુખે સ્વીકારીને, એને અનુકૂળ થઈને સુખની સમજ આપે છે.

[આ પાઠનો વ્યાખ્યારૂપે સીધો ઉત્તર પાઠમાં નથી. ઉત્પલાભાભી સુખની વ્યાખ્યા નહીં, પણ સમજ આપે છે.]

(5) પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે?

ઉત્તર : પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે.

(6) લેખિકા જેને કર્તવ્યભાવના કહે છે, એ પ્રીતિને મન શું છે? શા માટે?

ઉત્તર : લેખિકા જેને કર્તવ્યભાવના કહે છે એ પ્રીતિને મન શ્રીમંતાઈ છે; કારણ કે સાચી શ્રીમંતાઈ સંસ્કારની શ્રીમંતાઈ છે.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

(1) ‘વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવલશ્કરને લાવે છે.” તેવું લેખિકા કોના સંદર્ભમાં કહે છે? શા માટે?

ઉત્તર : ‘વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવલશ્કરને લાવે છે.’ તેવું લેખિકા જગમોહનદાસના સંદર્ભમાં કહે છે; કારણ કે જગમોહનદાસને સટ્ટાના ધંધામાં પુષ્કળ નુકસાન થયું હતું. ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનીની પરંપરા ચાલી હતી.

(2) આ કુટુંબકથાનાં પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો.

ઉત્તર : આ કુટુંબકથાનાં પાત્રોની વિશેષતા :

જગમોહનદાસ : વેપારમાં અચાનક નુકસાન થતાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. ત્યારે એમણે પોતાના સ્વભાવમાં સમતુલા જાળવી.

દાદા દયાળજીભાઈ : આજ સુધી મોટરમાં ફરતા દયાળજીભાઈ રોજ સાંજે ફરવા જાય છે. હવે તેમને ચાલવાની કસરત મળે છે એનો એમને આનંદ છે. કુટુંબની તમામ સ્ત્રીઓ કામ કરવા લાગી છે ત્યારે તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી એમને મદદરૂપ થઈ શક્તા નથી. એ વાત તેમને મનમાં ખૂંચે છે.

સુમોહન : સુમોહનને એની નાની બહેન પ્રીતિ અતિશય વહાલી છે. એની ઇચ્છા હતી કે બહેનને ડૉક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવી; પરંતુ પરિસ્થિતિ બદલાતાં તે પોતાની ઇચ્છા પૂરી કરી શકે તેમ નથી. એનું એને દુઃખ છે.

ઉત્પલાભાભી : આ પરિસ્થિતિને ઉત્પલાભાભીએ હસતે મુખે સ્વીકારી લીધી છે. બંગલા, મોટરગાડી, પાર્ટી, ક્લબ અને મિજલસમાં જે સુખ મળે છે એના કરતાં તેને ઘરકામ કરવામાં અને રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં વધુ આનંદ મળે છે. તેને ઘરકામ કરવાની ફાવટ નથી, પણ એનો તેને અફસોસ નથી. તે આશાવાદી છે. તેને ખાતરી છે કે તેને થોડા સમયમાં કામની ફાવટ આવી જશે. ત્યાર પછી તે કોઈ નોકરી શોધી લેશે અને ઘરખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે.

પાર્વતીબહેન : જગમોહનદાસનાં પત્ની પાર્વતીબહેન પોતાને ભાગ્યશાળી માને છે. પુત્રવધૂ ઉત્પલા એમને ઘરકામ કે મિલન-મૃણાલને તૈયાર કરવાનું કામ કરવા દેતી નથી. તેઓ માને છે કે પોતાને આવી ગુણિયલ વહુ મળી છે એ દાદાજીના પુણ્યના પ્રતાપે. એમના હૃદયમાં દાદાજી પ્રત્યે અપાર પ્રેમ અને આદર છે, ઘરમાંથી સંપત્તિ ચાલી ગઈ એ ઘટનાને તેઓ ભગવાનનો આશિષ ગણે છે. તેમને એક જ વાતનું દુઃખ છે કે ઘરના સૌ આવી પડેલી મુશ્કેલી નિવારવા કાંઈ ને કાંઈ કામ કરે છે ને તેઓ તેમાં કોઈ મદદ કરી શકતાં નથી.

પ્રીતિ : જગમોહનદાસની દીકરી પ્રીતિ તો કર્તવ્યભાવનાને જ શ્રીમંતાઈ માને છે. તેની દષ્ટિએ સુખસંપત્તિની શ્રીમંતાઈ એ આડંબર છે. સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે. આર્થિક દષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું હોય, પણ કુટુંબમાં સો એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા છે એનો એને ગર્વ છે.

(3) પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ શા માટે માને છે?

ઉત્તર : પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે; કારણ કે સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તો આપણે મનથી ભાંગી પડતા નથી. સંસ્કાર જ પરિવારને એક રાખે છે. આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણે એકબીજાને મદદરૂપ થઈએ છીએ.

(4) આ કુટુંબકથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હો તો તે વિશે તમારા શબ્દોમાં લખો.

ઉત્તર : આ કુટુંબકથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. આવી એક ઘટના મેં મારી માસીના પરિવારમાં બનેલી જોઈ છે. એ પરિવારમાં એક વ્યક્તિની ભૂલને કારણે પરિવારનાં સુખ-સંપત્તિ છિનવાઈ ગયાં, તેઓ બેઘર થઈ ગયાં. એ વખતે સગાસંબંધીઓએ એમનાથી મોં ફેરવી લીધું. આવી પરિસ્થિતિમાં એકબીજા પર દોષારોપણ કરવાને બદલે “જે થઈ ગયું તે થઈ ગયું, પણ હવે શું કરવું” એનો વિચાર સૌ કરતાં થયાં. પરિવારની દરેક વ્યક્તિ એકબીજાનો ટેકો બની. ભાડાના ઘરમાં રહેવા ગયાં અને દરેક જણે પોતાની રીતે કમાઈને ઘર ચલાવ્યું.

પ્રશ્ન 2. પાઠને આધારે નીચેના વિધાન સમજાવો :

(1) “મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઊલટું સારું રહે છે.” – દયાળજીભાઈના આ વિધાનને સ્પષ્ટ કરો.

ઉત્તર : “મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઊલટું સારું રહે છે.” – દયાળજીભાઈના આ વિધાનમાંથી તેમના હકારાત્મક અભિગમનો પરિચય થાય છે. આવો હકારાત્મક અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં ભાંગી પડતો નથી. એ દુ:ખી કે નિરાશ થતો નથી. જેવું જીવન મળ્યું એને તે આનંદથી પસાર કરે છે.

(2) “ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઊલટાની વધુ મોટી આશિષ આપી છે.” – આ વાક્ય કોણ બોલે છે? વાક્યમાંથી ક્યો સૂર પ્રગટે છે?

ઉત્તર : “ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઊલટાની વધુ મોટી આશિષ આપી છે.” – આ વાક્ય પાર્વતીબહેન બોલે છે. આ વાક્યમાંથી એ સૂર પ્રગટે છે કે સંપત્તિ જાય તો એનો અફ્સોસ કરવો નહિ, સંપત્તિ ગઈ એને ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવું.

Also Read :

Class 8 Gujarati Chapter 18 Swadhyay