27 Gujarati Bal Varta । 27. શેરડીનો સ્વાદ

27 Gujarati Bal Varta
27 Gujarati Bal Varta

27 Gujarati Bal Varta । 27. શેરડીનો સ્વાદ

27 Gujarati Bal Varta. 27 શેરડીનો સ્વાદ વાર્તા વાંચો. ગુજરાતી વાર્તા. ગુજરાતી બાળવાર્તા. Gujarati Bal Varta Story. Gujarati Varta Story. Gujarati Varta.

હાથીને શેરડી બહુ ભાવે. એક દિવસ હાથી શેરડીના ખેતરે પહોંચી ગયો. ખેતરનો માલિક ઘસઘસાટ ઊંઘી ગયો હતો. હાથીએ પેટ ભરીને શેરડી ખાધી. હાથીએ હાથણી માટે શેરડીનો ભારો પોતાની પીઠ પર લીધો.

દૂરથી શિયાળે હાથીને આવતો જોયો. તેની પાસેનો શેરડીનો ભારો જોઈ શિયાળને પણ શેરડી ખાવાનું મન થયું.

થોડીવારમાં હાથી શિયાળ પાસે આવી ગયો. શિયાળે દયામણો અવાજ કાઢી કહ્યું, ‘અરે ઓ હાથીભાઈ, તમે ખૂબ દયાળુ છો. મને થોડી મદદ કરશો?’

હાથી કહે, ‘બોલ, તારે મારી શી મદદ જોઈએ છે?’

શિયાળ કહે, ‘હું ખૂબ બીમાર છું. મને તમારી પીઠ પર બેસાડી આગળના રસ્તે ઉતારી દેજો.’

હાથી કહે, ‘એમાં શી મોટી વાત છે. એક કરતાં બે ભલા.’ કહી શિયાળને પોતાની પીઠ પર બેસાડી દીધો. શિયાળ હાથી ઉપર બેસી શેરડી ખાવા લાગ્યું. શેરડીના સાંઠા ખાલી થતા ગયા તેમ શિયાળે રસ્તામાં આવતા ઝાડની ડાળીઓ કાપતો ગયો. ને તેને શેરડીના સાંઠાની જગ્યાએ મૂકતો ગયો. શિયાળે ધરાઈને શેરડી ખાધી ને કેટલીય શેરડી બગાડી.

શિયાળને તેના રહેઠાણ પાસે ઉતારી હાથી પોતાના ઘેર ગયો. ને હાથણીને કહે, ‘લે તારા માટે શેરડીના સાંઠા લાવ્યો છું.’ કહી પોતાની પીઠ પરથી ભારો નીચે નાખ્યો. હાથણી કહે, ‘આ શેરડી નહિ પણ બળતણ માટેનાં સાંઠીકડાં છે.’ હાથી કહે, ‘હું તો શેરડી લાવ્યો છું. પણ હા, આ પેલા લુચ્ચા શિયાળનું કામ છે. તે મને છેતરી ગયો છે.’

શિયાળને પાઠ ભણાવવા હાથીએ મધમાખીની રાણી પાસે જઈ બધી વાત કરી. મધમાખીની રાણીએ મધપૂડાઓની બધી માખીઓ એક મોટી થેલીમાં ભરી. હાથીને આપતાં રાણી બોલી, ‘આ થેલી તમારી પીઠ પર મૂકજો, એટલે લાલચુ શિયાળ થેલી જોઈને લલચાશે.’

હાથીએ મધમાખીથી ભરેલી થેલી પીઠ પર મૂકી. તે શિયાળના રહેઠાણ પાસે પહોંચ્યો. શિયાળ હાથીને અને તેની પીઠ પરની થેલી જોઈને ખુશ થઈ ગયો. પહેલાની માફક જ તે ફરી હાથીની પીઠ પર જઈ બેઠો. તેને થયું થેલીમાં ગોળ હશે. શિયાળે થેલીના મોંની દોરી ખોલી ખાવા માટે હાથ નાખ્યો. ઘણા લાંબા સમયથી અંદર પુરાયેલ મધમખીઓ ફુવારાની જેમ થેલીમાંથી ઊડીને ડંખ દેવા લાગી. શિયાળે પીડાથી બૂમો પાડી, ‘હાથીભાઈ મને જલદી નીચે ઉતારો, મારી ભૂલ થઈ ગઈ. હવે ક્યારેય પણ ચોરી નહિ કરું.’ હાથી નીચે બેઠો એટલે શિયાળ પીઠ પરથી ઊતરી ગયો.

હાથી કહે, ‘ચાલ્યો જા અહીંથી. ક્યારેય પાછો આવીશ નહિ.’

હાથીએ મધમાખીઓનો આભાર માન્યો ને તે પોતાને ઘેર ગયો.

આ વાર્તા પણ વાંચો :

28. સૌથી મોટું ઈનામ

Leave a Reply