Class 8 Gujarati Chapter 14 Swadhyay (ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 8 Gujarati Chapter 14 Swadhyay
Class 8 Gujarati Chapter 14 Swadhyay

Class 8 Gujarati Chapter 14 Swadhyay

Class 8 Gujarati Chapter 14 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 14 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 14 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 14. સાકરનો શોધનારો

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

(1) અંજન ઉપર નિખિલરાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે?

(ક) દોડાવીને

(ખ) થપ્પડ મારીને

(ગ) દંડ કરીને

(ઘ) ચાબુકથી ફટકારીને

જવાબ : (ખ) થપ્પડ મારીને

(2) ભાસ્કરરાય એમની પેટીમાં શું લાવ્યા હતા?

(ક) પુસ્તકો

(ખ) કપડાં

(ગ) મીઠાઈ

(ઘ) રમકડાં

જવાબ : (ઘ) રમકડાં

(3) અંજન શેમાંથી સાકર શોધતો હતો?

(ક) પેટીમાંથી

(ખ) રેતમાંથી

(ગ) કોલસામાંથી

(ઘ) શેરડીમાંથી

જવાબ : (ગ) કોલસામાંથી

પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો.

(1) અંજનથી શાહીનો ખડિયો કેવી રીતે ઢોળાઈ ગયો?

ઉત્તર : ટેબલ પર હાથ અડકતાં અંજનથી લાલ શાહીનો ખડિયો ઢોળાઈ ગયો.

(2) નિખિલરાયને અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ કાઢીને સોપે છે?

ઉત્તર : અંજન ટેબલના ખાનામાંથી પૈડું અને સળિયા, ભમરડો અને જાળ કાઢીને નિખિલરાયને સોંપે છે.

(3) અંજન માંદગી માટે કોને દોષિત ગણે છે?

ઉત્તર : અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે.

પ્રશ્ન 3. આ વાક્ય ક્યાં પ્રસંગે કોણ કોને કહે છે, તે જણાવો.

(1) પણ ભાઈ, દવા પીધા વિના તે કાંઈ ચાલે?

ઉત્તર : અંજનનો દવા પીવાનો સમય થઈ ગયો છે, પણ અંજન દવા પીવાની ના પાડે છે. તે કહે છે કે એને દવા કડવી લાગે છે અને દવા પીધા પછી એની આંખે અંધારા આવે છે. આ સાંભળીને કિન્નરી અંજનને ઉપરનું વાક્ય કહે છે.

(2) બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે.

ઉત્તર : નિખિલરાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિઓથી ગુસ્સો આવે છે. તેઓ અંજનને ધમકાવે છે. એ વખતે કિન્નરી આવીને કહે છે કે અંજનને મા બોલાવે છે ત્યારે નિખિલરાય અંજનને ઉપરનું વાક્ય કહે છે.

(3) પણ પીળા રંગનું શું થશે?

ઉત્તર : લાલ શાહીમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ થાય છે કે નહિ એની ખાતરી કરવા અંજને બ્લૉટિંગના લાલ ડાઘામાં વાદળી શાહી ભેળવી. એનાથી જાંબુડો રંગ થયો. તે વખતે તેને વિચાર આવ્યો કે પીળા રંગનું શું થશે?

પ્રશ્ન 4. નીચેની ખાલી જગ્યાઓ પૂરો :

(1) અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતાં……………રંગ બન્યો.

જવાબ : જાંબુડો

(2) કિન્નરી અંજનને ……………….… એ પૂછવા આવી હતી.

જવાબ : સત્તર સત્તા કેટલા

(3) અંજન …..…….. ને મદદ કરવાનું કિન્નરીને કહે છે.

જવાબ : મા

(4) ભાસ્કરકાકા બાળકો માટે………….લાવ્યા હતા.

જવાબ : રમકડાં

(5) અંજન કોલસામાંથી………… શોધવા પ્રયત્ન કરે છે.

જવાબ : સાકર

સ્વાધ્યાય

પ્રશ્ન 1. પાઠના આધારે પ્રશ્નોના જવાબ લખો.

(1) અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે?

ઉત્તર : ‘લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો રંગ થાય, પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી રંગ થાય, વાદળીમાં લીલો મેળવીએ એટલે…’ અંજન આ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે. આ બધું યાદ રાખવાની મહેનત કરે છે, પણ એમાં એ ફાવતો નથી.

(2) અંજન કિન્નરી પર ખિજાયા પછી કઈ લાગણી અનુભવે છે?

ઉત્તર : અંજન કિન્નરી પર ખિજાયા પછી બહેનને દુભવ્યાની લાગણી અનુભવે છે.

(3) નિખિલરાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી?

ઉત્તર : અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજે દિવસે બાટલી તોડે છે. આજે શાહી ઢોળી અને કપડાં બગાડ્યાં અને આખા ઘરમાં ડાઘા પાડ્યા. નિખિલરાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી.

(4) અંજન કેવી વ્યથા અનુભવે છે?

ઉત્તર : અંજનને એના પિતા એનું મનગમતું કામ કરતાં સતત ટોક્તા રહે છે અને વઢે છે. તે અંજન પાસેથી પૈડું, ભમરડો, લખોટા જેવાં રમવાનાં સાધનો લઈ લે છે. આથી તેનો આનંદ મરી જાય છે. પિતાની બીકથી એ માંદો પડી જાય છે. અંજન માને છે કે તેણે તડકામાં ખૂબ કુદાકુદ કરી એટલે તેને તાવ આવ્યો. એની મા માને છે કે એના બાપુ વઢ્યા ન હોત તો તે માંદો ન પડત, તેની બહેન કિન્નરીને એમ લાગે છે કે ભાઈ તેના વાંકે માંદો પડ્યો છે, પણ અંજન માને કે બહેનને દોષિત ગણતો નથી. એ તો પોતાના નસીબનો જ વાંક કાઢે છે.

(5) ભાસ્કરરાયનો અંજન વિશે શો અભિપ્રાય હતો?

ઉત્તર : અંજન વિશે ભાસ્કરરાયનો અભિપ્રાય હતો કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે એટલે એને રૂંધી ન નખાય, એને સાચે માર્ગે વળવા દેવો જોઈએ. જ્યાં એનું વ્યક્તિત્વ હણાય નહિ, પણ વિકસે ત્યાં એને જવા દેવો જોઈએ. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે.

પ્રશ્ન 2. આપેલા શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તાલેખન કરો.

શીર્ષક : સંપ ત્યાં જંપ

ઉત્તર : એક હાથી હતો. પહાડ જેવો તગડો હાથી. એને પીપળાનાં પાન બહુ ભાવે. એક દિવસ એ પીપળાના ઝાડ પાસે આવ્યો ત્યારે એક ડાળ પર મકોડાની હાર પસાર થતી હતી. હાથીભાઈ તો મોટાં અને કૂણાં પાન ખાવામાં મશગૂલ થઈ ગયા. મકોડાઓએ તેમને વિનંતી કરી, “હાથીભાઈ, બે ઘડી ઊભા રહો. અમે ડાળ પરથી ઊતરી જઈએ પછી તમે આરામથી પાન ખાજો.” પણ હાથીભાઈએ ગર્વથી કહ્યું, “તમે મને રોકનાર કોણ ?” એમ કહીને હાથીએ સૂંઢથી ડાળી તોડી નાખી.

મકોડાઓ હાથીથી બચવા ઝાડ પરથી ભૂસકા મારવા માંડ્યા. એમાં કેટલાંક બચ્યાં હતાં. કેટલાક ઘરડા હતા. હાથીએ તો કોઈની પરવા કરી નહિ. હાથીએ તો મોટી ડાળ પર સૂંઢ વીંટીને જરાક જોર કર્યું ત્યાં કડડ કરતી ડાળ તૂટી. મકોડાઓ ભાગંભાગ કરી ભૂસકા માર્યા. એમાં કેટલાકને વાગ્યું, કેટલાક અથડાયા. કેટલાક પછડાયા. કેટલાક તો મરી ગયા. હાથી તો પેટ ભરીને પાન ખાધાં પછી ડોલતો- ડોલતો ચાલવા લાગ્યો.

મકોડાઓએ હાથીભાઈને બરાબર પાઠ ભણાવવાનો વિચાર કર્યો. હાથીભાઈ પીપળાનાં પાન ખાઈને તલાવડીમાં પેઠા અને પાણીમાં છબછબિયાં કરવા માંડ્યા. હાથીભાઈ તો ગેલમાં આવી ગયા. પાણી પીને હાથી તલાવડીમાંથી બહાર નીકળીને જાંબુના એક ઝાડ નીચે છાંયામાં સૂઈ ગયા. હાથી ઘસઘસાટ ઊંઘતો હતો. એવામાં એક, બે, દસ, સો, હજાર જેટલા મકોડાઓ ગાતા-ગાતાં આવ્યા અને “હાથીડા રે હાથીડા, વેર લેવા આવ્યા છીએ; ચટકા ચટકા લાવ્યા છીએ…”

એમ ગાતા-ગાતાં થોડીવારમાં મકોડાઓ આવીને હાથીના શરીરના જુદા જુદા ભાગો પર ગોઠવાઈ ગયા. એક, દો, તીન એમ અવાજ કરતાં જ મકોડાઓ તે હાથીને ડંખ મારવા લાગ્યા. હાથી જાગી ગયો. હાથી કૂદતો જાય, પૂંછડી ઉલાળતો જાય, કાન ફફડાવતો જાય અને ઉંહકારા કરતો જાય, પણ મકોડા સાંભળે જ નહિ. તેઓ તો ડંખ ઉપર ડંખ અને ચટકા ચટકા મારતા જ જાય.

હાથીભાઈએ મકોડાઓની માફી માગી. હવે કદી આવી ભૂલ નહિ કરું એની ખાતરી આપી ત્યારે બધા મકોડાઓ હાથીભાઈના શરીર પરથી ઊતર્યા. હાથી તલાવડી તરફ દોડ્યો, પણ હાથીએ તલાવડીમાં માછલીઓને પણ પરેશાન કરી હતી એટલે બધી માછલીઓ તેના કાનમાં ગલીપચી કરવા લાગી. હાથી તો કૂદાકૂદ કરે, પણ માછલીઓ હાથીને છોડે નહિ. હાથીએ માછલીઓની પણ માફી માગી ત્યારે માછલીઓ આઘીપાછી થઈ ગઈ.

આમ, મકોડાઓએ અને માછલીઓએ સંપથી હાથીને બરાબર પાઠ ભણાવ્યો.

પ્રશ્ન 3. તમે વાંચેલાં પુસ્તકો પૈકી તમને ક્યું પુસ્તક ગમ્યું અને શા માટે તે લખો :

ઉત્તર : મેં વાંચેલાં પુસ્તકો પૈકી મને તારક મહેતાનું ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ પુસ્તક ગમ્યું, કારણ એમાં દરેક પ્રસંગમાંથી સતત હાસ્ય પેદા થાય છે. એ વાંચીને મારું મન હળવું ફૂલ થઈ જાય છે.

Also Read :

Class 8 Gujarati Chapter 15 Swadhyay