Class 8 Science Chapter 18 Swadhyay (ધોરણ 8 વિજ્ઞાન પાઠ 18 સ્વાધ્યાય)

Class 8 Science Chapter 18 Swadhyay
Class 8 Science Chapter 18 Swadhyay

Class 8 Science Chapter 18 Swadhyay

Class 8 Science Chapter 18 Swadhyay. Std 8 Science Chapter 18 Swadhyay. ધોરણ 8 વિજ્ઞાન વિષયના એકમ 18 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 18 સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : વિજ્ઞાન

એકમ : 18 હવા અને પાણીનું પ્રદૂષણ

સત્ર : દ્વિતીય

સ્વાધ્યાય

પ્રશ્ન 1. પાણી જુદી જુદી કઈ રીતે દૂષિત થાય છે?

ઉત્તર : પાણી નીચે દર્શાવેલી જુદી જુદી રીતે દૂષિત થાય છે :

(1) પ્રક્રિયા કર્યા વગરનો મળમૂત્રનો કચરો સીધો જ નદીમાં નિકાલ કરવામાં આવે. (2) ઉદ્યોગોનો હાનિકારક રસાયણો ધરાવતો કચરો પાણીમાં નિકાલ કરવામાં આવે. (3) ખેતરમાં પાકના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતાં જંતુનાશકો અને નીંદણનાશકો પાણીમાં દ્રાવ્ય થઈ જળાશયો કે નદીમાં ઉમેરાય. (4) નહાવા, કપડાં-વાસણ ધોવાની પ્રવૃત્તિ, પશુઓને તળાવ કે જળાશયના પાણીમાં નવડાવવામાં આવે. (5) નદીમાં ફૂલ, અસ્થિ વિસર્જન તેમજ દેવી-દેવતાઓની મૂર્તિઓના વિસર્જન કરવામાં આવે.

પ્રશ્ન 2. વાયુ પ્રદૂષણ ઘટાડવા અંગત રીતે તમે કઈ રીતે મદદરૂપ થઈ શકો?

ઉત્તર : વાયુ પ્રદૂષણ ઘટાડવા અંગત રીતે આપણે નીચે પ્રમાણે મદદરૂપ થઈ શકીએ :

(1) વૃક્ષોનાં વાવેતર અને ઉછેર વડે કાર્બન ડાયૉક્સાઇડના પ્રમાણમાં ઘટાડો કરી શકીએ. (2) શક્ય હોય ત્યાં સુધી રાજ્ય કે મ્યુનિસિપાલિટી પરિવહન સેવાનો ઉપયોગ કરીએ. (3) વાહનોમાં CNG કે સીસારહિત પેટ્રોલનો ઉપયોગ કરીએ. (4) નજીકના અંતરો માટે વાહનના બદલે સાઇકલનો ઉપયોગ કરીએ. (5) ટ્રાફિક જંક્શનોએ સાઇડ બંધ હોય ત્યારે વાહન બંધ કરીએ. (6) જૈવવિઘટનીય કચરો બાળવાને બદલે ખાતર બનાવવા ઉપયોગમાં લઈએ. (7) અશ્મિઈંધણના વૈકલ્પિક સ્રોત તરીકે સૌર-ઊર્જા પર આધારિત ઉપકરણોનો ઉપયોગ કરીએ. (8) દિવાળી તેમજ લગ્નપ્રસંગે ફટાકડા ફોડવાની પ્રવૃત્તિ અટકાવીએ.

પ્રશ્ન 3. ચોખ્ખું અને પારદર્શક પાણી હંમેશાં પીવાલાયક હોય છે. ટિપ્પણી આપો.

ઉત્તર : ચોખ્યું અને પારદર્શક પાણી હંમેશાં પીવાલાયક હોય છે. તે સાચું નથી. આ પાણીમાં રોગજન્ય સૂક્ષ્મ જીવો તથા દ્રાવ્ય અશુદ્ધિઓ હોઈ શકે છે. આ પ્રદૂષકો નરી આંખે જોઈ શકાતા નથી. તેથી પાણીને ઉકાળીને શુદ્ધ કર્યા પછી જ પીવાલાયક ગણવું જોઈએ.

પ્રશ્ન 4. તમે તમારા ગામની નગરપાલિકા સમિતિના સભ્ય છો. તમારા ગામના રહીશોને ચોખ્ખા પાણીનો પુરવઠો મળે તેવી ખાતરી આપતાં પગલાંની યાદી તૈયાર કરો.

ઉત્તર : ગામના રહીશોને ચોખ્ખા પાણીનો પુરવઠો મળે તેવાં પગલાંઓની યાદી :

(1) પાણીની ટાંકીને નિયત સમયાંતરે સાફ કરાવવી. (2) પાણીની ટાંકીમાં ક્લોરિન ટેબ્લેટો નિયત માત્રામાં ઉમેરવી. (3) પાણીની ટાંકીથી રહેઠાણ વિસ્તાર સુધી પાણી પહોંચાડતી પાઇપોની યોગ્ય ચકાસણી કરાવવી. (4) પાણી સ્રોતને પ્રદૂષિત કરે તેવી પ્રવૃત્તિઓ બંધ કરાવવી.

પ્રશ્ન 5. શુદ્ધ અને પ્રદૂષિત હવા વચ્ચેના તફાવત જણાવો.

ઉત્તર :

શુદ્ધ હવા

(1) શુદ્ધ હવા રોગકારકો અને હાનિકારક પ્રદૂષકોથી મુક્ત હોય છે.

(2) તેમાં 78 % નાઇટ્રોજન, 21 % ઑક્સિજન અને અન્ય વાયુઓ કાર્બન ડાયૉક્સાઇડ, આર્ગોન, ઓઝોન, મિથેન, પાણીની બાષ્પ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે.

પ્રદૂષિત હવા

(1) પ્રદૂષિત હવા ધુમાડા, રજકણો, ક્યારેક ધુમ્મસ યુક્ત હોય છે.

(2) તેમાં ઑક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. અન્ય પ્રદૂષક વાયુઓ મુખ્યત્વે નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ ભળેલા હોય છે.

પ્રશ્ન 6. ઍસિડવર્ષા થવા માટેના સંજોગો જણાવો. ઍસિડવર્ષા આપણને કઈ રીતે અસર કરે છે?

ઉત્તર :

ઍસિડવર્ષા થવા માટેના સંજોગો : અશ્મિબળતણના વપરાશથી સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડ પ્રદૂષકો વાતાવરણમાં ઉમેરાય છે. આ પ્રદૂષક વાયુઓ વાતાવરણમાં રહેલી પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરિક ઍસિડ અને નાઇટ્રિક ઍસિડ બનાવે છે. આ ઍસિડ વરસાદના પાણીમાં ભળી નીચે પડે છે. તેથી ઍસિડવર્ષા થાય છે.

ઍસિડવર્ષાથી થતી અસરો :

(1) ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓની શોભા ખંડિત થાય છે. (2) પીવાના પાણીને ઍસિડિક બનાવે છે. તે પાચનમાર્ગમાં બળતરા સર્જે છે. (3) કૃષિ પાક અને વૃક્ષોને હાનિ પહોંચાડે છે. (4) ભૂમિની ઍસિડિકતા વધારે છે. ભૂમિ પાક ઉત્પાદન માટે નકામી બનતી જાય છે. (5) આપણી ચામડી પર દાહક અસર સર્જે છે.

પ્રશ્ન 7. નીચેનામાંથી કયો વાયુ ગ્રીનહાઉસ વાયુ નથી?

(A) કાર્બન ડાયૉક્સાઇડ

(B) સલ્ફર ડાયૉક્સાઇડ

(C) મિથેન

(D) નાઇટ્રોજન

ઉત્તર : (D) નાઇટ્રોજન

પ્રશ્ન 8. તમારા પોતાના શબ્દોમાં “ગ્રીનહાઉસ અસર’ વર્ણવો.

ઉત્તર : પૃથ્વી પર આપાત સૂર્યનાં વિકિરણોનો કેટલોક ભાગ પૃથ્વી દ્વારા શોષાઈ જાય છે, જ્યારે કેટલોક ભાગ અવકાશમાં પાછો પરાવર્તિત થાય છે. પરાવર્તિત થતાં વિકિરણોનો કેટલોક ભાગ વાતાવરણ દ્વારા રોકાય છે. જે પૃથ્વીને ફરીથી ગરમ કરે છે. કેટલીક નર્સરીમાં તૈયાર કરવામાં આવતા ગ્લાસ હાઉસમાં અંદરની ગરમી બહાર ન જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. પૃથ્વીના વાતાવરણ દ્વારા વિકિરણો રોકી ઉષ્ણ કરવાની બાબતને ગ્રીનહાઉસ અસર કહે છે.

ગ્રીનહાઉસ અસર સર્જવા માટે મુખ્ય જવાબદાર વાયુ CO2 છે.

પ્રશ્ન 9. ગ્લોબલ વૉર્મિંગ પર ટૂંકું વક્તવ્ય તૈયાર કરી તમારા વર્ગમાં રજૂ કરો.

ઉત્તર : પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે થતાં વધારાને ગ્લોબલ વૉર્મિંગ કહે છે.

વનકટાઈને કારણે પૃથ્વી પર વનસ્પતિ આવરણો ઘટતા જાય છે. પરિણામે વાતાવરણમાં CO2 ના પ્રમાણમાં વધારો થાય છે. CO2 પૃથ્વી પરથી પરાવર્તિત કિરણોને શોષી અવકાશમાં જતા રોકે છે. માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2 ઉપરાંત અન્ય ગ્રીનહાઉસ વાયુઓ મિથેન, નાઇટ્રસ ઑક્સાઇડ, ક્લોરો ફ્યુરો કાર્બન વાતાવરણમાં ઉમેરાતા જાય છે. આ સ્થિતિને નિયંત્રિત કરવામાં ન આવે તો 21મી સદીના અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જવાનું અનુમાન છે.

ગ્લોબલ વૉર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશો પર બરફ ઓગળે અને દરિયાની સપાટીમાં વધારો જોવા મળે. દરિયાકિનારાના વિસ્તારોનું અસ્તિત્વ ભયમાં મૂકાવાની શક્યતા વધે. ગ્લોબલ વૉર્મિંગથી વરસાદ પડવાની પદ્ધતિમાં, કૃષિ-ઉત્પાદન, જંગલો, વનસ્પતિઓ અને પ્રાણીઓની વિશાળ શ્રેણી પર હાનિકારક અસરો ઊભી થઈ શકે છે. પૃથ્વી પર જંગલોની જાળવણી અને શક્ય તેટલાં વધુ વૃક્ષો ઉછેરી ગ્લોબલ વૉર્મિંગની અસરોને નિયંત્રિત કરી શકાય.

પ્રશ્ન 10. તાજમહાલની સુંદરતા પર રહેલું જોખમ વર્ણવો.

ઉત્તર : આગ્રામાં આવેલો તાજમહાલ ભારતમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. તાજમહાલ સફેદ આરસથી બનાવાયેલી ઐતિહાસિક ઇમારત છે.

આગ્રા અને તેની આસપાસ રબર પ્રોસેસિંગ, વાહન તેમજ રસાયણ ઉદ્યોગો અને મથુરા ઑઇલ રિફાઇનરી આવેલી છે. આ ઉદ્યોગો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડ વાતાવરણમાં ઉમેરે છે. સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડ વાતાવરણમાં પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી ઍસિડ બનાવે છે. વરસાદ સાથે સક્યુરિક ઍસિડ અને નાઇટ્રિક ઍસિડ ભળી ઍસિડવર્ષા સર્જે છે. ઍસિડવર્ષાથી તાજમહાલનો આરસ ખવાતો જાય છે. તેને આરસનું કેન્સર કહે છે. મથુરા ઑઇલ રિફાઇનરી દ્વારા ઉત્સર્જિત થતા સૂક્ષ્મ કણો આરસને પીળો પાડે છે. આમ, તાજમહાલની સુંદરતા પર હવાના પ્રદૂષકોનું જોખમ રહેલું છે.

પ્રશ્ન 11. શા માટે પોષક દ્રવ્યોનું પાણીમાં વધતું પ્રમાણ જલીય જીવોના ટકી રહેવાને અસરકર્તા હોય છે?

ઉત્તર : ખેતરોમાં કૃષિ-ઉત્પાદન વધારે મેળવવા અનિયંત્રિત રાસાયણિક ખાતરોનો વપરાશ થાય છે. આવા રસાયણો પાણીમાં દ્રાવ્ય થઈ વરસાદના પાણી વડે ધોવાણ પામી જળાશયોમાં એકત્રિત થાય છે. આ રસાયણોમાં રહેલા નાઇટ્રેટ અને ફૉસ્ટ્રેટ લીલના વિકાસ માટે પોષક દ્રવ્યો તરીકે વર્તે છે. પાણીમાં આ પોષકદ્રવ્યો વધતાં લીલનું પ્રમાણ વધે છે. લીલ મૃત થાય ત્યારે વિઘટકો (બૅક્ટરિયા) તેનું વિઘટન કરે છે. આ ક્રિયામાં પાણીમાં દ્રાવ્ય ઑક્સિજન વધારે માત્રામાં વપરાઈ જાય છે. જળાશયના પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનના સ્તરમાં ઘટાડો જલીય જીવોનું મૃત્યુ પ્રેરે છે. આમ, પાણીમાં પોષક દ્રવ્યોનું વધતું પ્રમાણ જલીય જીવોના અસ્તિત્વને ભયમાં મૂકે છે.

Also Read :

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 17 સ્વાધ્યાય