Class 6 Social Science Chapter 14 Swadhyay
Class 6 Social Science Chapter 14 Swadhyay. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 14 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 14 સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 14 વિવિધાતામાં એકતા
સત્ર : પ્રથમ
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :
(1) આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે?
ઉત્તર : આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે.
(2) આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે?
ઉત્તર : આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરથોસ્તી (પારસી), યહૂદી વગેરે ધર્મો પાળે છે.
(3) આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે?
ઉત્તર : આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાન-પાન, તહેવાર, પોશાક, રૂપ-રંગ, રહેઠાણ, માન્યતા, રીતરિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે. આ ઉપરાંત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે.
(4) રાષ્ટ્રીય એકતા કોને કહેવાય?
ઉત્તર : વિવિધ ધમોં, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સમ્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ સમાનભાવે અનુભવે તેને ‘રાષ્ટ્રીય એકતા’ કહેવાય.
પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર આપો :
(1) લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા
ઉત્તર : ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે. ભારતમાં કશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, ભિન્ન ભિન્ન તહેવારો ઊજવતા અનેક જ્ઞાતિઓના લોકો વસે છે. ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણીકરણી, રીતરિવાજો વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે. આમ છતાં, દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે.
સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાનાં દર્શન કરાવ્યાં હતાં. ભારતે વસુધૈવ કુટુમ્બકમ- સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે. ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. આમ, વિવિધતામાં એકતા એ આપણા દેશની, આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે.
(2) વિવિધતા અને સમાનતાના પ્રયાસો
ઉત્તર :
વિવિધતા : આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાન-પાન, તહેવાર, પોશાક, રૂપ-રંગ, રહેઠાણ, માન્યતા, રીતરિવાજ વગેરેમાં તેમજ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં વિવિધતા પ્રવર્તે છે. આ વિવિધતાને કારણે આપણા દેશમાં અમીર-ગરીબ, છોકરા-છોકરી, સાક્ષર-નિરક્ષર, શહેરી-ગ્રામીણ , ઊંચ-નીચ જ્ઞાતિઓ વગેરે ભેદભાવો જોવા મળે છે. આપણી પ્રારંભિક સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત હતી. તેથી કેટલાક સમુદાયો આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા હતા. તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉભવ્યા હતા. શિક્ષિત લોકોનું જીવનધોરણ ઊંચું અને નિરક્ષર લોકોનું જીવન સામાન્ય હોય છે. આમ, બંને વર્ગોના જીવનધોરણમાં મોટો તફાવત હોવાથી ભેદભાવ ઊભા થયા છે. આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા શહેરી લોકોના પ્રમાણમાં વધુ છે, પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવનધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થયા છે.
સમાનતાના પ્રયાસો : (1) દેશના બંધારણના આર્ટિકલ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. (2) બંધારણે સમાનતાના મૂળભૂત હક દ્વારા સૌ નાગરિકોને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યાં છે. (3) મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા 6થી 14 વર્ષની ઉંમરનાં બધાં બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. (4) લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો સરકારે પૂરી પાડી છે. (5) લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઊજવી શકે વગેરે સ્વતંત્રતાઓ મળવાથી ભેદભાવો નામશેષ બન્યા છે. (6) સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકારી નોકરીઓમાં તથા ગ્રામપંચાયતથી સંસદ સુધીની બેઠકોમાં
અનામત પ્રથા અમલી બનાવવામાં આવી છે. (7) વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ તેમજ આર્થિક મદદની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. (8) ભારતીય સમાજમાં સ્ત્રીઓને માન-સમ્માન અને સમાન દરજ્જો મળે તે માટે સરકારશ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને સમાન તક આપે છે.
ઉપર દર્શાવેલી સગવડો દ્વારા સૌને સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ સાધવાની તકો પ્રાપ્ત થઈ છે.
પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) આઝાદી પછીનાં વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે.
ઉત્તર : ખરું
(2) આપણો દેશ શહેરોનો બનેલો છે.
ઉત્તર : ખોટું
(3) ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી.
ઉત્તર : ખોટું
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) છોકરા-છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર : (1) સ્ત્રી-પુરુષમાં જૈવિક ભિન્નતા છે. તેથી છોકરા-છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. (2) આજે ઘણાં કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળઉછેરનું જ કામ કરે છે. (3) કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. (4) દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. (5) કપડાંમાં, અભ્યાસની તકોમાં, હરવા-ફરવામાં અને વ્યાવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. (6) છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનવું પડે છે. (7) સમાજમાં પુત્ર-જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી-ભૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. (8) વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે.
(2) ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. વિધાન સમજાવો.
ઉત્તર : (1) ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ‘ધાર્મિક સ્વાતંત્ર્ય’નો મૂળભૂત હક આપ્યો છે. (2) આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. (3) ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. (4) રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી. (5) ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છુટ છે. (6) ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. (7) ભારતના બંધારણમાં ‘સર્વધર્મ-સમદષ્ટિ’ અને ‘સર્વધર્મ- સમભાવ’નો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.
પ્રશ્ન 5. ખાલી જગ્યા પૂરો :
(1) મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ……….ભાષા બોલે છે.
ઉત્તર : મરાઠી
(2) પંજાબના લોકો…………..નૃત્ય માટે જાણીતા છે.
ઉત્તર : ભાંગડા
(3) મહાવીરજયંતીનો ઉત્સવ…………ધર્મના લોકો ઊજવે છે.
ઉત્તર : જૈન
(4) ભારતમાં……………રાજ્યના રાસ-ગરબા જાણીતા છે.
ઉત્તર : ગુજરાત
Also Read :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 2 સ્વાધ્યાય