Class 7 Social Science Chapter 17 Swadhyay (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 17 સ્વાધ્યાય)

Class 7 Social Science Chapter 17 Swadhyay
Class 7 Social Science Chapter 17 Swadhyay

Class 7 Social Science Chapter 17 Swadhyay

Class 7 Social Science Chapter 17 Swadhyay. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 17 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 17 સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 17. જાતીગત ભિન્નતા

સત્ર : દ્વિતીય

સ્વાધ્યાય

પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો :

(1) જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે……………..માં જોવા મળે છે.

જવાબ : ગામડાં

(2) ઈ. સ. 2011માં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ……………હતું.

જવાબ : 940

પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર આપો :

(1) બાળઉછેર અંગે કઈ-કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે?

ઉત્તર : (1) ભારતીય સમાજમાં દીકરા-દીકરી વચ્ચે કપડાં પહેરવામાં, રમતો રમવામાં, વાહન ચલાવવામાં, ખોરાકની બાબતમાં, હરવા-ફરવામાં, આચાર-વિચાર અને વ્યવહારમાં, ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ-અસમાનતા જોવા મળે છે. (2) દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરાવવામાં આવતું નથી. (3) કન્યાઓને ભણાવવામાં વાલીઓની ઉદાસીનતા જોવા મળે છે. (4) વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી. (5) આજે પણ કેટલાક સમાજોમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક તર્ક-વિતર્કો પ્રવર્તે છે.

(2) ઘરકામમાં કઈ-કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે?

ઉત્તર : સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે. તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરનાં કામો વધારે કરાવવામાં આવે છે. જેમ કે, છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે છે. તેઓ નાના ભાઈ કે બહેનને રમાડે છે. તેઓ ઘરની સાફ-સફાઈ કરે છે, પાણીનાં વાસણોમાં પાણી ભરે છે અને કપડાં ધુએ છે. છોકરાઓ ઘરનાં કામો માટે સાઇકલ કે અન્ય વાહન ચલાવી. શકે છે કે શીખી શકે છે; જ્યારે છોકરીઓને આ માટે સક્ષમ માનવામાં આવતી નથી.

(3) રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે?

ઉત્તર : રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

(1) મહિલા સશક્તીકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે?

ઉત્તર : મહિલા સશક્તીકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે. દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવા સામે સરકાર સ્ત્રી-ભૃણહત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ-પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે. છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે. વધુમાં, નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે. કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.

(2) કયાં-ક્યાં કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે?

ઉત્તર : દેશનાં સૈન્યો અને પોલીસતંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે. આ ઉપરાંત, રાજ્યની વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મેનેજરો તથા વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે.

(3) આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી?

ઉત્તર : આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારનાં આંદોલનો થયાં. કસ્તૂરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓએ આંદોલનોમાં જોડાઈ હતી.

પ્રશ્ન 4. ટૂંક નોંધ લખો :

(1) નારી સશક્તીકરણ

ઉત્તર : છેલ્લા બે દાયકા દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તીકરણ માટે અનેક આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવ્યાં છે. હાલમાં નારી સશક્તીકરણ માટે ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત ઘણી યોજનાઓ અમલમાં છે. ઈ. સ. 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તીકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી. આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા પશુપાલન, ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે. આ ઉપરાંત, સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે.

મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે. ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો સ્થપાઈ છે. મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે નોકરી, વ્યવસાય કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવી તેમને સુરક્ષા બક્ષી છે.

(2) ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા

ઉત્તર : ભારતના બંધારણે 6થી 14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે. વળી, આજના સમયમાં છોકરા-છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આમ છતાં, રૂઢિગત માન્યતાને લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવામાં કેટલીક અગવડો વેઠ્ઠી પડે છે. વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી. સમાજમાં પ્રવર્તતો આ ભેદભાવ બાળલગ્ન જેવા કુરિવાજને પ્રોત્સાહન આપે છે. બાળલગ્નોને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી.

સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે. આમ છતાં, વાલીઓમાં પોતાની દીકરીઓને શિક્ષણ અપાવવામાં ઉદાસીનતા જોવા મળે છે. છેલ્લા બે દાયકાથી સરકાર કન્યાઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એ માટે સઘન પ્રયત્નો કરે છે. છતાં, આજે કેટલાક સમાજમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક પ્રશ્નો સામે આવતા હોય છે. દીકરીને પોતાના ગામમાંથી બહાર ભણવા મોકલવા વાલીઓ તૈયાર હોતા નથી. નોકરી માટે પણ તેને શહેરમાં મોકલવાને બદલે તેઓ પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે.

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 5 સ્વાધ્યાય